________________
છે કે ‘તમે શ્રદ્ધા રાખો.’
દાદાશ્રી : ત્યારે હું શ્રદ્ધા રાખવાની ના કહું છું. શ્રદ્ધા રાખશો જ નહીં મારી પર બિલકુલે ય. શ્રદ્ધા કોઈ જગ્યાએ રાખવી નહીં. શ્રદ્ધા તો ફક્ત બસમાં બેસતી વખતે રાખવી, ગાડીમાં બેસતી વખતે રાખવી. પણ આ માણસો ઉપર શ્રદ્ધા બહુ ના રાખવી. શ્રદ્ધા તો આપણને આવવી જોઈએ.
પ્રશ્નકર્તા : કેમ ?
દાદાશ્રી : પાછળ ગુંદર હોય તો ટિકિટ ચોંટે ને ?! ગુંદર વગર ચોંટે ? હું પચ્ચીસ વર્ષનો હતો ત્યારે એક બાપજી પાસે ગયો હતો. એ મને કહે છે, એ તો ભઈ, શ્રદ્ધા રાખો તો તમને આ બધું સમજણ પડશે. તમે મારી પર શ્રદ્ધા રાખજો.’ ‘કેટલો વખત ?” ત્યારે કહે છે, ‘છ મહિના.’ મેં કહ્યું, ‘સાહેબ, હમણે જ આવતી નથી ને ! એવો કોઈક ગુંદર ચોપડો કે જેથી કરીને ટિકિટ મારી ચોંટે, આ તો હું ચોંટાડું છું, શ્રદ્ધા ચોંટાડું છું ને ઉખડી જાય છે, શ્રદ્ધા ચોંટાડું છું ને ઉખડી જાય છે. તમે એવું કંઈક બોલો તો મને શ્રદ્ધા આવે.’ તમને કેમ લાગે છે ? શ્રદ્ધા આવવી જોઈએ કે રાખવી જોઈએ ?
પ્રશ્નકર્તા : આવવી જોઈએ.
દાદાશ્રી : હા, આવવી જોઈએ. ‘કંઈક બોલો તમે’ એમ મેં કહ્યું. ત્યારે એ કહે છે, ‘આવું તે હોતું હશે ?! શ્રદ્ધા રાખવી પડે. આ બધાં ય લોકો શ્રદ્ધા રાખે છે ને !’ મેં કહ્યું, ‘મને એવું નથી ફાવતું.’ એમ ને એમ થૂંક લઈને ચોંટાડેલી શ્રદ્ધા કેટલા દહાડા રહે ?! એ તો ગુંદર જોઈએ, ઝપાટાબંધ ચોંટી જાય. જેથી કરીને ફરી ઉખડે જ નહીં ને ! કાગળીયું ફાટે, પણ એ ના ઉખડે. એવું જો કહે કે ‘તમારો ગુંદર ઓછો છે.’ તો આપણે કહેવું કે, ‘ના. ગુંદર તમારે ચોપડવાનો, ટિકિટ મારી. આ તો તમે ગુંદર ચોપડતા નથી. અને એન્વેલપને ટિકિટ લગાડું છું ને, તે પેલો સીક્કો મારતા પહેલાં તો ટિકિટ નીચે પડી જાય છે અને પછી ત્યાં દંડ ભરવો પડે છે. તમે ટિકિટની
પાછળ કશું લગાડો. ગુંદર થઈ રહ્યો હોય તો લહી લગાડો, તો ચોંટે !!'
એટલે શ્રદ્ધા તો એનું નામ કે ચોંટાડી ચોંટે, પછી ઉખડે જ નહીં. ઉપર સીક્કો માર માર કરે તો સીક્કો થાકે, પણ એ ના ઉખડે.
ત્યાં શ્રદ્ધા આવી જ જાય !
પ્રશ્નકર્તા : શ્રદ્ધા આવવી એ કોના આધારે આવે ?
દાદાશ્રી : એના ચારિત્રના આધારે આવે. ચારિત્રબળ હોય ! જ્યાં વાણી, વર્તન અને વિનય મનોહર હોય ત્યાં શ્રદ્ધા બેસાડવાની જ ના હોય, શ્રદ્ધા બેસી જ જવી જોઈએ. હું તો લોકોને કહું છું ને, અહીં શ્રદ્ધા રાખશો જ નહીં, તો ય પણ શ્રદ્ધા ચોંટી જ જાય. અને બીજી જગ્યાએ ચોંટાડેલી શ્રદ્ધા ‘આમ’ કરીએ ને, તો ઉખડી જાય તરત. એટલે જ્યાં વાણી, વર્તન અને વિનય મનોહર હોય, મનનું હરણ થાય એવાં હોય ત્યારે સાચી શ્રદ્ધા બેસે !
પ્રશ્નકર્તા : શ્રદ્ધા આવવા માટે મુખ્ય વસ્તુ વાણી છે ?
દાદાશ્રી : એ બોલે ને, તો તરત આપણને શ્રદ્ધા આવી જાય કે ઓહોહો, આ કેવી વાત કરે છે !’ બોલ ઉપર શ્રદ્ધા બેસી જાય ને, તો તો કામ જ નીકળી ગયું. પછી એક ફેરો શ્રદ્ધા બેસે ને એક ફેરો ના બેસે એવું ના ચાલે. આપણે જ્યારે જઈએ ત્યારે એ બોલે તો આપણને શ્રદ્ધા આવી જાય. એની વાણી આમ ફર્સ્ટ ક્લાસ હોય. ભલે શામળા હોય અને શીળીનાં ચાઠાં હોય, પણ વાણી ફર્સ્ટ કલાસ બોલતા હોય તો આપણે જાણીએ કે અહીં શ્રદ્ધા ચોંટશે.
પ્રશ્નકર્તા : પછી, બીજું શું શું હોવું જોઈએ, શ્રદ્ધા આવવા માટે ?
દાદાશ્રી : પ્રભાવશીલ એવા હોય કે જોતાં જ દિલ ઠરી જાય. એટલે દેહકર્મી હોવાં જોઈએ. આપણે કહીએ કે ભલે બોલો નહીં, પણ એવું લાવણ્ય દેખાડો કે મને શ્રદ્ધા આવી જાય. પણ આ તો લાવણ્ય યે દેખાતું નથી, પછી શ્રદ્ધા ક્યાંથી આવે ?! એટલે તમે એવા દેહકર્મી હો તો હું તમારા તરફે આકર્ષાઈ જઉં. મને ઉમળકો જ આવતો નથી ને, તમારી પર. જો તમારું મોંઢું રૂપાળું હોત તો ય ઉમળકો આવત. પણ મોંઢાં ય રૂપાળાં નથી, શબ્દ પણ રૂપાળા નથી. એટલે નથી પ્રભાવશીલ કે નથી