________________
ખરેખર તો ફળે શ્રદ્ધા જ... પ્રશ્નકર્તા : ગુરુમાં આપણને શ્રદ્ધા હોય, પછી ગુરુમાં ગમે તે હોય, પણ આપણી શ્રદ્ધા હોય તો તે ફળે કે ના ફળે ?
દાદાશ્રી : આપણી શ્રદ્ધા ફળે, પણ ગુરુ પર અભાવ ના આવે તો આપણી શ્રદ્ધા ફળે. ગુરુ વખતે ગાંડું કાઢે તો ય અભાવ ના રહે તો આપણી શ્રદ્ધા ફળે.
પ્રશ્નકર્તા : એટલે આપણો જો ભાવ હોય તો ગુરુ કરતાં આપણે આગળ વધીએ ને ?
દાદાશ્રી : વધો, ચોક્કસ વધો ! પણ તમે તમારો ભાવ ના બગાડો તો. અને ગુરુની મહીં ભગવાન બેઠા છે જીવતા જાગતા. પેલા ભીમે લોટું મૂક્યું હતું તો ય ચાલ્યું હતું. તમારી શ્રદ્ધા જ કામ કરે છે ને ! માણસે ગુરુ કર્યો હોય અને એ ગુરુ જ્યારે કો'ક ફેરો જરાક વાંકું બોલે, એટલે માણસને પછી ભૂલ કાઢવાની ટેવ હોય ને, તો એ પડી જાય. જો તારામાં ગુરુને સાચવવાની શક્તિ હોય, તો ગુરુ ગમે તેવા ગાંડા કાઢે અગર તો ગુરુને સનેપાત થાય, તો ય સાચવે તો કામનું. પણ ઠેઠ સુધી નભાવતા જ નથી ને ! નભાવતા આવડતું જ નથી ને !!
પ્રશ્નકર્તા : અયોગ્ય પુરુષમાં પણ પૂર્ણ શ્રદ્ધાથી સ્થાપના કરી હોય, તો એ ફળ આપે કે નહીં ?
દાદાશ્રી : કેમ નહીં ?! પણ એ સ્થાપન કર્યા પછી આપણે ફરવું ના જોઈએ.
આ બધું શું છે ? તમને ખરી હકીકત કહું ? હું તમને ખુલ્લું કહી દઉં ? આ ગુરુ તો ફળ નથી આપતા, તમારી શ્રદ્ધા જ ફળ આપે છે. ગુરુ ગમે તે હશે, પણ આપણી દ્રષ્ટિ ફળ આપે છે. આ મૂર્તિ કે ફળ નથી આપતી, તમારી શ્રદ્ધા જ ફળ આપે છે ને જેવી જેવી તમારી સ્ટ્રોંગ શ્રદ્ધા, તેવું તરત ફળ !
એવું છે, આ જગતમાં શ્રદ્ધા આવે ને ઊડી જાય. એક જ્ઞાની પુરુષ
એકલા જ એવા છે કે જે શ્રદ્ધાની જ મૂર્તિ, બધાંને શ્રદ્ધા આવી જાય. એમને દેખતાં, વાત કરતાં શ્રદ્ધા આવી જાય. જ્ઞાની પુરુષો શ્રદ્ધાની મૂર્તિ કહેવાય. એ તો કલ્યાણ કરી નાખે ! નહીં તો ય તમારી શ્રદ્ધા જ ફળ આપે છે.
શ્રદ્ધા રાખવી કે આવવી જોઈએ ? પ્રશ્નકર્તા : મેં બધા ય ધર્મમાં મારી નજરે ચકાસણી કરી જોયું છે. પણ મને ક્યાંય શ્રદ્ધા ઉપજી નથી આજ સુધી એ હકીકત છે. એવું કેમ થતું હશે ? ત્યાં શું કરવું ?
દાદાશ્રી : પણ શ્રદ્ધા ઉપજે એવું સ્થાન જોઈએ ને ?! ત્યાં સુધી તો શ્રદ્ધા હિતકારી જગ્યા ઉપર કે અહિતકારી જગ્યા ઉપર બેસે છે એ જોઈ લેવાનું. આપણને હિતકારી પર શ્રદ્ધા બેસતી હોય, દ્રઢ થતી હોય તો વાંધો નહીં. બાકી, અહિતકારી પર શ્રદ્ધા ન બેસવી જોઈએ.
પ્રશ્નકર્તા : મને કોઈ પણ રીતે કોઈ પણ ધર્મ કે વ્યક્તિમાં શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. આનું કારણ શું ? કહેવાતા ઉચ્ચ કક્ષાના સંતોના સત્સંગમાં પણ શાંતિ નથી અનુભવાતી, તેમાં દોષ કોનો ?
દાદાશ્રી : જયાં સાચું સોનું માનીને આપણે ગયા ત્યારે ત્યાં રોલ્ડ ગોલ્ડ નીકળ્યું પછી શ્રદ્ધા જ ના બેસે ને ! પછી દૂધથી દાઝેલો માણસ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે !
પ્રશ્નકર્તા : શ્રદ્ધા તો ગુરુ પર રાખવી જોઈએ ને ?
દાદાશ્રી : ના. શ્રદ્ધા રાખવી પડે એવું નહીં, આવવી જોઈએ શ્રદ્ધા ! શ્રદ્ધા રાખવી પડે એ ગુનો છે. શ્રદ્ધા આપણને આવવી જોઈએ.
પ્રશ્નકર્તા : ગુરુ ઉપર શ્રદ્ધા રાખીએ, વધારે શ્રદ્ધા રાખીએ, તો એ શ્રદ્ધાથી આપણને વધારે પ્રાપ્ત થાય ને ?
દાદાશ્રી : પણ એવું છે ને, શ્રદ્ધા રાખેલી ના ચાલે. શ્રદ્ધા આપણને આવવી જોઈએ.
પ્રશ્નકર્તા : મોટા ભાગના લોકો પાસે જઈએ ત્યારે પહેલાં શું કહે