________________
દાદાશ્રી : પાછાં વાળી લો કે ના વાળી લો ? એના બાપને રૂપિયા આપેલા હોય આપણે, પણ પછી એ લાગમાં આવે તો આપણે વાળી લઈએ ને ?! પણ પેલો તો સમજે કે અન્યાય કરે છે. એવો કુદરતનો ન્યાય શું ? પાછલો હિસાબ હોય એ બધો ભેગો કરી આપે. અત્યારે ધણીને સ્ત્રી હેરાન કરતી હોય, તે કુદરતી જાય છે. આ બૈરી બહુ ખરાબ છે અને બૈરી શું જાણે, ધણી ખરાબ છે. પણ કુદરતનો ન્યાય જ છે આ.
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : અને ફરિયાદો કરવા આવો તમે. હું ફરિયાદ નથી સાંભળતો, એનું કારણ શું ? પ્રશ્નકર્તા : હવે ખબર પડી કે આ જાય છે.
ગૂંથણી ઊકેલે, કુદરત ! દાદાશ્રી : આ અમારી શોધખોળ છે ને બધી ! ભોગવે એની ભૂલ. જો શોધખોળ કેવી સરસ છે ! કોઈની અથડામણમાં આવીશ નહીં. પછી વ્યવહારમાં ન્યાય ખોળીશ નહીં.
નિયમ કેવો છે કે જેવી ગૂંથણી કરેલી હોય, એ ગૂંથણી તેવી રીતે જ ઉકલે પાછી. અન્યાયપૂર્વક ગૂંથણી કરેલી હોય તો અન્યાયથી ઉકલે ને ન્યાયથી કરેલી હોય તો ન્યાયથી ઉકલે. એવી આ ગૂંથણીઓ ઉકલે છે બધી અને પછી લોક એમાં ન્યાય ખોળે છે. મૂઆ, ન્યાય શું ખોળે છે કોર્ટના જેવો ?! અલ્યા મૂઆ, અન્યાયપૂર્વક ગૂંથણી તે કરી અને હવે ન્યાયપૂર્વક તું ઉકેલવા જાઉં છું. શી રીતે બને એ ?! એ તો નવડાથી ગુણેલું નવડાથી ભાગે તો જ એની મૂળ જગ્યા ઉપર આવે. ગૂંથણીઓ કંઈ ગૂંચઈને પડ્યું છે બધું. તેથી આ મારા શબ્દ જેણે પકડ્યા હોય, એનું કામ કાઢી નાખે ને !
પ્રશ્નકર્તા : હા દાદા, આ બે-ત્રણ શબ્દો પકડી ગયો હોય અને ખપી માણસ હોય, તેનું કામ થઈ જાય.
દાદાશ્રી : કામ થઈ જાય. બહુ દોઢ ડાહ્યો ના થાય ને, તો કામ થઈ જાય.
પ્રશ્નકર્તા : વ્યવહારમાં ‘તું ન્યાય ખોળીશ નહીં’ અને ‘ભોગવે એની ભૂલ.' આ બે સૂત્ર પકડ્યા છે.
દાદાશ્રી : ન્યાય ખોળીશ નહીં. એ તો વાક્ય જો પકડી રાખ્યું ને તો એનું બધું ઓલરાઈટ થઈ જાય. આ ન્યાય ખોળે છે, તેથી જ બધો ગૂંચવાડો ઊભો થઈ જાય છે.
પુણ્યોદયે ખૂતી પણ છૂટે નિર્દોષ..... પ્રશ્નકર્તા : કોઈ કોઈનું ખૂન કરે, તો એ પણ ન્યાય જ કહેવાય ?
દાદાશ્રી : ન્યાયની બહાર ચાલતું નથી. ન્યાય જ કહેવાય, ભગવાનની ભાષામાં. સરકારની ભાષામાં ના કહેવાય. આ લોકભાષામાં ના કહેવાય. લોકભાષામાં તો ખૂન કરનારને પકડી લાવે કે આ જ ગુનેગાર છે અને ભગવાનની ભાષામાં શું કહે ? ત્યારે કહે, આ જેનું ખૂન થયું તે ગુનેગાર છે. ત્યારે કહે, આ ખૂન કરનારનો ગુનો નથી ? ત્યારે કહે, ના, ખૂન કરનાર જ્યારે પકડાશે, ત્યારે પાછો એ ગુનેગાર ગણાશે ! અત્યારે તો એ પકડાયો નથી અને આ પકડાઈ ગયો ! તમને સમજમાં ના આવ્યું ?
પ્રશ્નકર્તા : કોર્ટમાં કોઈ માણસ ખૂન કરીને નિર્દોષ છૂટી જાય છે, એ એનાં પૂર્વકર્મનો બદલો લે છે કે પછી એની પુર્વેથી એ આવી રીતે છૂટી જાય છે ? શું છે આ ?
દાદાશ્રી : એ જ પુણ્ય ને પૂર્વકર્મનો બદલો એક જ કહેવાય. એની પુર્વે તે છૂટી ગયો અને કોઈએ ના કર્યું હોય તો ય બંધાઈ જાય, જેલમાં જવું પડે. એ એના પાપનો ઉદય. એમાં છૂટકો જ નહિ.
બાકી, આ જે દુનિયા છે, આ કોર્ટોમાં કોઈ વખતે અન્યાય થાય, પણ આ દુનિયામાં અન્યાય કુદરતે કર્યો નથી. ન્યાયમાં જ હોય છે.