________________
છે. એમાંથી આપ્તવાણીઓનો અણમોલ ગ્રંથ સંગ્રહ પ્રકાશિત થયો છે. આપ્તવાણીના ૧૨ ગ્રંથો પ્રકાશિત થઈ ચૂકયા છે અને અત્રે ૧૩મો ગ્રંથ પ્રકાશિત થાય છે, જે પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધમાં વિભાજિત કરાયો છે.
પૂજ્યશ્રીની સહજપણે નિમિત્તાધીન વાણી સરવાતી. પ્રત્યક્ષમાં સહુ કોઈને યથાર્થ સમજાઈ જાય પણ પાછળથી તેને ગ્રંથમાં સંકલિત કરવી કઠિન બને છે ને તેથી પણ વિશેષ કઠિન બને છે સુજ્ઞ વાચકોને યથાર્થ સમજવાનું ! કેટલીકવાર અાંતર થઈ જવાથી દિશાચૂક થઈ જવાય અગર તો દિશામૂઢ થઈ જવાય. દા.ત. શાસ્ત્રમાં વાંચ્યું, “જા, તારી મમ્મીને બોલાવી લાવ.’’ હવે અહીંયા કોણ કોની મમ્મીને માટે કહે છે તે રેફરન્સ (સંદર્ભ) વાચકે જાતે સમજવાનો છે. એમાં પોતાની પત્નીને બોલાવાનું પણ હોઈ શકે કે બીજાની પત્નીને પણ ! જો સમજ ફેર થાય તો ?!!!
આમ આત્મતત્ત્વ કે વિશ્વના સનાતન તત્ત્વો અવર્ણનીય-અવક્તવ્ય છે. જ્ઞાની પુરુષ દાદાશ્રી ઘણી ઘણી ઊંચાઈએથી નીચે ઉતરીને એને શબ્દમાં લાવીને આપણને સમજાવે છે. જે ‘દ્રષ્ટિ’ની વાત છે તે ‘દ્રષ્ટિ’થી જ પમાય, નહીં કે શબ્દથી. ‘મૂળ દ્રષ્ટિ' જે આત્મસન્મુખતાને પામવાની વાત છે તે શબ્દમાં શી રીતે ઉતરે ? એ તો પરમ પૂજ્ય દાદાશ્રીનું અક્રમ જ્ઞાન જે જે મહા મહા પુણ્યાત્માઓ પામ્યા, તેને પ્રજ્ઞા જાગ્રત હોવાને કારણે વાંચતા જ સમજાઈ જાય. છતાં કેટલીક ગુહ્ય વાતો સમકિતી મહાત્માઓને પણ ઉપરથી જતી રહે તેમ છે. અગર તો ક્યાંક વિરોધાભાસ ભાસે. હકીકતમાં જ્ઞાનીનો એક શબ્દ ક્યારેય વિરોધાભાસી ના હોય. તેથી તેને ઉવેખતા નહીં. તેના ઉકેલ માટે તેઓએ ઓથોરાઈઝડ પર્સન (અધિકારી) પાસેથી ફોડ મેળવી લેવા જેવો છે. અગર તો પેન્ડીંગ રાખો, જ્યારે પોતે એ શ્રેણી ચઢશે ત્યારે આપોઆપ સમજાઈ જશે !
દા. ત. રેલ્વે સ્ટેશન કે રેલ્વે પ્લેટફોર્મ બે શબ્દ જુદી જુદી જગ્યાએ વાપર્યા હોય. અજાણ્યાને ગૂંચવાડો થાય ને જાણીતો સમજી જાય કે એક જ વસ્તુ છે ! ઘણી વાર પ્લેટફોર્મની વાત સંપૂજ્યશ્રી કરતાં હોય તો વર્ણન શરૂઆતનું જુદું હોય, વચ્ચેનું જુદું ને છેક છેવાડેનું જુદું હોય. તેથી ભાસિત વિરોધાભાસ ઉત્પન્ન થાય. હકીકતમાં એક જ વસ્તુનું વર્ણન છે, જુદા જુદા સ્ટેજનું !
