________________
‘હું ચંદુ છું’ એટલે પુદ્ગલને ‘હું છું’ માન્યું. ‘મેં કહ્યું માન્યું કે કર્તા થયો. એટલે પુદ્ગલ ચોંટયું એને, એ જ કર્મ. ‘હું આત્મા છું, પુદ્ગલ નથી” એમ થયું એટલે કર્મ ના બંધાય.
પુદ્ગલ એકલું કર્મ નથી કરતું પણ જોડે (પ્રતિષ્ઠિત) આત્માની રોંગ બિલિફ છે એટલે કર્મ બંધાય છે. રોંગ બિલિફ એ પણ પુદ્ગલ છે. આમાં અહંકાર ખાલી માને છે કે ‘હું કરું છું'. આમાં મૂળ આત્મા કંઈ જ કરતો નથી. આત્માની હાજરીમાં અહંકાર માને છે કે ‘હું કરું છું, હું ભોગવું છું.’
ક્રોધ-માન-માયા-લોભ, અહંકાર બધું પુદ્ગલ કહેવાય. પ્રકૃતિ ને પુદ્ગલ એક જ ગણાય. મિશ્રચેતન પણ પુદ્ગલમાં ગણાય. અજ્ઞાનતા છે ત્યાં સુધી ક્રોધ-માન-માયા-લોભનાં પરિણામ છે. ક્રોધ-માન-માયા-લોભ લઘુ-ગુરુ સ્વભાવના છે અને આત્મા અગુરુ-લઘુ સ્વભાવનો છે.
ચોખ્ખું પુદ્ગલ સ્વભાવિક અને રિલેટીવ પુદ્ગલ એ જ વિભાવિક પુદ્ગલ. એ સંજોગોના દબાણથી ઊભું થયું.
વિભાવિક પુદ્ગલ ઈફેક્ટિવ છે, સ્વભાવિક પુદ્ગલ ઈફેક્ટિવ નથી.
રાગ-દ્વેષ પુદ્ગલની ઈફેક્ટમાંથી થાય ને પાછા રાગ-દ્વેષમાંથી પુદ્ગલની ઈફેક્ટ ઉત્પન્ન થાય. આમ ચાલ્યા જ કરે.
પુદ્ગલમાં રાગ-દ્વેષ થાય એ બંધન છે ને રાગ-દ્વેષ ના થાય એનું નામ મુક્તિ.
પાંચ ઈન્દ્રિયોમાંથી ચાર એક પક્ષે વીતરાગ છે, ક્યારે સ્પર્શેન્દ્રિય બન્ને બાજુ રાગી છે. સ્પર્શમાં વિષય વાસના છે.
પ્યોર પુદ્ગલનો વાંધો નથી, પણ વિભાવિક પુદ્ગલનાં પરિણામ જુએ તો રાગ ના થાય. ખાધાનું પરિણામ જુએ તો ?
પૌગલિક કાદવ એવો છે કે નીકળવા જાય તો વધારે ખૂંપે.
સ્ત્રી થાય, પુરુષ થાય એ એક જ માલ. શુદ્ધાત્મા ને પ્રકૃતિ બેઉ સ્વભાવથી, ગુણધર્મથી જુદા જ છે તેથી
ઓળખાય. સોનું, તાંબું, બધી ધાતુઓ, બધા વાયુઓ જેમ કે હાઈડ્રૉજન, ઑક્સિજન વિ. બધાં એક પુદ્ગલ તત્વ જ કહેવાય.
આ બધા એટમ બૉમ્બ છે તે બધા જ જડ તત્ત્વના છે. વાદળાં, વરસાદ, પવન બધું પુદ્ગલ છે અને એનું સંચાલન ‘વ્યવસ્થિત’ કરે છે.
જેમ ધાતુ અને અધાતુના પારિણામિક ભાવ તદન જુદા જ છે, તેમ આત્મા અને અનાત્માના પરિણામિક ભાવ તદન જુદા જ છે. અનાત્માનો પારિણામિક ભાવ ભારે થવાનો છે ને આત્માનો પારિણામિક ભાવ હલકો થવાનો છે. દેહ છૂટે છે ત્યારે આત્માની સાથે કૉઝલ બોડી જાય છે, તેના પરમાણુઓને કારણે જીવમાં વજન હોય છે. આત્મામાં વજન નથી.
પુદ્ગલ અધોગામી છે ને આત્મા ઊર્ધ્વગામી છે. પુણ્યનું વજન ઓછું ને પાપનું વજન વધારે છે. જેમ પાપ વધે તેમ જીવ નીચે ઉતરતો જાય. પુષ્ય-પાપ શૂન્ય થતાં મોક્ષ થાય.
પુદ્ગલની સત્તા ‘વ્યવસ્થિત'ના તાબામાં છે. પુદ્ગલની પોતાની સ્વભાવિક સત્તા નથી એટલે જો ‘હું કરું છું’ એ કર્તાભાવ ગયો તો કર્મ જેવું કશું ના રહ્યું ! અને એ સ્વરૂપના ભાનમાં આવે ત્યારે જ જાય.
તો પુદ્ગલ કોને આધીન છે ?
સ્વભાવ દશામાં (શુદ્ધ પરમાણુઓ) એ સ્વાધીન છે ને વિભાવ દશામાં (વિભાવિક પરમાણુઓ) સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સને આધીન છે. એટલે પુદ્ગલ પોતે સત્તાવાદી નથી, આત્મા સત્તાવાદી છે.
આત્મા સ્વપરિણામી છે ને દેહ એ પુદ્ગલ પરિણામ છે.
દેહમાં ક્રોધ-માન-માયા-લોભ થાય, હર્ષ-શોક થાય, તેમાં આત્મા તન્મયાકાર ના થાય ને પુદ્ગલના પ્રત્યેક સંયોગોને પરપરિણામ જાણે એને સમ્યક્ ચારિત્ર કહેવાય.
કર્મો તો પરિણામ છે અને નિરંતર નદીના વહેણની જેમ વહ્યા જ કરે છે. પરિણામ છે માટે આત્માને કંઈ જ લેવાદેવા નથી એમાં. ચેતન કોઝિઝ અને ઈફેક્ટસમાં ના હોય. એ બધું પુદ્ગલનું છે.
65