________________
કાયદા બધા કુદરત તણા.. મુંબઈમાં ફોર્ટ એરિયામાં તમારું સોનાની ચેઈનવાળું ઘડીયાળ પડી જાય અને ફરી તમે ઘેર આવીને આશા ના રાખો કે ભઈ, હવે આપણા હાથમાં આવે. છતાં બે દહાડા પછી પેપરમાં આવે કે જેનું ઘડીયાળ હોય, તે અમારી પાસે પુરાવા આપીને લઈ જવું અને છપામણના પૈસા આપવા. એટલે જેનું છે, તેને કોઈ હલાવી શકતું નથી. જેનું નથી, તેને મળવાનું નથી. એક સેન્ટ પણ કોઈ રીતે આઘુંપાછું ન કરી શકે. આ એવું, એટલું બધું નિયમવાળું જગત છે. કોર્ટે ગમે તેવી હશે, કોર્ટે કળિયુગના આધારે હશે ! પણ આ કુદરત નિયમના આધીન છે. કોર્ટના કાયદા ભાંગ્યા હશે તો કોર્ટના તરફથી બહુ ગુનો લાગશે. પણ કુદરતના કાયદા ના તોડશો.
આ તો છે તીજતાં જ પ્રોજેક્શન ! બસ, આ બધું પ્રોજેક્શન બધું તમારું જ છે. શા માટે લોકોને દોષ દેવો ?
પ્રશ્નકર્તા : ક્રિયાની પ્રતિક્રિયા છે આ.
દાદાશ્રી : એને પ્રતિક્રિયા ના કહેવાય. પણ આ પ્રોજેક્શન બધું તમારું છે. પ્રતિક્રિયા કહો તો પાછાં એક્શન એન્ડ રિએક્શન આર ઈક્વલ એન્ડ ઓપોઝીટ હોય.
આ તો દાખલો આપીએ છીએ, સીમીલી આપીએ છીએ. તમારું જ પ્રોજેક્શન છે આ. બીજા કોઈનો હાથ નથી એટલે તમારે ચેતવું જોઈએ કે આ જવાબદારી મારી ઉપર છે. જવાબદારી સમજયા પછી ઘરમાં વર્તન કેવું હોય ?
પ્રશ્નકર્તા : એના જેવું વર્તન કરવું જોઈએ.
દાદાશ્રી : હા. જવાબદારી પોતાની સમજે. નહિ તો પેલો કહેશે કે ભગવાનની ભક્તિ કરશે એટલે બધું જતું રહેશે. પોલમ્પોલ !
ભગવાનના નામથી પોલ મારી લોકોએ. જવાબદારી પોતાની છે. હૉલ એન્ડ સોલ રિસ્પોન્સીબલ. પ્રોજેક્શન જ પોતાનું છે ને !
કોઈ દુઃખ આપે તો, જમે કરી લેવું. તે આપેલું હશે તે જ પાછું જમે કરવાનું છે. કારણ કે અહીં આગળ એમ ને એમ બીજાને દુઃખ આપી શકે, એવો કાયદો નથી. એની પાછળ કૉઝ હોવાં જોઈએ. માટે જમે કરી લેવું.
જગતમાંથી નાસી છૂટવું છે તેને.. પછી કોઈ ફેરો દાળમાં મીઠું વધારે પડ્યું હોય તે ય જાય !
પ્રશ્નકર્તા : શું બને તે જોવાનું, એવું આપે કહ્યું છે. તો પછી ન્યાય કરવાનો જ ક્યાં આવ્યો ?
દાદાશ્રી : ન્યાય, હું જરા જુદું કહેવા માંગું છું. જુઓને, એમનો હાથ જરા ઘાસતેલવાળો હશે, તે હાથે લોટો ઝાલેલો હશે. તેથી ઘાસતેલવાળું સોડે બધું. હવે હું તો પાણી સ્ટેજ પીવા ગયો, તો મને ઘાસતેલવાળું સોડ્યું. એટલે અમે ‘જોઈએ ને જાણીએ' કે શું બન્યું તે ! પછી ન્યાય શો હોવો જોઈએ કે આપણે ભાગે ક્યાંથી આવ્યું ? આપણને કોઈ દહાડો ય નથી આવ્યું ને તે આજ ક્યાંથી આવ્યું ?! માટે આ આપણો જ હિસાબ છે. એટલે આ હિસાબને પતાવી દો. પણ એ કોઈ જાણે નહીં એ રીતે પતાવી દેવાનો. પછી સવારમાં ઊઠ્યા પછી એ બેન આવે ને પાછું એ જ પાણી મંગાવીને આપે તો અમે તે પાછું પી જઈએ. પણ કોઈ જાણે નહીં. હવે અજ્ઞાની આ જગ્યાએ શું કરે ?
પ્રશ્નકર્તા : બૂમાબૂમ કરી મૂકે.
દાદાશ્રી : ઘરનાં બધાં ય માણસો જાણી જાય કે ઓહોહો ! આજે શેઠનાં પાણીમાં ઘાસતેલ પડ્યું !
પ્રશ્નકર્તા : આખું ઘર હાલી જાય !