________________
આ બધા પૌદ્ગલિક ગુણો છે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું પુદ્ગલનું છે.
ક્રોધ-માન-માયા-લોભ એ પુદ્ગલના ગુણો નથી. આત્માની હાજરી હોય તો જ એ થાય, નહીં તો નહીં. એ પ્રકૃતિના ગુણ કહેવાય. પણ છે પાછા વિનાશી. આત્માના ગુણો કાયમના હોય.
સત્યવાન, ક્ષમાવાન, દાનેશ્વરી, દયાળુ, પરદુઃખભંજન, આ બધા પ્રાકૃત ગુણો છે, વિનાશી છે. એક ‘સનેપાત’ થાય તો ભલભલો ગાંડા કાઢે.
આ નાળિયેરમાં પાણી કોણ ભરે છે ? એ સ્વભાવથી જ છે. ભગવાન કે બીજો કોઈ એનો કર્તા નથી. જેટલા પ્રકારની વસ્તુઓ હોય એટલા પ્રકારના સ્વભાવ હોય.
અનંત પર્યાય એ શું છે ? સ્વભાવનું પરિણામ, સ્વભાવ જે ઊંચોનીચો ગયો, જાડો-પાતળો પડે, ફેરફાર થાય, એ બધા પર્યાય કહેવાય. આત્માની હાજરી વગર સ્વભાવ ઉત્પન્ન થાય નહીં.
આ ખારું-ખાટું વિ. એ મૂળ પુદ્ગલ પરમાણુના જ ગુણ છે. એ આત્માની હાજરી વગર થઈ શકે છે. શ્યારે પુગલ આત્માની હાજરીથી થાય છે. વિકારી પરમાણુને પુદ્ગલ કહેવામાં આવે છે.
શું જગતમાં બધા જ પરમાણુઓ વિકારી હોય ? શુદ્ધ સ્વરૂપના પરમાણુઓ હોય ખરા ? હા, ઘણા બધા શુદ્ધ જ છે. બધા જ વિકારી નથી હોતા.
મૂળ શુદ્ધ પરમાણુમાં મૂળ ગુણો બધા જ હોય. રૂપ-રસ-ગંધ-સ્પર્શ બધું જ હોય. આ નિર્વિકારી ગુણો આત્માની હાજરી વગેરે હોય. વિકારી થવામાં આત્માની હાજરી માત્ર નિમિત્ત રૂપે જ હોય છે, કર્તારૂપે હોતી જ નથી. આત્મા કંઈ જ કરતો નથી, માત્ર પ્રકાશક જ છે. આ તો અહંકાર વચ્ચેથી લઈ મંડે છે કે આ હું છું ને હું કરું છું. અને અહંકાર પરમાણુઓના પક્ષમાં પડે છે, પ્રકાશના નહીં. અહંકાર કેવી રીતે કામ કરે છે ? એ બીજું કશું કરતો નથી, માત્ર ભાવ જ કરે છે. ભાવસત્તા
એની પાસે છે, બીજી કોઈ સત્તા એની પાસે નથી. જ્ઞાની મળે તો એ જ અહંકાર ‘હું શુદ્ધાત્મા છું’ થઈ જાય, ઓગળી જાય. પછી વિકારી પરમાણુઓ એની મેળે વિશ્વસા થવા માંડે.
વિકલ્પોને નીંદી નાખ્યા પછી એ ફરી ના થાય.
કોઈ આપણને કાળો કહે પણ આપણે એ વિકલ્પ મટાડી દીધો હોય તો આપણને એની અસર ના થાય. આપણને અસર થાય અગર તો આપણે સામાને કાળો કહીએ ત્યાં સુધી વિકલ્પની વેલ્યુ છે. એને ડિવેલ્યુ કરી નાખીએ તો અસર ના થાય. એ આપણો પુરુષાર્થ છે, કાળોગોરો એ બધા જડના ગુણો છે.
આ બધી અંતે તો પુદ્ગલની બાજી છે.
આત્મામાં અનંત શક્તિ છે, પણ સાથે આવેલા પરમાણુઓના આવરણને કારણે અંધારું ઘોર છે.
[3] ક્રિયાવતી શક્તિ ! છ તત્ત્વોમાંથી પુદ્ગલ એકલામાં જ ક્રિયાવતી શક્તિ છે. અચાનક બરફ પડે ત્યાં બુદ્ધ જેવી કે કોઈ જાનવર જેવી મૂર્તિ થઈ જાય ને ? પૂરણ થવું ને એનું એ જ પાછું ગલન થવું એ એનો સ્વભાવ છે. માટે પુદ્ગલ સ્વયં ક્રિયાકારી છે.
સ્વભાવિક તેમજ વિભાવિક પુદ્ગલ ક્રિયાવાન છે.
આત્માનો ભાવ થતાંની સાથે જ પુદ્ગલમાં સ્પંદન ઉત્પન્ન થઈ બધું ક્રિયાવાન બની જાય છે. એટલે પુદ્ગલ બન્નેવ રીતે ક્રિયાવાન છે. બે પ્રકારના પુદ્ગલ પરમાણુઓ : આત્માના સંસર્ગ વિનાના પ્યોર સ્વભાવિક પુદ્ગલ પરમાણુઓ અને આત્માના સંસર્ગમાં આવ્યા પછીના વિભાવિક પુદ્ગલ પરમાણુઓ આત્માના સંસર્ગમાં આવ્યા તેમાં આત્માની કોઈ ક્રિયા નથી હોતી, માત્ર તેની હાજરી જ છે. એટલે પુદ્ગલ સ્વભાવવિભાવ બધી રીતે કર્તા છે.
છએ છ તત્ત્વોમાં પુદ્ગલ તત્ત્વ એકલું જ ઈન્દ્રિયગમ્ય છે, બીજા પાંચ નથી.