6
અત્રે દાદાશ્રીની વાણી જુદા જુદા નિમિત્તાધીન, જુદા જુદા ક્ષેત્ર, કાળ ને દરેકના જુદાં જુદાં ભાવના આધીન નીકળેલી છે. તેનું સંકલન થયું છે. પ્રકૃતિની એકથી સો સુધીની વાતો નીકળી છે. પણ નિમિત્ત બદલાવાથી થોડુંક વાચકને સમજવામાં અઘરું પડે. ક્યારેક પ્રશ્નો પુનઃ પુનઃ પૂછાયા લાગે પણ પૂછનાર જુદી જુદી વ્યક્તિ છે, જ્યારે ફોડ પાડનાર એકમેવ પરમ જ્ઞાની દાદાશ્રી જ છે. અને આપ્તવાણી વાંચનાર પ્રત્યેક વખતે વાચક તો એક જ વ્યક્તિ છે, જેને સમગ્ર બોધ ગ્રહણ કરવાનો છે. અને પરમ પૂજ્ય દાદાશ્રીનો એક વ્યક્તિ જોડે વાર્તાલાપ થઈ રહ્યો હોય તેવો સૂક્ષ્મતાએ સંકલનનો પ્રયાસ થયો છે. હા, પ્રશ્નોતરી રૂપી વાણીમાં ફોડ દરેકના જુદાં જુદાં લાગે, પણ તે વધુ ને વધુ ઊંડાણના પગથિયે લઈ જનારા હોય ! જે ઊંડાણથી સ્ટડી કરનારાને સમજાશે.
આમ બધું કરવા છતાં ય મૂળ આશયે આશયનું પકડાવું એ તો દુર્લભ, દુર્લભ દુર્લભ જ લાગે !
પરમ પૂજ્ય દાદાશ્રીની વાણીની સરવાણીમાં એક જ વસ્તુ માટે જુદા જુદા શબ્દો નીકળ્યા હોય જેમ કે, પ્રકૃતિ, પુદ્ગલ, અહંકાર. વિ. વિ. તો વળી કોઈ જગ્યાએ એક જ શબ્દ જુદી જુદી વસ્તુ માટે વપરાયો હોય. દા.ત. ‘હું’ અહંકાર માટે વપરાયો હોય છે તો ‘હું’ આત્મા માટે પણ વપરાયો છે. (હું, બાવો ને મંગળદાસમાં). મહાત્માએ એને યોગ્ય સમજણે લેવું ઘટે. સિદ્ધાંતિક સમજના વિશેષ ફોડ પાડવા મેટરમાં ક્યાંક ક્યાંક કૌંસમાં જરૂરિયાત સંપાદકીય નોંધ મૂકી છે જે વાચકને સમજવા મદદરૂપ થશે.
પ્રસ્તુત ગ્રંથના પૂર્વાર્ધમાં દ્રવ્યકર્મના આઠેય પ્રકારને વિગતવાર સમજાવ્યા છે. શાસ્ત્રમાં તો અનેકગણા લંબાણથી મૂકાયું છે. જે સાધકને ગૂંચવાડામાં મૂકી દે. પરમ પૂજ્ય દાદાશ્રીએ આત્માર્થીને મોક્ષમાર્ગમાં ખપ પૂરતું જ જે આવશ્યક છે. તેટલાને વિશેષ મહત્વ આપી ખૂબ જ સરળ ભાષામાં સમજાવી ક્રિયાકારી કરી આપ્યું છે.
પૂજ્યશ્રીએ કેટલીક જગ્યાએ આત્માને જ્ઞાતાદ્રષ્ટા કહ્યો છે. તો કેટલીક જગ્યાએ પ્રજ્ઞાને. યથાર્થતાએ તો જ્યાં સુધી કેવળજ્ઞાન નથી થયું. ત્યાં સુધી આત્માની રિપ્રેઝન્ટેટીવ તરીકે પ્રજ્ઞા જ જ્ઞાતા-દ્રષ્ટા હોય છે અને અંતે કેવળજ્ઞાન થયા પછી તો આત્મા સ્વયં આખા બ્રહ્માંડના પ્રત્યેક જ્ઞેયનો પ્રકાશક બને છે !
7