________________
પ્રજ્ઞા
૩૫
પ્રશ્નકર્તા : સ્થિતપ્રજ્ઞ દશા એ આત્માની અનુભવ દશા નથી એ સમજાવો.
દાદાશ્રી : જ્યારે પૂર્ણ દશાએ પ્રજ્ઞા થાય છે ત્યારે આત્મ અનુભવ થાય છે. સ્થિતપ્રજ્ઞ, સ્થિત જ્યારે વિશેષણ છે ત્યાં સુધી અનુભવ ના હોય, પણ વિશેષણ ઊડી જાય ને પ્રજ્ઞા રહે ત્યારે અનુભવ.
જે બુદ્ધિ સ્થિર થઈ એને સ્થિતપ્રજ્ઞ કહેવાય. એને પરિણામ ડોલે નહીં. અને વિશેષણ ઊડી જાય ત્યારે પ્રજ્ઞા કહેવાય, ત્યારે છેલ્લી દશામાં એ અનુભવ હોય નવ્વાણું થાય ત્યાં સુધી સ્થિતપ્રજ્ઞ અને સો થાય એટલે
પ્રજ્ઞા.
મોહ મિયો તે સ્થિર અચળમાં !
પ્રશ્નકર્તા : અર્જુન કહે છે કે, નષ્ટો મોહ સ્મૃતિલબ્ધ સ્થિતોસ્મિ. દાદાશ્રી : હા. એ તો સ્થિર થયો ને પણ !
પ્રશ્નકર્તા : હા, એટલે એ મારે જાણવું છે, કેવી રીતે ?
દાદાશ્રી : જેને આટલા લક્ષણ થાય કે, જેને મોહ નષ્ટ થયો, એટલે સ્થિર થવાની એની નિશાની થઈ. બીજું એની મહીં હેલ્પ થયું કે, સ્મૃતિલબ્ધા થઈ એટલે બીજી હેલ્પ થઈ. આ બધા કારણોથી એ સ્થિર થઈ રહી છે અને થોડું થોડું ય સ્થિર રહે. ત્યારથી એને સ્થિતપ્રજ્ઞ દશા કહ્યું છે. આમ સ્થિર રહી શકે તો. જો કે એ કહે છે કે, મારો મોહ તૂટી ગયો. એ તો ઊંચી દશા કહેવાય.
પ્રશ્નકર્તા ઃ અહીંયા સામાન્ય રીતે ભમરડાની જેમ બધાની પરિસ્થિતિ છે, તો આ અર્જુન પણ મનુષ્ય જ હતો અને એ ‘સ્થિતોસ્મિ’ કહે છે. એમાં મૂક્યું છે કે, એ કૃષ્ણ ભગવાનને કહે છે, હે અચ્યુત, તમારી કૃપાથી હું સ્થિર થયો. તો મનુષ્યમાં આ વિરોધાભાસ આવે છે ?
દાદાશ્રી : તે ભમરડો મટી અને રિયલમાં આવ્યો, પ્રકૃતિ હોવા છતાં રિયલમાં આવ્યો. કારણ કે એની માન્યતા એ હતી કે આ હું છું, દેહાધ્યાસમાં.
૩૬
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
એ માન્યતા આખી ય તૂટી ગયેલી. મોહ નષ્ટ થયો તેથી અને આ માન્યતા ‘હું આ છું’ એમાં આવી ગઈ. એ તો આ પ્રકૃતિ સચળ છે અને મૂળ આત્મા અચળ છે. એટલે સચળમાં જે માન્યતા હતી, તે ઉડી ગઈ ને અચળમાં માન્યતા ઉત્પન્ન થઈ, એટલે પછી એ સ્થિર થઈ ગયો.
શંકા ત્યાં સુધી સ્થિતઅજ્ઞ !
આ લોકોને પોતાની ભૂલો કેટલી દેખાય ?
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા ના હોય તો દેખાય નહીં પોતાની ભૂલ !
દાદાશ્રી : હું. અને મહીં પાછાં આ બાજુ કેટલાંક બોલે છેય ખરાં, ‘મારી સ્થિતપ્રજ્ઞ દશા હશે ?’ મેં કહ્યું, ‘કેમ પૂછવું પડ્યું ? તમને આમાં શંકા પડી ?’ અને ‘શંકા પડે તો માનજો કે તમારી સ્થિતઅજ્ઞ
દશા છે.’ એટલે સામેની બાજુની આ પોલ નહીંને ! નોર્થ તો ગયો. નોર્થ પોલ હાથમાં ના આવે તેથી કંઈ સાઉથ પોલ જતો રહ્યો ?
પ્રશ્નકર્તા : સ્થિતઅજ્ઞ એટલે સમજાવો.
દાદાશ્રી : અજ્ઞાનમાં જ મોજ-મજા માને છે, એમાં જ સ્થિત હોય એ. અજ્ઞાનમાં જો અસ્થિર થાય તો જાણીએ કે આગળ વધ્યો. અજ્ઞાનમાં જો અસ્થિર થાય તો શેમાં વધ્યો ? એ પ્રજ્ઞા તરફ આગળ વધ્યો કહેવાય.
સ્થિતપ્રજ્ઞ દશાથી આગળ !
પ્રશ્નકર્તા ઃ સ્થિતપ્રજ્ઞ દશાથી ઘણું ઘણું આગળ કંઈક છે, એ સમજાવો.
દાદાશ્રી : સ્થિતપ્રજ્ઞ દશા એ એક જાતની એક દશા એવી છે કે વૈકુંઠમાં જતાં જતાં બુદ્ધિ સ્થિર થઈ જાય છે. કૃષ્ણ ભગવાનનું જે વૈકુંઠ છે એ કૃષ્ણ ભગવાનની વાત સાંભળતાં સાંભળતાં, ગીતાનો જેમ જેમ અભ્યાસ વધતો જાય, તેમ બુદ્ધિ સ્થિર થતી જાય અને જેની બુદ્ધિ સ્થિર થઈ, તેને ભગવાને સ્થિતપ્રજ્ઞ કહ્યાં. એની આગળ તો ઘણું જાણવાનું બાકી છે. હજી તો આ એક જગ્યાએ એને વીઝા આપવાને લાયક થયો.