________________
પ્રજ્ઞા
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
એ ક્રમિક માર્ગ. અને આ તો આપણે જ્ઞાન આપીએ કે પ્રજ્ઞા ચાલુ થઇ જાય. જોડે અહીં બેસેને મારી પાસે અહીં આવીને, જ્ઞાન ના લીધેલું હોય તોય એને સમ્યક્ બુદ્ધિ થઈ જાય.
પ્રજ્ઞા ડાયરેક્ટ પ્રકાશ છે અને સમ્યક્ બુદ્ધિ ઈનડાયરેક્ટ પ્રકાશ છે. એટલે પ્રજ્ઞા એ ડાયરેક્ટ આત્માનો જ ભાગ છે. પેલી સમ્યક્ બુદ્ધિ એવી નથી, છતાં એનો ય નિવેડો તો લાવવો જ પડશે.
પ્રશ્નકર્તા : પણ સમ્યક્ બુદ્ધિ ઉપકારી તો ખરી ને ?
દાદાશ્રી : જ્યાં સુધી સ્ટેશને પહોંચ્યા નથી ત્યાં સુધી ઉપકારી. સ્ટેશન પર ગયા પછી આગળ જવા માટે એ ઉપકારી નહીં.
પ્રશ્નકર્તા : પણ જ્ઞાન લીધા પછી સમ્યક્ બુદ્ધિ રહેતી નથી ને કે રહે છે ?
દાદાશ્રી : જ્ઞાન લીધા પછી તો પ્રજ્ઞા ઉત્પન્ન થઈ જાય. પછી એને સમભાવે નિકાલ કરવા માટે પ્રજ્ઞા હેલ્પ કરે. એટલે સમ્યક્ બુદ્ધિ અને પ્રજ્ઞામાં બહુ ફેર ! સમ્યક્ બુદ્ધિ તો બુદ્ધિ કહેવાય અને પ્રજ્ઞા તો પરમેનન્ટ વસ્તુનો ભાગ છે, એક જાતનો.
સમ્યક્ બુદ્ધિમાં માલિકીભાવ ! પ્રશ્નકર્તા : સમ્યક્ બુદ્ધિ અને પ્રજ્ઞામાં મૂળ તફાવત કયો ?
દાદાશ્રી : પેલી બુદ્ધિ એટલે બુદ્ધિ. જ્યાં સુધી બુદ્ધિ છેને ત્યાં સુધી એનો માલિક છે. બુદ્ધિ માલિકીપણાવાળી હોય. પ્રજ્ઞાનો કોઈ માલિક નહીં. બુદ્ધિ તો વિપરીત હોય તો ય છે તે માલિકીવાળી હોય. સમ્યક્ બુદ્ધિ હોય તો ય માલિકીવાળી.
પ્રશ્નકર્તા: સમ્યક્ બુદ્ધિ હોય પણ માલિકીવાળી હોય તો નુકસાન કરે ખરી કે બધું સાચું જ બતાવે ?
દાદાશ્રી : ચોક્કસ, નુકસાન કરે જ ને ! એ તો ક્યારે બુદ્ધિ ફરી જાય એનું શું કહેવાય ? સમ્યતાને ભજે છે, તે ક્યારે વિપરીતતાને ભજે કહેવાય નહીં. અને સમ્યક્ બુદ્ધિ એટલે શું ? સંસારમાં સમ્યક્ બુદ્ધિ હોય નહીં. પુસ્તકથી સમ્યક્ બુદ્ધિ ઉત્પન્ન થાય નહીં. સમ્યક્ બુદ્ધિ જ્ઞાની પુરુષની પાસેથી જ્યારે વાત સાંભળે ત્યારે એની બુદ્ધિ સમ્યક્ થાય. હા, પછી એ બુદ્ધિ એટ્રેકિંગ સ્વભાવની કે એવું તેવું ના કરે. એટેક ના કરે, હુમલો ના કરે, એનું નામ સમ્યક બુદ્ધિ. ગમે તેવાં સંજોગમાં હુમલો ના કરે, એનું નામ સમ્યક્ બુદ્ધિ અને હરેક સંજોગમાં હુમલો કરે, એનું નામ વિપરીત બુદ્ધિ.
આ જેમ હાર્ટનો એટેક આવે છે ને, એવો આ એને એટેક આવે. બુદ્ધિને એટેક ના આવે ? ચંદુભાઈ સાહેબ (ફાઈલ નં. વન) હતાં ભારે, નહીં જોયેલાં તમે ?
પ્રશ્નકર્તા જોયેલાં. એટેક તો આવતાં હતાં, પણ એ એટેક દેખાતાં ન'તા. આપની પાસે આવીને જ્યારે એક્સ-રે પડ્યો ત્યારે ખબર પડી કે આ અંદરનું બધું આવું છે.
દાદાશ્રી : હા, બરોબર. ત્યારે જ ખબર પડેને ! જ્યાં સુધી જોયું નથી, ત્યાં સુધી આ બીજી વસ્તુને એ તો એમ જ જાણે આ જ આપણું અને આ જ માલિકી. એમાં શું ફેર છે બીજો ? વાંધો શું છે ? બધે છે, એ આપણે ત્યાં છે. એમાં પાછાં ભાગ પાડ્યા હોય કે આ ખરાબ અને આ સારું. અહીં
પ્રશ્નકર્તા : સમ્યક્ બુદ્ધિ એ પૌગલિક કહેવાય ? એ પણ એક ભાગ તો ખરો જ ને ?
દાદાશ્રી : પુદ્ગલમાં ગણાય નહીં. કારણ કે પુદ્ગલનો પ્રકાશ ના હોય. આ ઓછો ઓછો પણ પ્રકાશ છે ને ! પણ નહીં ચેતનમાં, નહીં પુદ્ગલમાં.
જો કે શાસ્ત્રોએ ચેતન લખ્યું છે, પણ એમાં તો ચેતન ના હોય. જો આને ચેતન કહેશો તો પેલું ચેતન જડશે નહીં. હવે એ સાપેક્ષભાવથી લખેલું છે. લોકોને સાપેક્ષભાવ સમજાય નહીં. લોકોને એટલી સમજવાની શક્તિ ના હોય. હું સમજી જઉં કે આ સાપેક્ષભાવે લખેલું છે.