________________
બોલતાં આવડતું. એવું ચાલે નહીં અહીં આગળ તો, અગર તો જ્ઞાન રૂપાળું હોય તો ય શ્રદ્ધા આવે. મારું તો જ્ઞાન રૂપાળું છે એટલે શ્રદ્ધા ચોંટે જ. છૂટકો જ નહીં ! અને બહાર તો શબ્દ રૂપાળા હોય તો ય ચાલે.
હવે બોલતાં ના આવડતું હોય તો ય આપણે ત્યાં બેસીએ ત્યારે મહીં મગજમાં ઠંડક થઈ જાય તો જાણવું કે અહીં આગળ શ્રદ્ધા રાખવા જેવી છે. જ્યારે જઈએ ત્યારે, અકળામણમાંથી ત્યાં જઈએ ત્યારે ઠંડક થઈ જાય ત્યારે જાણવું કે અહીં શ્રદ્ધા રાખવા જેવી છે. વાતાવરણ શુદ્ધ હોય એટલે જાણવું કે આ ચોખ્ખા માણસ છે, તો ત્યાં શ્રદ્ધા આવે.
ખોજક તો આવો ના હોય ! શ્રદ્ધા તો એવી બેસી જવી જોઈએ કે હથોડા મારીને ખસેડે તો ય ના ખસે એવી. બાકી જે શ્રદ્ધા બેસાડે તે ઊઠે, ઊઠેલી હોય તેને શ્રદ્ધા બેસાડવી પડે ને બેઠેલી હોય તેને ઊઠાડવી પડે. એવું આ બધું ઊઠ-બેસ, ઊઠ-બેસ થયા જ કરવાની જગતમાં. એક જગ્યાએ છ મહિના શ્રદ્ધા રહી, તો પેણે બીજી જગ્યાએ બે વરસ શ્રદ્ધા રહી, તો કોઈ જગ્યાએ પાંચ વર્ષ શ્રદ્ધા રહી, પણ ઊઠી જાય પાછી.
માટે શ્રદ્ધા તો આ જગતમાં રાખશો નહીં, જયાં રાખશો ત્યાં ફસાશો. શ્રદ્ધા એની મેળે આવે તો જ ‘ત્યાં બેસજો. શ્રદ્ધા આવવી જોઈએ. રાખેલી’ શ્રદ્ધા કેટલા દહાડા ચોંટે ?!
એક શેઠ કહે છે, “મને તો બાપજી પર બહુ શ્રદ્ધા છે.” મેં કહ્યું, ‘તમને શા માટે શ્રદ્ધા છે ?! આવો શેઠ, આવો શેઠ કહીને બધાની હાજરીમાં બોલાવે છે એટલે તમને શ્રદ્ધા બેસી જ જાય ને !” જે ખોજક માણસ હોય, તે આવી શ્રદ્ધા બેસાડે ? હું તો ખોજક હતો. મેં તો બાપજીને કહી દીધેલું કે, “એવું કંઈક બોલો કે મને શ્રદ્ધા ચોંટી જાય. તમે સારું સારું બોલો છો કે આવો અંબાલાલભઈ, તમે મોટા કંટ્રાક્ટર છો, આમ છો, તેમ છો, એ મને ગમતું નથી. તમે મીઠું મીઠું બોલીને શ્રદ્ધા બેસાડો એ મિનિંગલેસ વાત છે. મને ગાળો ભાંડીને પણ એવું કંઈક બોલો કે મને શ્રદ્ધા બેસે.” બાકી, આ “આવો પધારો' એમ કહે એટલે લોકોને શ્રદ્ધા ધીમે
ધીમે બેસે, તેથી ‘અહીં આપણને સારું છે' એમ એ કહે.
પ્રશ્નકર્તા : પણ ભણેલા-ગણેલા વિદ્વાન માણસો વાતને તરત સમજી જાય ને ?
દાદાશ્રી : હા, પણ બધાં ભણેલા માણસો તરત સમજી જાય કે આ બધું જૂઠું છે. જૂઠું કયાં સુધી ચલાવે છે લોકો ?!
આ તો શ્રદ્ધા બેસે એટલા માટે તો ‘આવો ફલાણા શેઠ, આવો, આવો” કહેશે. પણ આ શેઠને બોલાવ બોલાવ કરે છે ને કેમ ફલાણાભાઈને બોલાવતા નથી ? મનમાં જાણે કે ‘આ શેઠ કો'ક દહાડો કામના છે.' કંઈક ચમા મંગાવવાના હશે, કંઈ જોઈતું હશે તો કામના છે. હવે એ શેઠ આમ તો કાળાબજાર કરતા હોય, તે બાપજી જાણે. પણ એ મનમાં સમજે કે ‘આપણે શું? કાળાબજાર કરે, તો એ ભોગવશે. પણ આપણે ચમા મંગાવવાના ને !” અને શેઠ શું સમજે? કે “કશો ય વાંધો નહીં. જુઓને, બાપજી માન આપે છે ને, હજુ ! આપણે કંઈ બગડી ગયા નથી.’ એ ક્યારે બગડી ગયા માને ? કે બાપજી કહેશે, “એય, તમે આવા ધંધા કરતા હો તો અહીં આવશો નહીં.’ ત્યારે મનમાં એમ થાય કે ધંધો બદલવો પડશે, આ તો બાપજી પસવા નથી દેતા. આવો. આવો’ કહીને બેસાડેલી શ્રદ્ધા ચોંટતી હશે ?' એવી શ્રદ્ધા કેટલા દહાડા રહે ? છ-બાર મહિના રહે, ને પછી ઉતરી જાય.
એવી શ્રદ્ધા વિના મોક્ષ નથી ! એટલે શ્રદ્ધા તો, હું ગાળો ભાંડું તો ય આવે એ સાચી શ્રદ્ધા. માનને લઈને થોડીવાર શ્રદ્ધા ચોંટી હોય, પણ તે ઉખડી જાય પછી. અપમાન કરે ત્યાં ય પણ શ્રદ્ધા બેસે, ત્યારે એ ચોંટેલી શ્રદ્ધા ઉખડે નહીં. આપને સમજમાં આવ્યું ને ? એક ફેરો શ્રદ્ધા બેઠા પછી આપણને ગાળો ભાંડે, માર મારે, તો ય આપણી શ્રદ્ધા ના તૂટે એનું નામ અવિચળ શ્રદ્ધા કહેવાય. એવું બને ખરું ?! અને એવી શ્રદ્ધા બેઠા વગર મોક્ષ નથી. આ તમને ગેરેન્ટીથી કહું છું.
બાકી, આપણને અનુકૂળ ના આવ્યું અને ઘેર જતા રહ્યા, એનું નામ શ્રદ્ધા જ ના કહેવાય. એટલે તમારી અનુકૂળતા ખોળો છો કે મોક્ષ ખોળો