________________
સમજથી પ્રાપ્ત બ્રાહ્મચર્ય
૨ ૧૫ બ્રહ્મચર્ય પાળી શકવા માટે આટલાં કારણો હોવાં જોઈએ. એક તો આપણું આ ‘જ્ઞાન’ હોવું જોઈએ. પાછી આટલી જરૂરિયાત જોઈએ તો ખરી, કે બ્રહ્મચારીઓનું ટોળું હોવું જોઈએ, બ્રહ્મચારીની જગ્યા શહેરથી જરા દૂર હોવી જોઈએ અને પાછળ પોષણ હોવું જોઈએ. એટલે આવાં બધા ‘કૉઝીઝ' હોવાં જોઈએ. બ્રહ્મચારીઓનાં ટોળામાં હોય ત્યાં સુધી એ પ્રખ્યાત હોય, પણ જો છૂટો પડી ગયો તો એ પ્રખ્યાત ન હોય. પછી એ બીજા તાલમાં આવે ને ?! ટોળું હોય ત્યારે બીજો તો વિચાર જ ના આવે ને ? આ જ આપણો સંસાર ને આ જ આપણો ધ્યેય ! બીજો વિકલ્પ જ નહીં ને ! અને સુખ જોઈએ છે, તે તો મહીં પાર વગરનું હોય, અપાર સુખ હોય !!
સંગ, કુસંગના પરિણામો ! પ્રશ્નકર્તા ઃ બ્રહ્મચર્ય માટે સંગબળની જરૂર પડે ને ? દાદાશ્રી : હા, જરૂર પડે.
પ્રશ્નકર્તા : તો એનો અર્થ એવો કે આપણો નિશ્ચય એટલો કાચો છે ?
દાદાશ્રી : ના, એ સંગબળની તો જરૂર ખરી. ગમે તેવો બ્રહ્મચારી હોય, પણ તેને કુસંગ માત્ર નુકસાનકારક છે. કારણ કે કુસંગનો પાસ જો અડે, તો એ નુકસાનકારક થયા વગર રહે જ નહીં.
પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે કુસંગ નિશ્ચયબળને કાપી નાખે?
દાદાશ્રી : હા, નિશ્ચયબળને કાપી નાખે ! અરે, માણસનું આખું પરિવર્તન જ કરી નાખે અને સત્સંગે ય માણસનું પરિવર્તન કરી નાખે. પણ એક ફેરો કુસંગમાં ગયેલો, સત્સંગમાં લાવવો હોય તો બહુ અઘરો પડી જાય અને સત્સંગવાળાને કુસંગી બનાવવો હોય તો વાર ના લાગે. કારણ કે કુસંગ એ લપસણું છે, નીચે જવાનું છે અને સત્સંગ એ ચઢવાનું છે. કુસંગીને સત્સંગી બનાવવો હોય તો ચઢવાનું, તે બહુ વાર લાગે અને સત્સંગીને કુસંગી બનાવવો હોય તો સપાટાબંધ, એક ઓળખાણવાળો કુસંગી મળે કે
૨૧૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય તરત જ બધું ‘રાગે' (!) પાડી આપે. એટલે એ તો વિશ્વાસ કોઈનો ય કરાય નહીં. આપણા જે વિશ્વાસુ હોય, એમના જ સંગમાં ફરવું જોઈએ.
- કુસંગ એ જ પોઈઝન છે. કુસંગથી તો બહુ છેટા રહેવું જોઈએ. કુસંગની અસર મન પર થાય, બુદ્ધિ પર થાય, ચિત્ત પર થાય, અહંકાર પર થાય, શરીર પર થાય. એક જ વર્ષના કુસંગની થયેલી અસર તો પચ્ચીસપચ્ચીસ વર્ષ સુધી રહ્યા કરે. એટલે એક જ વરસ દહાડાનું કેટલું બધું ખરાબ ફળ આવીને ઊભું રહે છે, એ પછી પસ્તાવો કર કર કરે તો ય છૂટે નહીં અને એક ફેરો લપસ્યા પછી વધારે ને વધારે ઊંડું ગરકાય અને ઠેઠ તળીયે ઉતારી દે. પછી પસ્તાવો કરે, પાછું ફરવું હોય તો ય ના ફરાય. એટલે સંગ સુધર્યો, તેનું બધું જ સુધર્યું અને સંગ બગડ્યો, તેનું બધું જ બગડ્યું. સૌથી મોટું જોખમ કુસંગ છે. સત્સંગમાં પડી રહેલાને વાંધો ના આવે.
લશ્કર ગોઠવી ચઢો જંગે વીરો ! પ્રશ્નકર્તા : બધી ગાંઠો છે, તેમાં વિષયની ગાંઠ જરા વધારે પજવે
દાદાશ્રી : એ અમુક ગાંઠ વધારે પજવે. તેને માટે આપણે લશ્કર તૈયાર રાખવું પડે. આ બધી ગાંઠો તો ધીમે ધીમે એક્ઝોસ્ટ થયા જ કરે છે, ઘસાયા જ કરે છે; તે એક દહાડો બધી વપરાઈ જ જવાની ને ?!
આ પાકિસ્તાનનું લશ્કર ગમે ત્યારે હુમલો કરે, તેના માટે આપણા હિન્દુસ્તાને તૈયારી રાખેલી છે કે નહીં ? એવી તૈયારી રાખવી પડે.
પ્રશ્નકર્તા ઃ એટલે જ બ્રહ્મચારીઓના સંગમાં રહેવાનું છે ને ?
દાદાશ્રી : ના, તૈયારીમાં એ એકલું ના ચાલે. હજુ તો ઠેઠ સુધી લશ્કર રાખવું પડશે.
પ્રશ્નકર્તા : સંપૂર્ણ સેફસાઈડ ક્યારે થાય ?
દાદાશ્રી : સંપૂર્ણ સેફસાઈડ ક્યારે થાય, તેનું તો ઠેકાણું જ નહીં ને ! પણ પાંત્રીસ વર્ષ પછી જરા એના દિવસ આથમવા માંડે, એટલે એ