________________
બધાં સાધનો મળી આવે જેવા કે શાસ્ત્રો, જ્ઞાની પુરુષ.
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય, એમ વિભાવ અનાદિના, જ્ઞાન થતાં દૂર થાય.”- શ્રીમદ્ રાજચંદ્ર.
[૫] અવય ગુણો - વ્યતિરેક ગુણો ! મૂળ આત્મા સાથે નિરંતર રહેનારા ગુણો પોતાની માલિકીના, તે અન્વય ગુણો જેમ કે જ્ઞાન, દર્શન, સુખ, શક્તિ, ઐશ્વર્ય. વિભાવ દશામાં ઉત્પન્ન થતાં ગુણો તે વ્યતિરેક ગુણો એટલે જ ક્રોધ-માન-માયા-લોભ.
મોક્ષ માટે સગુણોની કંઈ કિંમત નથી. કારણ કે એ વ્યતિરેક ગુણો છે, પૌદ્ગલિક ગુણો છે, વિનાશી ગુણો છે.
‘વ્યવસ્થિત’ શક્તિ તો વ્યતિરેક ગુણો ઉત્પન્ન થયા પછી ઉત્પન્ન થયેલી છે, પહેલાં નહીં.
નગીનદાસ શેઠ રાત્રે જરા જામ પે જામ લગા દે તો ? “હું વડાપ્રધાન છું' બોલવા માંડે ને ? એ દારૂનો અમલ બોલે છે, ભ્રાંતિ છે. આમાં આત્મા નથી બગડ્યો. આમાં શેઠનું જ્ઞાન બગડે છે. અને જડચેતનની ભ્રાંતિમાં દર્શન બગડે છે, જે ઊંધું જ દેખાડે છે.
માયા એટલે સ્વરૂપની અજ્ઞાનતા. ‘હું કોણ છું'ની અજ્ઞાનતા એ જ માયા.
અહંકાર અને મોહનીયમાં શું ફેર ?
શેઠે દારૂ પીધો એટલે દારૂનો અમલ એટલે મોહનીય કર્મ ઉત્પન્ન થયું અને મોહનીયને લઈને ‘હું વડાપ્રધાન છું' બોલે છે તે અહંકાર. અહીં લોકોને પુદ્ગલનો દારૂ છે તેથી જેમ છે તેમ ને બદલે ઊંધું બોલે છે.
આત્મા અને બીજા સંજોગોના દબાણથી ભ્રાંતિ ઉત્પન્ન થઈ. ભ્રાંતિમાં બિલીફ જ બદલાઈ, જ્ઞાન નહીં. એટલે અજ્ઞાન તો હતું નહીં, પણ સંજોગોના દબાણથી પાછળથી ઊભું થયું. અંધારામાંય દારૂ પીધા પછી શેઠને નવું જ થાય છે ને !
મુળ આત્માને ક્યારેય અજ્ઞાન નથી થયું. વિશેષ પરિણામથી જ રોંગ બિલીફ ઊભી થઈ છે, નહીં કે રોંગ બિલીફથી વિશેષ પરિણામ ઊભું થયું છે ને રોંગ બિલીફથી આખો સંસાર ખડો થઈ ગયો છે. છતાં
આમાં મૂળ આત્મા પોતે તો અજ્ઞાનથી, રોંગ બિલીફથી, બધાથી ત્રણેય કાળ મુક્ત જ છે.
બરફ ભરેલા ગ્લાસમાં થોડી જ વારમાં ગ્લાસની બહાર ભેજ જેવું થાય છે, પછી પાણીના ટીપાં બાજે છે, પછી રેલા ઉતરે છે. પછી પાણી નીચેય વહેવા માંડે છે. આમાં બરફ તેવો ને તેવો જ છે, એ કશું જ કરતો નથી. પણ સંજોગોના આધારે બધું બને છે. આમાં કોણ જવાબદાર ?
વિશેષભાવ - વિશેષજ્ઞાત - અજ્ઞાત ! સંસારનું જ્ઞાન એ જ્ઞાન જ છે, અજ્ઞાન નથી. પણ મોક્ષે જવું હોય તો આ અજ્ઞાન છે અને આત્માનું ખરું જ્ઞાન સમજવું પડશે. વિશેષજ્ઞાનને અજ્ઞાન કહે છે લોકો.
વિભાવ એટલે મૂળ જ્ઞાન-દર્શન સ્વભાવિક તો છે જ. પણ આ વિશેષભાવ, વિશેષજ્ઞાન ઊભું થયું છે. જે નથી જાણવાનું તે જાણવા ગયા તે વિશેષજ્ઞાન.
અજ્ઞાન એ પણ એક જ્ઞાન જ છે. ખરેખર અજ્ઞાન નથી કહેવાતું પણ જ્ઞાનીઓની ભાષામાં એને વિશેષજ્ઞાન કહેવાય. અજ્ઞાન એ પણ અજવાળું છે, પૂર્ણ નહીં પણ ક્ષયપક્ષમવાળું.
આત્માના એકે એક પ્રદેશો ઉપર જડ પરમાણુઓ ચોંટેલા છે, જે આત્માના મૂળ ગુણને આવરણ કરે છે. નિગોદમાં ૧૦૦ ટકા આ આવરણ છે. જેમ જેમ જીવની ઈવોલ્યુશન થાય છે એટલે કે આવરણ ખસતાં જાય છે તેમ તેમ તેનું જ્ઞાન વ્યક્ત થતું જાય છે, ૯૯, ૯૮, ૯૭... આમ ધીમે ધીમે આવરણ ઘટતાં જાય તેમ તેમ ૧ ટકા, ૨ ટકા, ૩ ટકા, ૪ ટકા જ્ઞાન બહાર સ્થળમાં પ્રગટ થાય છે. જેમ કે એકેન્દ્રિય જીવો, બે ઈન્દ્રિય જીવોમાં ડેવલપમેન્ટ થતું જાય તેમ તેમ...
પણ હજુ જ્યાં સુધી અજ્ઞાનનું આવરણ છે, ત્યાં સુધી એને અજ્ઞાન કહ્યું. આ અજ્ઞાન અને સંજોગોનું દબાણ, (જડ તત્ત્વનું દબાણ) બે ભેગું થવાથી આત્માનો જ્ઞાન-દર્શન ગુણ વિભાવિક થાય છે. બેમાં પ્રથમ દર્શન વિભાવિક થાય છે. તેમાં ‘હું ઊભું થાય છે. (ફર્સ્ટ લેવલનો વિભાવ, વિશેષભાવ) પછી હું'ની રોંગ બિલીફ આગળ વધતી જાય તેમ તેમ ‘હું ચંદુ છું, હું કરું છું’ મનાતું જાય છે.