________________
ચિંતા જડતાં જ નથી. હવે પાછા ક્યારે આવશે ?” ત્યારે મેં એને કહ્યું, ‘એ દાગીના કંઈ જોડે લઈ જવાના હતા ?” ત્યારે કહે, “ના, એ જોડે ના લઈ જવાય, પણ મારા દાગીના ચોરાઈ ગયા ને, તે હવે પાછાં ક્યારે આવશે ?” કહ્યું, ‘તમારા ગયા પછી આવશે !!!” દાગીના ગયા, એને માટે આટલી બધી હાય, હાય, હાય ! અરે, ગયું એની ચિંતા કરવાની જ ના હોય. વખતે આગળની ચિંતા, ભવિષ્યની ચિંતા કરે, એ તો આપણે જાણીએ કે બુદ્ધિશાળી માણસને ચિંતા તો થાય જ; પણ ગયું તેની ય ચિંતા ? આપણા દેશમાં આવી ચિંતા હોય છે, ઘડી પહેલાં થઈ ગયું, તેની ચિંતા શું ? જેનો ઉપાય નથી, તેની ચિંતા શું? કોઈ પણ બુદ્ધિશાળી સમજે કે હવે ઉપાય નથી રહ્યો, માટે એની ચિંતા કરવાની ના હોય.
પેલા કાકા રડતા હતા, પણ મેં એમને બે મિનિટમાં જ ફેરવી નાખ્યા. પછી તો ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલવા માંડ્યા ! તે આજે સવારમાં ય ત્યાં રણછોડજીના મંદિરમાં મળ્યા, ત્યારે ય બોલી ઊઠ્યા, ‘દાદા ભગવાન !” મેં કહ્યું, ‘હા, એ જ.' પછી કહે, આખી રાત હું તો આપનું જ નામ બોલ્યો !” આમને તો આમનું ફેરવી તો આમનું, આમને એવું કશું જ નથી.
પ્રશ્નકર્તા : આપે એને શું કહ્યું ?
દાદાશ્રી : મેં કહ્યું, ‘એ દાગીના પાછાં આવે એવું નથી, બીજી રીતે દાગીનો આવશે.”
પ્રશ્નકર્તા : આપ મળ્યા એટલે મોટો દાગીનો જ મળી ગયો ને !
દાદાશ્રી : હા, આ તો અજાયબી છે ! પણ હવે એને સમજાય શી રીતે આ ?! એને તો પેલા દાગીનાની આગળ આની કિંમત જ ના હોય ને ! અરે, એને ચા પીવી હોય તો તેને આપણે કહીએ કે ‘હું છું, ને તારે ચાનું શું છે ?” ત્યારે એ કહેશે, “મને ચા વગર ચેન નહીં પડે. તમે હો કે ના હો !” આમને કિંમત શેની ? જેની ઈચ્છા છે તેની !
ચિંતા કુદરતતા ગેસ્ટની સાહેબી તો જુઓ! આ વર્લ્ડમાં કોઈ પણ ચીજ જે કિંમતીમાં કિંમતી હોય, એ ફ્રી ઓફ કોસ્ટ જ હોય. એની પર સરકારનો વેરો-બેરો કશું જ ના રખાય. કઈ ચીજ કિંમતી છે ?
પ્રશ્નકર્તા : હવા, પાણી.
દાદાશ્રી : હવા જ. પાણી નહીં. હવા પર બીલકુલે ય સરકારનો વેરો નહીં, કશું નહીં, જયાં જુઓ ત્યાં, તમે જ્યાં જાવ એની હેર, એની પ્લેસ, તો તમને એ પ્રાપ્ત થાય. કુદરતે કેટલું બધું રક્ષણ કર્યું છે તમારું ! તમે કુદરતના ગેસ્ટ છો અને ગેસ્ટ થઈને તમે બૂમો પાડો છો, ચિંતા કરો છો ! એટલે કુદરતનાં મનમાં એમ થાય છે કે અરે, મારા ગેસ્ટ થયા તો કે આ માણસને ગેસ્ટ થતાં ય નથી આવડતું ?! તે પછી રસોડામાં જઈ કહેશે, ‘કઢીમાં જરા મીઠું વધારે નાખજો.” અલ્યા મૂઆ, રસોડામાં જાય છે ગેસ્ટ થઈને ! એ જેવું આપે એ ખઈ લેવાનું. ગેસ્ટ થઈને રસોડામાં જવાતું હશે આપણાથી ? એટલે આ કિંમતીમાં કિંમતી હવા એ ફ્રી ઓફ કોસ્ટ, એનાથી સેકન્ડ નંબર શું આવે ? પાણી આવે. પાણી થોડા ઘણાં પૈસાથી મળે અને ત્રીજું પછી અનાજ આવે, તે ય થોડા ઘણાં પૈસાથી.
પ્રશ્નકર્તા : પ્રકાશ.
દાદાશ્રી : લાઈટ તો હોય છે જ ને ! લાઈટ તો, સૂર્ય તમારી જાણે સેવામાં જ બેઠા હોય ને એવું સાડા છ વાગે આવીને ઊભા રહે છે.
ક્યાંય ભરોસો જ નહીં ?'
આ તો આપણા હિંદુસ્તાનના લોક તો એટલી બધી ચિંતાવાળા છે કે આ સૂર્યનારાયણ એક જ દહાડાની રજા લે, ‘ફરી કોઈ દહાડો રજા નહીં લઉં” એમ કહે, તે રજા લે તો બીજે દહાડે આ લોકો શંકા કરે કે કાલે સૂર્યનારાયણ આવશે કે નહીં આવે, સવાર પડશે કે નહીં પડે ?