________________
સંપાદકીય બ્રહ્માંડના મૂળ છ અવિનાશી તત્ત્વો, એ તત્ત્વોની અંદરોઅંદરની કેવા પ્રકારની નૈમિત્તિક અસરો, તેમ જ સંસારનું રૂટ કૉઝ ઉત્પત્તિ, ધ્રુવ ને વિનાશનાં ગુહ્યતમ રહસ્યો, તેમ જ આ રૂપી જગતનું મૂળ કારણ પરમ પૂજય દાદાશ્રીના શ્રીમુખેથી ઝરેલી વીસ-વીસ વરસની ટેપ દ્વારા ઝીલેલી વાણીનું અત્રે ચૌદમી આપ્તવાણી (ભાગ-૧)માં સંકલન કરવામાં આવ્યું છે.
આમાં સંસારનું, રૂપી જગતનું રૂટ કૉઝ કોઈ ઈશ્વર કે બ્રહ્મા નથી, પણ મૂળ છ અવિનાશી તત્ત્વોમાંથી જડ તત્ત્વ અને ચેતન તત્ત્વના સામીપ્યભાવને કારણે ઉત્પન્ન થતા વિશેષભાવને લીધે છે. (જે વિભાવ સંબંધી સર્વ વૈજ્ઞાનિક સમજ ખંડ-૧માં સમાવિષ્ટ થઈ છે.) શુદ્ધ ચેતન તત્ત્વનો સ્વભાવ છે કે તે પોતાના સ્વભાવમાં રહી શકે છે ને વિશેષભાવ પણ તેનાથી થઈ શકે છે. સ્વભાવમાં રહીને વિશેષભાવ થાય છે. અને વિશેષભાવ પોતે જાણીજોઈને કરતો નથી, પણ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, સંજોગોના દબાણના આધારે થાય છે અને મૂળમાં અજ્ઞાનતા તો પાયામાં રહેલી છે જ.
એ વિશેષભાવમાં પ્રથમ ‘હું' (અહમ્) ઊભો થાય છે. એ ફર્સ્ટ લેવલનો વિશેષભાવ છે. એ ‘હું'માંથી (ફર્સ્ટ લેવલના વિશેષભાવમાંથી) બીજો સેકન્ડ લેવલનો વિશેષભાવ ઊભો થાય છે, રોંગ બિલીફથી અને તે છે અહંકાર. ‘હું ચંદુ છું’ એ માન્યતા એ જ અહંકાર (સેકન્ડ લેવલનો વિશેષભાવ). પછી એ અહંકાર બધું જ ટેઈક ઓવર કરી લે છે. વિશેષભાવમાંથી વિશેષભાવ ઉત્પન્ન થયા કરે છે. નવો જન્મે છે, જૂનો ખલાસ થાય છે. ચેતન તત્ત્વના વિશેષભાવથી જડ તત્ત્વના વિશેષભાવમાં પુદ્ગલ ઊભું થાય છે. ત્યાં સુધી કોઈ વાંધો નથી. પણ પછી અજ્ઞાન પ્રદાનથી ‘હું’ને ‘પુદ્ગલ હું છું’ એ માન્યતા, રોંગ બિલીફ ઊભી થાય છે. ‘હું કરું છું” એ રોંગ બિલીફ ઊભી થાય છે ને ક્રોધ-માન-માયા-લોભ વ્યતિરેક ગુણો ઊભા થઈ જાય છે. ‘હું ચંદુ છું” એ માન્યતા જ દુઃખદાયી થઈ પડે છે. એ માન્યતા છૂટી ગઈ તો કોઈ દુ:ખ રહેતું નથી પછી. આટલું જ વિશેષભાવમાં સમજાય તો તમામ ફોડ પડી જાય એમ છે એના.
પ્રસ્તુત ગ્રંથમાં આવતા શબ્દો જેવા કે વિભાવ, વિશેષભાવ, વિભાવિકભાવ, વિશેષ પરિણામ, વિપરિણામ, વિભાવિકપરિણામ, વિ. વિ. શબ્દો નિમિત્તાધીન સર્યા છે જેનો સાધકે સમાન અર્થ સમજવો.
પ્રસ્તુત ગ્રંથના ખંડ-૨માં આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય સંબંધી સિદ્ધાંતિક સૂક્ષ્મ ફોડ પાડ્યા છે. પરમ પૂજ્ય દાદાશ્રીએ જીવનમાં અનુભવીને વ્યાખ્યા તેમજ દેત આપ્યા છે, જેથી દ્રવ્ય-ગુણ-પર્યાય યથાર્થપણે સમજાય. અત્યંત ગહન ગહન એવો આ વિષય, તળપદી ભાષામાં ખૂબ જ સરળતાથી સમજાવીને જ્ઞાનદશાની પરાકાષ્ટાએ કેવું હોય, કેવળજ્ઞાનના લેવલે કેવું વર્તે, તે પોતાના અનુભવપૂર્વકની વાણીમાં પૂર્ણ ફોડ પાડી જાય છે. ત્યારે “અહો ! અહો !' થઈ જાય કે “જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં તે પદ શ્રી ભગવાન જો’ તેવી ગહન વાતો શબ્દોમાં જેટલી નીકળી શકે, તેવી વાણી દ્વારા કહી શક્યા છે અને તત્ત્વોના ભીતરના રહસ્યો સામાન્ય માનવી સુધી પહોંચાડી શક્યા છે.
પર્યાય અને અવસ્થાના તાત્વિક ભેદ અત્રે પ્રાપ્ત થાય છે તેમજ અવસ્થામાં ‘હું'પણું થવાથી સંસાર ઊભો થયો છે ને અસ્વસ્થ રહેવાય. અને તત્ત્વમાં ‘હું'પણું થવાથી સંસારથી છૂટી જવાય ને નિરંતર સ્વસ્થ રહેવાય. પોતે નિરંતર અવસ્થાઓથી મુક્ત રહી બીજાને પણ અવસ્થાઓથી મુક્ત રહેવાનું અદ્ભૂત વિજ્ઞાન આપ્યું. પોતે તત્ત્વ સ્વરૂપે રહ્યા અને બીજાને એ તત્ત્વ દૃષ્ટિ પમાડી શક્યા તે અક્રમ વિજ્ઞાનને ધન્ય છે અને અક્રમ વિજ્ઞાનીનેય ધન્ય છે.
પ્રસ્તુત ગ્રંથ વાંચતા પહેલાં સાધકે અચૂક ઉપોદ્યાત વાંચવો, તો જ જ્ઞાનીના અંતર આશયનો ફોડ પડશે ને લિંક અગોપિત થશે.
પૂજ્યશ્રીની વાણી આત્મજ્ઞાન પછી વીસ વરસ સુધી જુદી જુદી વ્યક્તિના નિમિત્તે ટુકડે ટુકડે નીકળેલી છે. આખો સિદ્ધાંત એક સાથે એક વ્યક્તિ જોડે આટલાં વર્ષોમાં તો ના નીકળી શકે ને ? તે ઘણાં બધાં સત્સંગોને ભેગા કરીને સંકલિત કરીને સિદ્ધાંત મૂકવામાં આવ્યો છે. સાધક દ્વારા એક ચેપ્ટર એક બેઠકમાં પૂરું થાય તો જ લિંક જળવાઈને સમજણમાં ગોઠવાશે. ટુકડે ટુકડે વાંચવાથી લિંક તૂટીને સમજણ ગોઠવવામાં મુશ્કેલી થવાની સંભાવના રહેશે.