________________
(૫.૨) સ્પેસની અનોખી અસરો !
પ્રશ્નકર્તા : અમીન કુંટુંબને મહાત્માઓની જોડે જે સંબંધ થયો એ કયા કારણોથી ? અમારો આગળ-પાછળનો કંઈ હિસાબ હશે ? દાદાશ્રી : હિસાબ.
૧૦૯
પ્રશ્નકર્તા : કે એ સંયોગ કહેવાય ?
દાદાશ્રી : આ તો એના હિસાબવાળા જ ભેગા થયા કરે. પછી દહાડામાં દશ વખત આપણને કૂતરું ભેગું થયું તોય આપણે જાણવું કે હાળું, આની જોડે ઓળખાણ છે. અને રૂમમાં પેસતાં જ છે તે ગરોળી દેખાયા કરતી હોય, ચીઢ ચઢ્યા કરતી હોય તો આપણે જાણવું કે હિસાબ છે. વારેઘડીએ કેમ ભેગી થાય છે આ ? તે પેસતાં જ એ ગરોળી દેખાય સામી પાછી અને ચીઢ ચઢ્યા કરે, તે હિસાબ વગર કોઈ ચીઢ ચઢાવે નહીં આપણને અને હિસાબ વગર આપણને આકર્ષણ કરે નહીં કોઈ. આકર્ષણ કરે છે તેય હિસાબ છે. ચીઢ ચઢે છે તેય હિસાબ છે.
પ્રશ્નકર્તા : એ હિસાબમાં જ પૂળો મૂકી દોને, એટલે પતી જાય. દાદાશ્રી : હા, તે એ હિસાબમાં જ આ પૂળો મૂક્યો છે ત્યારે તો આટલું પતી ગયું.
પ્રશ્નકર્તા : પણ વધારે એસિડ છાંટોને.
દાદાશ્રી : હા, તે વધારે છાંટીશું.
પ્રશ્નકર્તા : એને ખમાવાય ખરા કે એને ખમાવાય નહીં, ક્ષેત્ર સ્પર્શનાને ? કોઈ પણ પુદ્ગલને ખમાવાય નહીં ને ? ફક્ત મિશ્ર ચેતનને જ ખમાવાય ?
દાદાશ્રી : ખરેખર તો આપણે ડાહ્યા થઈ જવાનું. જગ્યા તો ડાહી જ છે એમ રાખવું. આ મૂળમાં તો આપણા વાંકને લઈને જગ્યા બગડી હતી. જગ્યા ખરાબ હોય નહીં ને ! આપણે વાંકા એટલે જગ્યા ખરાબ લાગે.
પ્રશ્નકર્તા : એ સમજાણું નહીં, દાદા.
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદાશ્રી : ખરેખર આ જગ્યા સારી-ખોટી હોતી નથી. ફક્ત (અજ્ઞાની) ભોગવનાર ત્યાં જાય ને, તે ભાવ અવળા હોય તો એ ભઈને ત્યાં આગળ ફળ આપે. જગ્યા એવી હોય નહીં. જગ્યા હોય તો તો જ્ઞાની પુરુષ શ્યાં જાય ત્યાં એને અડે ? ત્યારે કહે, ના.
૧૧૦
નહીં તો બધું વીતરાગ જ છે, જગ્યા-બગ્યા બધું ! આ એકલો જ રાગ-દ્વેષવાળો છે. એટલે શ્યાં જાય ત્યાં એમ લાગે કે સામો આ કરે છે રાગ-દ્વેષ.
પ્રશ્નકર્તા : તો હવે એ ક્ષેત્રને અને કાળને કંઈક આમ સુધારવા માટે કંઈ સિસ્ટમ ખરી, કે એનો જ અભ્યાસ કરીને... આપણા એક્લા માટે નહીં, બધાને જ માટે સુધરે એવો...
દાદાશ્રી : આપણે તો હવે સુધારવાની જરૂર ના રહી. કારણ કે આપણે ડિસ્ચાર્જ રહ્યુંને ! જગતના લોકોને તો સુધારવા જ જોઈએ, એ ભાવ સુધરે એટલે ચારેવ સુધરે. બધુંય ભાવથી સુધરે. ભાવ એણે ફેરફાર કર્યો કે બધુંય સુધરી જાય.
મારવાનો ભાવ કર્યો કે, “અરે, એ તો શું હિસાબમાં, એને તો બરાબર ઠેકાણે પાડી દઈશ.' એવો ભાવ કર્યો કે ક્ષેત્ર ઝઘડાખોરવાળું ભેગું થાય, કાળેય ઝઘડાખોરવાળો એટલે સંધ્યાકાળ ભેગું થાય અને ભાવેય એવો આવે અને પેલો સામો એય એવો આવે, પછી હેય... સંધ્યાકાળે મારુંમારા-મારુંમારા થઈ જાય.
પ્રશ્નકર્તા : કેમ સંધ્યાકાળ કહ્યો ?
દાદાશ્રી : બધા કાળો કરતાં પણ સંધ્યાકાળ જરા વસમો કહેવાય. અજવાળાનો ને અંધારાનો બેનો સાંધો એનું નામ સંધ્યા.
દરેક માણસે એટલું તૈયાર થવાનું છે કે કોઈપણ જગ્યા એને બોજારૂપ ના લાગે. જગ્યા એનાથી કંટાળે, પોતે કંટાળો ના પામે. એટલે સુધી તૈયાર થવાનું છે. નહીં તો આ તો બધી અનંત જગ્યાઓ, ક્ષેત્રનો પાર નથી. અનંત ક્ષેત્રો છે.