________________
સંપાદકીય
આત્મા સંબંધી આત્માર્થીઓએ અનેક વાર અનેક વાતો સાંભળી
હશે, વાંચી પણ હશે. પણ એની અનુભૂતિ એ એક ગુહ્યતમ વસ્તુ છે ! આત્માનુભૂતિની સાથે સાથે પૂર્ણાહુતિ પામવા માટે અનેક વસ્તુઓ જાણવાની જરૂર હોય છે, જેમ કે પ્રકૃતિનું સાયન્સ, પુદ્ગલને જોવા-જાણવાનું, કર્મોનું વિજ્ઞાન, પ્રજ્ઞાનું કાર્ય, રાગ-દ્વેષ, કપાયો, આત્માની નિરાલંબ દશા, કેવળ જ્ઞાનની દશા તેમજ આત્મા અને આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીરના તમામ રહસ્યોના ઉકેલ, જે મૂળ દશા સુધી પહોંચવા માઈલ સ્ટોન રૂપે કામ લાગે છે. આ જ્યાં સુધી સંપૂર્ણપણે, સર્વાંગપણે દ્રષ્ટિમાં, અનુભવમાં ન આવે ત્યાં સુધી આત્મવિજ્ઞાનની પૂર્ણાહૂતિ પમાતી નથી. અને આ તમામ રહસ્યોનો ફોડ સંપૂર્ણ અનુભવી
આત્મવિજ્ઞાની સિવાય કોણ પાડી શકે ?
પૂર્વેના જ્ઞાનીઓ જે કહી ગયા તે શબ્દોમાં રહ્યું, શાસ્ત્રોમાં રહ્યું અને તેમના દેશ-કાળને આધીન કહ્યું હોય, જે આજના દેશ-કાળને આધીન ઘણું ઘણું સમજવામાં ને અનુભવવામાં ફીટ થતું ના હોય. તેથી કુદરતના અદ્ભૂત નજરાણા સ્વરૂપે આ કાળમાં આત્મવિજ્ઞાની અક્રમજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રીની મહીં પૂર્ણપણે પ્રગટેલા ‘દાદા ભગવાન'ને સ્પર્શીને પૂર્ણ અનુભવસિદ્ધ વાણીનો લ્હાવો આપણને સહુને મળ્યો છે.
પરમ પૂજ્ય દાદાશ્રીએ ક્યારેય હાથમાં કલમ લીધી નથી. માત્ર એમના મુખારવિંદમાંથી, એમના મતે ટેપરેકર્ડમાંથી માલિકી વિનાની સ્યાદ્વાદ વાણી દેશના સ્વરૂપે નિમિત્ત મળતાં જ સ૨વા માંડતી ! એને ઓડિયો કેસેટોમાં ઉતારી, સંકલનો કરીને સુજ્ઞ સાધકોને પહોચાડવા પ્રયાસો થયા
5