________________
(૧) અવિનાશી તત્ત્વોથી રચાયું વિશ્વ !
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
દાદાશ્રી : આ બધું વૈજ્ઞાનિક રૂપે ઊભું થયેલું છે. ખરી રીતે શું છે આ જગતમાં એ જાણવું જોઈએ. ખરી રીતે છ તત્ત્વો આ જગતમાં છે, એ અવિનાશી તત્ત્વો છે અને આ બધું આંખે રૂપી દેખાય છે, એ એની અવસ્થાઓ દેખાય છે. તત્ત્વ અવિનાશી હોય અને તત્ત્વની અવસ્થાઓ માત્ર વિનાશી હોય. એટલે આ બધું સમજાય નહીં, તે પછી લોકોએ ઠોક્યું કે આનો ક્રિયેટર ભગવાન છે. ક્રિયેટર એ વાત નાના બાળકો માટે છે, નહીં કે સમજદાર માણસો માટે. વાસ્તવિકતામાં ક્રિયેટર નથી.
પ્રશ્નકર્તા : તો કુદરતે સૃષ્ટિ રચી હોય એવું છે ?
દાદાશ્રી : કુદરતે રચી નથી, કુદરતી રીતે થઈ છે. આ જગત કેવી રીતે ઊભું થયું છે, એ બધું અમને અમારા જ્ઞાનમાં દેખાય.
એટલે ભગવાને બનાવી નથી આ દુનિયા. આ દુનિયા ભગવાને બનાવી હોય તો ભગવાનનો ધંધો શું હોય ? બનાવ્યું હોય પછી શું કરે ? બેસી રહે ?
પ્રશ્નકર્તા : ભગવાને નથી બનાવી અને ભગવાન વગર બની પણ ના શકે.
દાદાશ્રી : એ તો નૈમિત્તિક વાત છે. પોતાના હક્કથી નથી થયેલી. નિમિત્ત ભાવથી આ બધું કર્તા છે. સ્વતંત્ર ભાવથી કોઈ કર્તા નથી. આ દુનિયા કોઈએ બનાવી નથી અને બનાવ્યા સિવાય બની નથી, એનો અર્થ એટલો છે કે નિમિત્ત ભાવથી છે. અને નિમિત્ત કર્તા નહીં હોવાથી આનો કોઈ કર્તા નથી.
પ્રશ્નકર્તા : કર્તા ને અકર્તા બન્ને નથી અને બને છે જ ?
દાદાશ્રી : હા, સાપેક્ષ ભાવ છે. એટલે અમુક અપેક્ષાએ, અજ્ઞાન અપેક્ષાએ કર્તા પણ છે અને જ્ઞાન અપેક્ષાએ કર્તા નથી એ.
આ છ ઈટર્નલ તત્ત્વોનું આ જગત ઊભું થયેલું છે અને ખરેખર તો ઊભું થયેલું નથી, છે જ કાયમનું, અનાદિ-અનંત છે જ. સાતમું
ઇટર્નલ છે નહીં આ જગતમાં. આ છ તત્ત્વોનું ભેગું થયેલું સ્વરૂપ આ જીવમાત્રમાં છે. જેટલા જીવ હોય, એમાં છ વસ્તુ હોય જ.
આ જગતમાં છ તત્ત્વો છે, તે વસ્તુ રૂપે રહ્યા છે. તે પોતાના વસ્તુત્વના સંપૂર્ણ સ્વભાવમાં રહે છે. આ છ વસ્તુના સંમેલનથી જગત આખું ઊભું થયું છે. આ જગતને બુદ્ધિવાળો ક્યાંથી સમજી શકે ?
ત પહોંચે ત્યાં બુદ્ધિ ! તત્ત્વ ઈન્દ્રિયગમ્ય ના હોય, તત્ત્વ જ્ઞાનગણ્ય હોય. એટલે આ બીજી બધી અવસ્થાઓ દેખાય છે ને અવસ્થાઓ વિનાશી હોય. એટલે ‘આપણે’ વિનાશી જ જોતા આવ્યા છીએ ને વિનાશી જ અનુભવમાં લાવેલા છીએ. એટલે આપણી જાતને આ બધું વિનાશી જ લાગે છે.
પ્રશ્નકર્તા : એની પાછળ કંઈ સમજણ તો મળવી જોઈએ કે આ કેવી રીતે થયું ? શાશ્વત એટલે શું ?
દાદાશ્રી : સનાતન.
પ્રશ્નકર્તા : દાદાજી, આપે દાખલો આપ્યો’તો કે આ સર્કલમાં બિગિનીંગ શું અને એનું શું ? ઉપમા આપવાથી પ્રશ્નનો નિવેડો આવતો નથી.
દાદાશ્રી : ના આવે એ વાત ખરી છે. પણ વસ્તુસ્થિતિમાં આ જગત છે તે તત્ત્વોથી છે. મનુષ્યો જોઈ શકે છે એ અવસ્થાને જ જોઈ શકે છે, તત્ત્વ જોઈ શકતાં નથી. એટલે અવસ્થામાં રહીને તત્ત્વની વાત કરે છે, એ પહોંચી શકે નહીં વાત. એ તો તત્ત્વમાં પેસીને તત્ત્વની વાત કરે તો પહોંચી શકે. એટલે ‘પોતે' ઈટર્નલ થઈને ઈટર્નલની વાત કરે, તો પહોંચી શકે.
પ્રશ્નકર્તા : તમે હજુ પેલાં છ તત્ત્વો કહ્યાં નહીં.
દાદાશ્રી : હા, હું કહું છું. ચેતન (આત્મા), જડ (પુદ્ગલ પરમાણુ રૂપે), ગતિસહાયક, સ્થિતિસહાયક, કાળ, આકાશ. બસ, આ