________________
જગત કલ્યાણની ભાવના એ ય પ્રશસ્ત રાગ. એટલે કપટ વગરનો લોભ.
ભગવાન સીમંધરના દર્શન થતાં જ આ પ્રશસ્ત રાગ એની મેળે જ છૂટી જશે. એ પ્રશસ્ત રાગ એ છેલ્લું અવલંબન છે નિરાલંબ થતાં સુધીનું.
મહાત્મા પર રાગ બેસે તે ય પ્રશસ્ત રાગ !
દાદાશ્રી પર રાગ બેસે તે ય પ્રશસ્ત રાગ. એનાથી ખૂબ શાંતિ લાગે. અને આસક્તિ હોય તો ત્યાં પાછળથી અશાંતિ થઈ જાય. દાદાશ્રી વઢે તોય પ્રશસ્ત રાગ જાય નહીં !
ચૂલો સળગાવ્યો, રસોઈ કરી, પછી ચૂલો પાછો હોલવવો પડે ને ? હોલવવો હતો તો સળગાવ્યો શું કરવા ? એ કરવું જ પડે, ના ચાલે. તેમ આ પ્રશસ્ત રાગ ઉત્પન્ન થાય પછી છેવટે જાય. સંસારનો રાગ કાઢવા આ જરૂરી છે. દાદાશ્રી પાછાં મળવાના ? જેનો હિસાબ બંધાયો હોય તે છોડે ?
[૨૫] વીતરાગતા વીતરાગમાં વીતરાગ રહે પણ જ્ઞાનીઓ તો રાગમાં ય વીતરાગ રહે!
સમત્વ એટલે માન આપે તેની પર રાગ નથી ને અપમાન કરે તેની પર દ્વેષ નથી.
ઉદાસીનતા એટલે અહંકાર સાથે રાગ-દ્વેષ નહીં તે.
ઈન્દ્રિયોને રાગ-દ્વેષ ના હોય. આ તો અજ્ઞાન ઊંધું દેખાડે. જ્ઞાનીને ને અજ્ઞાનીને જગત સરખું જ દેખાય. ફેર માત્ર રાગ-દ્વેષનો જ છે ! જ્ઞાન વિશાળ ને ઐશ્વર્યવાન છે, પણ પોતાની વાડને લીધે દેખાતું નથી !
મહાત્માને વીતરાગ થવાની ઉતાવળ છે ? એમ કંઈ સો ઝટ થઈ જાય ! અવળીમાંથી સવળીએ ચઢયું એ જ મોટું છે. મહાત્માને રાગ-દ્વેષમાં હવે રસ ના હોય.
જ્ઞાની જેવી વીતરાગતા કેવી રીતે થાય? જ્ઞાનીના ટચમાં રહેવાથી. તેમને જોઈને શીખાય. જ્ઞાનીની આંખો જુઓ. એમાં જ વીતરાગતા જોવા મળશે. વીતરાગને જોવાથી વીતરાગ થવાય. થીયરી લાખ હોય પણ પ્રેકટીકલ જુએ કે તરત જ આવડી જાય !
જગત નિર્દોષ દેખાય એ વીતરાગ થયાની નિશાની !
કોઈ અપમાન કરે, ગાળો દે ને તે અડે નહીં તો એટલા તમે વીતરાગ થયા, ભગવાન થયા. અને આખું જગત જીતી ગયા તો પૂર્ણ ભગવાન ! પછી કોઈની જોડે ય મતભેદ ના રહે !
દેહને રમતો મુકવો એટલે શું ? ભમરડો નાખ્યા પછી એને ફરી દોરી વીંટવાની નહીં. પછી તો કેવો ફરે છે તે જોયા જ કરવાનું !
પુદ્ગલને હવે જોયા કરે તો તે ચોખ્ખું થઈ જાય ને છૂટાય. સમ્યક્ દર્શન ને આત્મસાક્ષાત્કાર એક જ વસ્તુ છે. સમ્યક દર્શન વીતરાગતાની શરૂઆત છે.
પ્રતિષ્ઠિત આત્મા વીતરાગ થાય ? ના. એનામાં વીતરાગતાનો પાવર આવે પણ વીતરાગતાનો ગુણ આવે નહીં.
દાદાશ્રીની આજ્ઞામાં રહેવાનો પુરુષાર્થ જ વીતરાગ બનાવશે !
રામ, મહાવીર વીતરાગ થયા તે કોઈ ક્રિયાને આધારે નહીં પણ જ્ઞાનના આધારે થયા ! જ્ઞાન જ્ઞાની પાસેથી મળવું જોઈએ !
વીતરાગ દશામાં કઈ રીતે રહેવાય ? કોઈની જોડે ક્રોધ-માન-માયાલોભ નહીં કરવા એ વીતરાગ. એ થયું એટલે વીતરાગતા ચૂક્યા. ફરી પાછું સાધવું. એમ કરતાં કરતાં સ્થિર થવાય. નાનું છોકરું ચાલતાં શીખે ત્યારે કેવી સ્થિતિ હોય ?
વીતરાગ થાય એટલે ભગવાન થાય. મહીં પરમાત્મા જ છે. પણ ખોખું પણ પછી ભગવાન થઈ ગયું કહેવાય !