________________
૧૯૬
મા-બાપ છોકરાંનો વ્યવહાર
મા-બાપ છોકરાંનો વ્યવહાર
૧૯૭
માર સહે બતી બાપડાં; વેર બાંધી બને દીપડા!
એ ખોટું કરતો હોય, તો એને ધીબ ધીબ કરવાનો ના હોય. ખોટું કરતો હોય અને એને ધીબ ધીબ કરીએ તો શું થાય ? એક જણ તો લુગડાં ધુએ એમ ધોતો'તો. અલ્યા મૂઆ ! બાપ થઈને આ છોકરાની આ દશા શું કરે છે ? છોકરો મનમાં શું નક્કી કરે છે તે જાણો છો તે ઘડીએ ? સહન ના થાય ને, તે કહે, ‘મોટો થઉં એટલે તમને મારું, જોઈ લો.” મહીં નિયાણું કરી નાખે એ ! પછી એને માર માર જ કરે રોજ મોટો થઈને પછી ! ત્યારે મૂઆ અત્યારે શું કરવા બગાડ્યું છોકરાં જોડે ? રીતસર એને સમજાવી, પોપલાવીને કામ લે ! હંમેશાં મારવાથી દરેક કામ બગડે છે. મારવું એનું નામ કહેવાય કે એનાથી એ ભય પામ્યો હોય. તે ય કો'ક દહાડો જ ! ખાલી ભય જ પમાડવાની જરૂર છે, એને મારવાની જરૂર નથી. એટલે આ બાજુના ભાવ કરવાના બંધ કરી દે, પછી અને આ ખોટું છે એવું સમજાઈ જાય એને.
ખરી રીતે સીધા કરતાં લોકોને આવડતાં નથી. એવું જ્ઞાન નહીં હોવાથી એ આવડતું નથી. નહીં તો છોકરાંને સીધા કરવા માટે પ્રેમના જેવું તો ઔષધ જ નથી. પણ એવો પ્રેમ રહે નહીંને, માણસને ગુસ્સો જ આવેને ! છતાં એ ગુસ્સો કરીને મારીને ય એને સવળે રસ્તે લાવે છે એ સારું છે. નહીં તો એ અવળે રસ્તે ચાલ્યો જાય. કારણ કે એને જ્ઞાન જ નથી અને ૩૦ વર્ષની ઉંમરનાને આપણે મારીએ તો એ સામો થાય. તે જયાં સુધી આપણું ચાલે ત્યાં સુધી કરી લેવું. ના ચાલે તો પડતું મેલવું.
પ્રશ્નકર્તા : પણ કહ્યું માને નહીં, એટલે કોઈ વખત મારવાં પડે બાળકોને !
દાદાશ્રી : ના માને, તે મારવાથી કઈ માની જાય છે ? એ તો મનમાં રીસ રાખે મોટો થઈશ ત્યારે મારી મમ્મીને જોઈ લઈશ, કહેશે. મનમાં રીસ રાખે જ, દરેક જીવ રીસ રાખે જ ! પોતે હંમેશાં સમાધાનીપૂર્વક કાર્ય કરો, દરેક કાર્ય ! મારવું હોય તો કહેવું, ‘ભઈ તું કહેતો હોય તો તને મારું, નહીં તો નહીં મારું.' એ કહે કે “ના, મને મારો.” તો મારો, સમાધાનપૂર્વક મરાય. એવું કંઈ મરાતું હશે ? નહીં તો એ વેર બાંધે ! એને ના ગમતું હોય ને તમે મારી તો વેર બાંધે. નાનો હોય ત્યારે વેર ના બાંધે, પણ મનમાં નક્કી કરે કે આ હું મોટો થઈશ ને મમ્મીને મારીશ !
પ્રશ્નકર્તા : પણ દાદા, મારી બેબી એને તો આપણે વઢીએ તો કશું નહીં, સેકન્ડમાં બધું ભૂલી જાય.
દાદાશ્રી : એ ભૂલી જાય છે. તો કંઈ એટલી ચાલાકી ઓછી છે. ચંચળતા ઓછી છે જરા, એટલે ભૂલી જાય. પણ ચંચળ માણસો બહુ ઊગ્ર હોય. એટલે વઢવાનું શું કામ છે હવે ? બાબાને કહેવું વઢવું હોય તો કે બોલ તને હું વઢું આવું કામ કર્યું ને ખરાબ કર્યું આ. હું તને વઢું તો કહે, ‘હા, વઢો.’ તો આપણે વઢવું. એ ખુશી થઈને વઢવાનું કહે, તો આપણે વઢવું.
છોકરાંને તમે મારશો નહીં, છોકરાનું વ્યક્તિત્વ છે.
મા બાપની ધાક હોય માત્ર આંખથી; ક્યારેક દંડ કે સંકોરી પ્રેમ પાંખથી!
પ્રશ્નકર્તા : ઘણાને એવી બીલિફ હોય છે કે છોકરાંને મારીએ તો જ સીધાં થાય, નહીં તો બગડી જાય. આપણે મારીને ધાકમાં રાખવાં જ જોઈએ. તો જ છોકરાં પાંસરા ચાલે, એ શું બરોબર છે ?
દાદાશ્રી : જ્યાં સુધી મારવા જેવી એની ઉંમર હોય ત્યાં સુધી મારવા જોઈએ અને ૩૦ વર્ષની ઉંમર થઈ ને મારવા જઈએ તો ?
પ્રશ્નકર્તા : એ સામા આવે.
દાદાશ્રી : માટે અમે એમ કહીએ કે મારજો અને એમે ય કહીએ કે ના મારજો. જ્યાં સુધી ખમી શકે એવો એનો અહંકાર જાગૃત થયો નથી, ત્યાં સુધી છેવટે મારીને પણ સીધા રાખવાં જોઈએ. નહીં તો અવળે રસ્તે જાય.