________________
ગુરુ-શિષ્ય હશે ?! સંસારની જેને લાલચ છે એ માણસ એ જેટલું જાણતો હોય એટલું જ્ઞાન પૂરેપૂરું ચોખ્ખું ચોખ્ખું આપી શકે નહીં. લાલચના બદલામાં રહેવા દે એની પાસે.
પ્રશ્નકર્તા : પણ એને શિષ્ય મળ્યો છે એ લાલચુ જ મળ્યો છે ને ? એને બધું લઈ લેવું છે ને ?
દાદાશ્રી : શિષ્ય તો લાલચુ જ છે. મારું કહેવાનું કે શિષ્ય તો લાલચ જ હોય. એને તો બિચારાને ઇચ્છા જ છે કે “મને આ જ્ઞાન મળી જાય તો સારું.’ એ લાલચ હોય જ. પણ આ ગુરુ ય લાલચુ ?! તે કેમ પોષાય ?! એટલે પોતે એડવાન્સ થાય જ નહીં, પોતે આગળ વધે નહીં અને શિષ્યોને ય મુશ્કેલીમાં નાખે. તે એવું થયું છે આ હિન્દુસ્તાનમાં અત્યારે.
તે આમ રાણે પાડી આપ્યું ! ગુરુ સારા હોય એટલે બીજી ભાંજગડ ના હોય. આ કાળમાં ચોખ્ખા ગુરુ મળવા, વેપારી ના હોય એવા ગુરુ મળવા બહુ પુણ્ય કહેવાય. નહીં તો ગુરુ શું કરે છે ?! શિષ્યની પાસેથી એની નબળાઈઓ જાણી લે છે અને પછી નબળાઈની લગામ પકડે છે, ને હેરાન હેરાન કરી નાખે લોકોને ! નબળાઈ તો એ બિચારો ગુરુ પાસે ખુલ્લી ના કરે તો ક્યાં ખુલ્લી કરે ?!
પ્રશ્નકર્તા ઃ અત્યારે અમુક ગુરુઓ છે, કહેવાતા ગુરુઓ જે છે, પણ એ આમ તો ખરેખર લોકોનું શોષણ જ કરતા હોય છે.
દાદાશ્રી : અને એકાદ-બે ગુરુઓ સાચા હોય, સીધા હોય, ત્યારે આવડત ના હોય. પ્રપંચી ગુરુઓ તો બહુ હોશિયાર હોય અને જાતજાતના આમ વેશ કરતા હોય.
પ્રશ્નકર્તા : કોઈ પણ માણસ મુક્ત થવા માટે ગુરુનો આશ્રય લે છે, પણ પછી એ ગુરુની પકડમાંથી મુક્ત થઈ શકતો નથી. એટલે ગુરુથી પણ મુક્ત થવાની જરૂર છે, એવું નથી લાગતું ?
દાદાશ્રી : હા, મને સુરતમાં એક શેઠ મળ્યા. તે મને કહે છે,
ગુરુ-શિષ્ય ‘સાહેબ, મને બચાવો !' મેં કહ્યું, ‘શું છે ? તને કંઈ નુકસાન થયું છે ?” ત્યારે એ કહે છે, “મારા ગુરુએ એવું કહ્યું કે તને હું ખેદાન-મેદાન કરી નાખીશ. તો એ મને એવું કરી નાખશે તો હું શું કરીશ ? મારું શું થશે હવે ?!” પછી મેં પૂછ્યું, તારો એની જોડે શું વ્યવહાર થયો છે એવો કે આટલો બધો ભારે શબ્દ કહ્યો તને ? કંઈ લાગતું-વળગતું છે એની જોડે ? કંઈ લાગતું-વળગતું હોય તો એવું બોલે ને ?” ત્યારે એ કહે છે, “મારાં ગુરુ કહે છે કે પચાસ હજાર રૂપિયા મોકલી આપ, નહીં તો હું તને ખેદાનમેદાન કરી નાખીશ.” “અલ્યા, પૈસાનો વેપાર કર્યો તે એની જોડે ? ધીરધારા કરી છે ?” ત્યારે એ કહે છે, “ના, ધીરધાર નહીં. પણ એ જ્યારે જ્યારે કહે કે પચ્ચીસ હજાર આપી જા, નહીં તો તારું બગડશે એ તું જાણે, એટલે હું ભડકનો માર્યો અને રૂપિયા આપી આવું. એટલે અત્યાર સુધીમાં સવા લાખ રૂપિયા ગયા છે. હવે બીજાં પચાસ હજાર રૂપિયા મારી પાસે છે નહીં, એટલે હું ક્યાંથી લાવીને આપું ?! તે હવે એમણે કહેવડાવ્યું છે કે તારું બધું ખેદાન-મેદાન કરી નાખીશ.'
ત્યારે મેં કહ્યું, ‘ભાઈ, ઠંડ, તને અમે રક્ષણ આપીશું. તારું ખેદાનમેદાન નહીં થાય. તારાં ગુરુ જે કરશે ને, તે અમે હાથ ધરીશું, તને ખેદાન મેદાન નહીં થવા દઈએ. પણ હવે ત્યાં આગળ કશું મોકલીશ નહીં, પ્રેમ આવે તો મોકલજે. તને પ્રેમ આવે, ઉછાળો આવે તો મોકલજે. પણ ભયના માર્યો ના મોકલીશ. નહીં તો એ તો વધારે ચગશે. તું ભડકીશ નહીં. તારા ગુરુનું અવળું ચિંતવન ના કરીશ. કારણ કે તારી ભૂલથી આ ગુરુ લઈ ગયા છે. કંઈ એમની ભૂલથી લઈ ગયા નથી આ.”
એની પોતાની ભૂલથી જ લઈ ગયા ને ?! એને લાલચ હશે કંઈક ત્યારે ને ?! કંઈક લાલચ હશે ત્યારે આ ગુરુ રાખ્યા હતા ને ?! અને તો જ પૈસા આપે ને?! એટલે લાલચથી આ ઠગ્યા છે. અને આ લોકો બધા હાથમાં આવેલું પછી છોડે નહીં. દુષમકાળનાં લોક, એમને પોતાની અધોગતિ થશે કે શું થશે એની કંઈ પડેલી નથી. શિકાર હાથમાં આવવો જોઈએ. પણ એ તો શું કહે છે ? ‘અમારા ભગત છે” એવું કહે છે ને ? ‘શિકાર’ નથી કહેતાં એટલું સારું છે અને પેલા શિકારી માણસ તો ‘શિકાર’ કહે.