________________
(૩) ક્રિયાવતી શક્તિ !
એકલાને લીધે મુશ્કેલી ઊભી થઈ છે. પુદ્ગલનો સ્વભાવ છે કે જેવું આત્મા પોતે કલ્પે એવું ત્યાં પુદ્ગલ થઈ જાય છે. જેવો પોતાને વિકલ્પ થાય, એવું પુદ્ગલ એ ધારણ કરે. પોતે કલ્પે એવું ત્યાં ધારણ કરે. એટલે પછી પોતાને ભ્રાંતિ ઊભી થાય છે કે આ હું કે આ હું ? પછી આખું ભ્રાંતિમાં ચાલ્યું !
૨૦૫
તે આત્માને એમ થયું કે આ ક્રિયા મારી છે તેવી ભ્રાંતિ થઈ ગઈ, તે આંટી પડી ગઈ. તે આંટી ક્યારેય નીકળે નહીં. પોતે બ્રહ્મ છે પણ બ્રહ્મા થયો ને પછી બ્રહ્મા છે તે ભ્રમિત થઈ ગયો. આંટી
કાઢવા પછી બહુ મથતો હતો પણ આંટીઓ વધારે જ પડી જાય. ભ્રમિત થયા પછી બધા ગુણાકાર જ થાય, તેનો જવાબ પણ ભ્રમિતમાં જ આવે.
આ તો કેવડી મોટી અસર થયેલી છે આત્મા ઉપર, કે કેવું ભયંકર દબાણ આવ્યું છે, તે બધાં આવરણો આવ્યાં અને તે બધા સંયોગો પાછા કેવા છે ? જેવું ભગવાનનું જ્ઞાન થાય, તેવો ત્યાં આકાર થઈ જાય ! સંયોગી પરમાણુના ગુણ એટલા બધા સુંદર છે, કે જેવું એમનું જ્ઞાન થાય, તેવો અહીં આકાર થઈ જાય છે.
પ્રશ્નકર્તા : એટલે એ આત્માવાળાએ કરેલું ત્યારે ને ?
દાદાશ્રી : હા, આત્માની હાજરીથી તો આ પુદ્ગલ છે તે આવું થાય છે. જ્ઞાન આત્માનું અને કરામત બધી જ પુદ્ગલની. કરામતમાં જે જ્ઞાન વપરાય છે તે આત્માનું જ્ઞાન. ઘણાંબધાં કામ સાથે કરે તેવી શક્તિ છે. કરામત છે તે જ્ઞાન ન કરે અને જ્ઞાન છે તે કરામત ન કરે. પુદ્ગલ સક્રિયતામાં આત્માની ચેતન શક્તિ પડતી નથી પણ આત્માની વિકલ્પ શક્તિ પડે છે.
આત્મા બદલાતો નથી. ‘કલ્પ’નાં વિકલ્પ થયા. ‘બિલિફ' જ આ બધું શરીર તૈયાર કરે છે. એમાં ‘બિલિફ’ કામ કરતી નથી, એ ‘બિલિફ’થી પરમાણુ ખેંચાય છે અને પરમાણુ પોતે સ્વભાવિક રીતે ક્રિયાકારી થાય છે.
૨૦૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા ઃ આ પુદ્ગલ શેનાથી ખેંચાઈ આવે ?
દાદાશ્રી : એની મેળે જ ખેંચાઈને આવે.
પ્રશ્નકર્તા : અને પછી આત્માના કોન્ટેકમાં ચાર્જ થઈ જાય ?
દાદાશ્રી : નહીં, એ ખેંચાઈ આવીને એનો કાળ પાકે એટલે ચાર્જ થઈ જાય, એની મેળે. એની મેળે મૂર્ત થઈ જાય, મૂર્તિ થઈ જાય. આત્માને કશું કરવું ના પડે. વિભાવ થયો કે ખેંચાયું, વિભાવ થયો કે ખેંચાયું, ખેંચાયું એટલે પછી એની મેળે જ પોતે પોતાનું કાર્ય કર્યા કરે. પછી આખો દેહ બંધાય એમાંથી, બધું બંધાય, બધુંય એ પુદ્ગલનું પોતાનું જ કાર્ય, એમાં આત્માની કશી લેવાદેવા નહીં.
પુદ્ગલનો કોઈ કર્તા નથી. જેવી બિલીફ કરે એવું થઈ જાય તૈયાર. પછી બાડો જુએ તેય બિલીફ. બાડું નહીં જુએ ? અને એ બિલીફેય પાછી નિયમથી ! આ જગત નિયમના આધીન છે. એટલે નિયમની બહાર નથી.
પ્રશ્નકર્તા : એ સમજાયું નહીં.
દાદાશ્રી : બધા મનુષ્યો બે પગથી વધે નહીં.
પ્રશ્નકર્તા : એટલે બિલીફમાંથી ઊભું થતું પુદ્ગલ, નિયમને આધીન હોય છે ?
દાદાશ્રી : બધું નિયમને આધીન. એ રોંગ બિલીફ કેટલી થશે, એ બધું નિયમને આધીન !
પ્રશ્નકર્તા : રોંગ બિલીફ પણ ઇટસેલ્ફ નિયમને આધીન ?
દાદાશ્રી : નિયમ છે, નહીં તો જો એ નિયમ ના હોય તો એ રોંગ બિલીફ રાઈટ બિલીફ થાય જ નહીં, અનિયમ થઈ ગઈ હોત. પ્રશ્નકર્તા : એટલે જેમ રોંગ બિલીફો નિયમને આધીન છે, એવું પુદ્ગલ પણ નિયમને આધીન રહે છે ?