________________
સંસારમાં કષાય ના થાય, ચિંતા ટેન્શન ના થાય તો ય એ મૂળ આત્મા નથી. શુદ્ધાત્મા જે મહાત્માઓને પ્રાપ્ત થયો છે તે મોક્ષના પહેલા દ૨વાજામાં પેઠા. મોક્ષનો સિક્કો વાગ્યો, પણ મૂળ આત્મા ઘણો દૂર છે. હા, એકદમ શોર્ટકટમાં મહાત્માઓ આવી ગયા. હવે માત્ર પાંચ આજ્ઞાઓ પાળી અનુભવ કરી લેવાનો છે. હવે માત્ર જ્ઞાનીની પાછળ પડી રહેવાનું છે. અનુભવ કરતાં કરતાં શબ્દ ઊડી જશે ને અનુભવનો ભાગ રહેશે. અનુભવ ભેગો થતો થતો મૂળ જગ્યાએ આવે તેમ તેમ તે પોતાનું આખું રૂપ થઈ જાય ! પછી અનુભવ અને અનુભવી બે એક થઈ જાય !
જ્યાં સુધી પાછલું દેવું છે ત્યાં સુધી નિરાલંબ આનંદના અનુભવમાં ના રહેવા દે. હા, દેહાધ્યાસ ગયો એટલે આત્માનુભવ તો થયો જ.
જ્યાં સુધી બીજાની અપેક્ષા છે, ત્યાં સુધી પરાલંબી છે. સંસાર છે, વિષય છે તે મૂળ સ્વાદ ના આવવા દે. એક વખતનો વિષય ત્રણ દહાડા સુધી ભ્રાંતિમાં નાખી દે એટલે સાચા સુખને એ ભૂલાવામાં નાખે !
આત્માનો ખોરાક શું ? નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા. એનું ફળ શું ?
પરમાનંદ.
મનુષ્યને ઠેઠ સુધી આધાર જોઈએ. કોઈ ના હોય તો પૈસાનો ય આધાર જોઈએ. દાદાશ્રી એક ભાગ્યશાળીને સમજાવે છે કે અમારી જેમ બાહ્ય આધારોથી છૂટી જાવ. બધું પૈસા, ઘરબાર આપી દો, પછી નિરાલંબ થશો અમારી જેમ. જ્યાં સુધી ‘બેઠક’ની જગ્યા રાખી હોય ત્યાં સુધી ‘હું’ ‘આત્મા’ ને ‘બેઠક’ એમ ત્રણ રહે. ‘હું’ સમર્પણ થઈ ગયું એટલે ‘હું’ ને ‘આત્મા’ એક જ, ‘બેઠક’નો આધાર જગતમાં એકલા જ્ઞાનીને જ ના હોય. તેથી તે નિરાલંબ કહેવાય. હું જ આત્મા ને આત્મા તે જ હું. પછી બીજું કશું જ રહ્યું નહીં, બેઠક ખસેડી લીધી એટલે ! બેઠક હોય ત્યાં સુધી ‘હું’ ને ‘આત્મા’ એક ના થાય. બેઠકનો ગુરખો રાખવો પડે. પછી છેવટે એ દગો જ નીકળે. બેઠકમાં એક જ્ઞાની જ રાખવાનાં.
આંખે દેખાય એ દાદા જુદા, એ ‘એ. એમ. પટેલ', મહીં મૂળ દાદા ભગવાન અને વચ્ચેનો ભાગ તે સૂક્ષ્મ દાદા. જેનું આપણે નિદિધ્યાસન કરીએ છીએ તે. સ્થૂળ દાદા ના હોય તો તેનો વાંધો આવશે. પણ સૂક્ષ્મ
48
દાદા નિદિધ્યાસન રૂપે કાયમ રહે, એનો વાંધો જ ના આવે. સ્થૂળ ટકે કે ના ટકે. સૂક્ષ્મ દાદા, નિદિધ્યાસનવાળા હજારો વર્ષ સુધી ચાલશે. પછી વાણીનું નિદિધ્યાસન હોય અને છેવટે ત્રીજું ભગવાનનું એ નિરાલંબ સ્થિતિ. એનું બીજી કોઈ રીતે ચિંતવન ના થાય. મૂળ સ્વરૂપ દેખાય, મૂળ સ્વરૂપની તાદશ્યતા જેને કેવળજ્ઞાન કહ્યું તે દેખાયા કરે.
સૂક્ષ્મ દાદાનું નિદિધ્યાસન નિરાલંબ તરફ લઈ જાય. દૈહિક નિદિધ્યાસન, વાણીનું નિદિધ્યાસન, બધાં ભેગા થઈને નિરાલંબ થવા માટે મદદ કરે.
મૂળ સ્વરૂપ દાદા ભગવાન છે, તેનો અનુભવ કરવાવાળા જુદા રહ્યા ને ? મૂળ સ્વરૂપને જોનારા જુદા રહ્યા ને અત્યારે ? આ અત્યારે શુદ્ધાત્મા સ્વરૂપને જોનારી પ્રજ્ઞા. કેવળજ્ઞાન સમજમાં હોય ત્યાં સુધી પ્રજ્ઞા બહાર હોય અને કેવળજ્ઞાન જ્ઞાનમાં હોય ત્યારે પ્રજ્ઞા ફીટ થઈ જાય. પછી જોનારો જુદો ના રહ્યો. નિરાલંબ દશા થઈ !
દાદાને ભગવાન વશ થયા હોય એટલે કે નિરાલંબ આત્મસ્વરૂપ ભગવાન વશ થયા હોય.
મહાત્માઓને અભ્યુદય ને આનુષંગિક બેઉ ફળ મળે. અભ્યુદય એટલે સંસારની જબરજસ્ત અભિવૃદ્ધિ અને આનુષંગિક એટલે મોક્ષફળ સાથે હોય.
વાતને જ સમજવાની છે. કઈ વાત ? એક વિનાશી વસ્તુ અને વિનાશીના સગાં વહાલા બધાં વિનાશી ને બીજું નિરાલંબ છે તે ‘હું’ એને કોઈ દુઃખ પડે નહીં.
નિરાલંબની સ્થિતિ પ્રાપ્ત કરવાની ઉતાવળ હોય તો બધામાં ‘હું’ ‘હું’ જોતાં જોતાં ચાલવું. ‘હું હી’, ‘હું હી’ મોઢામાં, મનમાં ને ચિત્તમાં રાખવું.
આપણે આપણી જાતને તપાસીએ કે આપણે ક્યાં ક્યાં, કેવા કેવા અવલંબિત છીએ ? ત્યાથી ઠેઠ આત્માની નિરાલંબ દશા સુધી જવાનું છે.
49