________________
(૧) અવિનાશી તત્ત્વોથી રચાયું વિશ્વ !
પ્રશ્નકર્તા : ભેગાં થયાં, એનો અર્થ એવો તો થયોને કે ક્યારેક એ જુદાં હતાં.
૧૯
દાદાશ્રી : બધાં છએ છ આમ ગોળ ફરતાં ફરતાં ફરતાં રિવોલ્વીંગ થયા ત્યારે ભેગાં થઈ જાય છે.
પ્રશ્નકર્તા : એટલે શરૂઆતથી જ છએ છ રિવોલ્વ થયા કરે છે ? દાદાશ્રી : હંઅ... બસ. આ ભેગાં થયાં. એટલે સિક્સ ઈટર્નલ્સનું રિવોલ્યુશન, એનું નામ જગત.
આ છે બ્રહ્માંડતા છ તત્ત્વો !
આ તો કોઈએ બનાવ્યું જ નથી જગતને. ચીજો બધી કાયમની
જ છે.
પ્રશ્નકર્તા : દાદા, એ કયા કયા ? એ છ તત્ત્વોનું કાર્ય શું છે, એ બધું સમજવું છે.
દાદાશ્રી : એ બધાં તત્ત્વો પોતપોતાનું કાર્ય કર્યા કરે છે. એમાં એક આત્મા, જે મૂળ ચેતન, જેને ચેતન કહેવામાં આવે છે અને બીજું જડ, જેને અણુ કહે છે ને, અણુ-પરમાણુ તે. ત્રીજું છે તે, આ બેઉનામાં શક્તિ નથી, જવા-આવવાની તે શક્તિ એને લઈ જાય છે. એનું નામ ધર્માસ્તિકાય. હવે ધર્માસ્તિકાય એકલું હોય તો અહીંથી જવા નીકળે તો પછી ઊભો જ ના રહે. એટલે સ્થિર કરવા માટે સ્થિતિસહાયક છે. એ ચાર થયાં ને ? પાંચમું તત્ત્વ આકાશ કે જેની અંદર દરેક તત્ત્વો જગ્યા માંગે છે, જગ્યા જોઈએ ને ? જગ્યા વગર શી રીતે ચાલે ? એટલે જગ્યા આપનાર પાંચમું આકાશ તત્ત્વ અને છઠ્ઠું કાળ તત્ત્વ. અને કાળ તો અણુ સાથે છે, પોતાના કાળાણુ.
એટલે આ છ તત્ત્વો છે. કાળ, આકાશ, ગતિસહાયક, સ્થિતિસહાયક, જડ અને આ આત્મા. એમાં એક જ જડ વસ્તુ રૂપી છે.
પ્રશ્નકર્તા : રૂપી એટલે ?
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદાશ્રી : રૂપી એટલે બધું દેખાય, ઈન્દ્રિયથી અનુભવાય એટલે રૂપી. તે આ જડ એકલી જ રૂપી છે. આત્મા એ રૂપી નથી, આ આકાશે રૂપી નથી. એ ટાઈમેય (કાળ) રૂપી નથી. ગતિસહાયક છે તે રૂપી નથી. સ્થિતિસહાયક છે તે રૂપી નથી. પાંચ અરૂપી છે અને એક રૂપી છે. પાંચ અચેતન છે, એક આત્મા ચેતન છે. એવી રીતે છ તત્ત્વોથી આ બનેલું છે.
૨૦
આ વાત તો એવી છે ને બહુ ઊંડી વાતો, તે જ્ઞાની પુરુષ પાસે જાણવા જેવી છે. જાણ્યા પછી બીજું કશું જાણવાનું બાકી ના રહે. આખા જગતના પીસ્તાલીસ શાસ્ત્રો (આગમો) આની મહીં આવી ગયાં હોય.
તીર્થંકરો કહે છે કે ચેતન, પછી પરમાણુ, ત્રીજું કાળ તત્ત્વ, પછી આકાશ તત્ત્વ છે ચોથું અને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય. આ (કાળ સિવાય બીજા) પાંચ અસ્તિકાય કહેવાય છે. એવા છ તત્ત્વોની શોધખોળ તીર્થંકરોએ કરેલી છે, કેવળજ્ઞાને કરીને.
તત્ત્વ કોને કહેવાય ?
તત્ત્વ ક્યારે કહેવાય કે એના ગુણધર્મ સહિત હોય તો જ તત્ત્વ કહેવાય અને સત્ હોય.
પ્રશ્નકર્તા : સત્ કોને કહેવું ?
દાદાશ્રી : આ સંસારનું સત્ તો વિનાશી હોય, એને સત્ય કહેવાય. સંસારમાં જેને ટ્રુથ કહે છેને, તે સત્ય વિનાશી હોય અને ખરેખર સત્ છે તે અવિનાશી હોય. તે અવિનાશી ‘તમારું’ સ્વરૂપ છે. અને આ જગતનું સત્ય તે તો ભગવાનને ત્યાં અસત્ય છે. આ તો રિલેટિવ સત્ય છે, રિયલ સત્ય નથી. રિયલ સત્ય કોઈ દા'ડોય નાશવંત ના હોય. આ તો રિલેટિવ સત્યને તમે સત્ય કરવા જાવ તો વળે ખરું કશું ?
પછી બીજું શું પૂછવું છે, સત્નો ખુલાસો થયો તમને ? પ્રશ્નકર્તા : પૂરો થયો નથી હજી.