________________
(૩) ગતિસહાયક તત્ત્વ - સ્થિતિસહાયક તત્ત્વ !
મૂંઝાયેલા. એ તો પછી અમે જ્ઞાની પુરુષ ખુલ્લું કહીએ. આ તો કેવું છે ? જીવ હંમેશાં પ્રકાશક છે અને જીવના પિસિસ થઈ શકતા નથી. જો એના કકડા કરે તો મરી જાય. મરી જાય તો આખો જીવ જતો રહે અને નહીં તો ગિલોડી આગળ ચાલે અને પાછળ જીવ રહ્યો, એવું બને નહીં. તો એનું શું કારણ હશે ?
૪૭
જીવ તો શેનું નામ કહેવાય ? જ્યાં લાગણી હોય, વેદના હોય. આ પૂંછડીમાં લાગણી ના હોય. કપાયેલી પૂંછડી ઉપર દેવતા મૂકીએને તોય એને લાગણી ના હોય. અને ગિલોડી પેલી નાસી ગઈ, તેને વળી પાછી ત્યાં લાગણી હોય. એટલે જીવ તો આમ પેલામાં જ ગયો. ચેતન કપાય નહીં, ચેતનના પિસ થાય નહીં. કૃષ્ણ ભગવાને શું કહ્યું ? ચેતનને કાપી શકાય નહીં. ચેતનના બે ટૂકડા થાય નહીં કોઈ દા'ડો. ચેતન સર્વાંગ હોય. ત્યાં અમેરિકામાં સાયન્ટિસ્ટોને મેં પૂછ્યું ત્યારે એ તો કહે છે, ‘ચેતન જ છે.’ ‘સૉલ’ કહે છે. મેં કહ્યું, ‘ન્હોય સૉલ. સૉલના પિસિસ ના હોય.' એટલું સમજણ પડે તો કામ જ નીકળી જાય ને !
આત્મા આંખે દેખાય એવી વસ્તુ નથી અને બીજી કોઈ વસ્તુથી ના દેખાય. એ છે તે ડુંગરની આરપાર જતો રહે. કેટલો જાડો હશે ? પ્રશ્નકર્તા : એકદમ સૂક્ષ્મ.
દાદાશ્રી : સૂક્ષ્માતિસૂક્ષ્મ. ડુંગરની આરપાર, ભીંતની આરપાર જતો રહે. એટલે ગિલોડીમાં આખો સંકોચ જ થઈ જાય. એટલે તરત જીવ આખો ગિલોડીમાં જ રહી ગયો અને આ જે કપાયું તે કૂદાકૂદ કેમ કરે છે ? કૂદાકૂદ કરે છે તો બંધ કેમ થાય છે ? શું કારણ છે ? વોટ આર ધી કોઝિઝ ?
કારણ કે એ આત્મા નથી. આત્માનો સ્વભાવ એવો છે કે જ્યાં આગળ ભાગ છૂટો થયો, કે સંકોચ થઈ જાય. એ ચેતનનો સ્વભાવ સંકોચાઈ જવું અને વિકાસ પણ થઈ જાય. હાથીમાં જાય ત્યારે મોટો વિકાસેય થાય. કીડીમાં જાય ત્યારે સંકોચાઈ જાય. આ ચેતનના સ્વભાવ છે બધા.
૪૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
એ છે ગતિસહાયક !
પ્રશ્નકર્તા : એ તો એક જાતનું ઇનર્શિયા જ હશેને ? જેમ રેલ્વેના ડબ્બાને એન્જીન એક ધક્કો મારે છે અને થોડો ટાઈમ ડબ્બા ચાલે છે, એમ આને ચેતનનો ધક્કો જ હશે, ચેતન નહીં હોય ?
દાદાશ્રી : ચેતનનો ધક્કોય નથી. એક ગતિસહાયક નામનું તત્ત્વ છે એ આ નીકળી જાય છે. એને ધર્માસ્તિકાય કહેવાય છે. અને પછી ખલાસ થઈ જાય એટલે અધર્માસ્તિકાયથી પડી રહેશે, સ્થિર થઈ જશે.
પ્રશ્નકર્તા : પણ દાદા, એ ચેતનની જે શક્તિ પહેલાં હતી તે એ ધક્કાને લીધે તે ચાલેને, નહીં તો તો કાયમ ચાલવું જોઈએને ?
દાદાશ્રી : ધક્કાથી નહીં. ધક્કા કરતાં વસ્તુ બીજી છે. આ તો એની મહીં જે ભરેલો માલ છે, દરેકના શરીરમાં, તે ગતિસહાયક નામનું તત્ત્વ ભરેલું છે, આકાશ નામનું તત્ત્વ ભરેલું છે. આ બધાંય તત્ત્વો છે ને, તે તરત નીકળી જાય છે.
પ્રશ્નકર્તા : એટલે પેલું તત્ત્વ જ્યાં સુધી હોય ત્યાં સુધી પેલું ગતિ કર્યા કરે ?
દાદાશ્રી : આકાશ રહે મહીં પણ આ જે ગતિસહાયક છે તે નીકળી જાય. એટલે પૂંછડી હલાહલ થાય પછી સ્થિતિસહાયક એકલું રહે. એટલે પૂંછડી સ્થિર થઈ જાય છે.
આપણે આ બોલ અહીંથી એક ફેરો નાખીએ, તે આપણે નાખેલો બોલ કોઈ બે-ચાર જણે જોયો. અને પછી બીજા લોકો બહારથી આવ્યા તેણે બોલ નાખેલો જોયો નથી. તે પછી બોલ ફરી કૂદે ત્યારે પેલા કહેશે, આ બોલને કોણ કૂદાડે છે ? તો તમે શું જવાબ આપશો, ફરી કૂદે બીજી વખત કૂદે તો ?
આ બોલ અહીંથી નાખીએ આપણે તો ત્રણ ફૂટ કૂદે પછી બીજે વખતે સાડા ત્રણ ફૂટ કૂદે ?