________________
મેલું કરે તે ય પુદ્ગલ, ચોખ્ખું કરે તે ય પુદ્ગલ !
પુદ્ગલ તો શુદ્ધ થવાનું જ છે. પુદ્ગલ તો એની મેળે શુદ્ધ થયા જ કરવાનું !
૧૮૭
પ્રશ્નકર્તા : પણ અશુદ્ધિ તો પુદ્ગલની જ છેને ?
દાદાશ્રી : વળી જગત કોઈ દહાડો પુદ્ગલને અશુદ્ધિ માનતું હશે ? જગત આખું આત્માની જ અશુદ્ધિ માને છે. આત્મા જ મારો પાપી છે, કહે છે. પુદ્ગલની અશુદ્ધિને ક્યાં લોક સમજે છે ? એ તમે સમજ્યા ? પુદ્ગલને જો ડખોડખલ ના થાય ને તો આ તો ચોખ્ખું જ થયા કરે પણ આ ડખોડખલ કરે છે. ડખો કરે ને પછી ડખલ થઈ જાય ! ડખોડખલ કરનારી કોણ ? તે અજ્ઞાન માન્યતાઓ.
પ્રશ્નકર્તા : આપ જે બોલો છો પુદ્ગલથી, હું સાંભળું છું.
દાદાશ્રી : અજ્ઞાનતા પુદ્ગલમાં હતી. આ શબ્દો એ આવરણ તોડી નાખે છે, શબ્દો ય પુદ્ગલ છે. મેલુ ય પોતે, સાબુ ય પોતે ને કપડું ય પોતે ને છેલ્લે પોતે ચોખ્ખો થઈ જાય છે.
દાદા આપે સીધો ફોડ !
આ દાદા કહેનાર મળ્યા, બીજો મળે નહીં. પ્રશ્નકર્તા : આ દાદાના સીધા ફોડ છે.
દાદાશ્રી : પણ આ સમજાતાં બહુ વાર લાગશે. પ્રશ્નકર્તા : એ તો છેલ્લી વાત તો જુદી જ !
દાદાશ્રી : આ શબ્દો તો એના એ જ, પણ આ છેલ્લી વાત છે ! આ પદ્ધતિ ને રીત એક જ વાક્યમાં આવે એવું નથી. અને હું સમજી ગયો છું તે એકઝેક્ટ તે રીતે કહું છું, બેઠો બેઠો જોઈને. અને એ તમને સમજવા માટે કહું છું. અને આ તો જે જોઈ ગયો છું, તે હું તમને કહું છું. એટલે એ પોઈન્ટ સારાં સમજે છે, પણ હજુ તો મહીં બહુ સમજવાનું બાકી છે, ઘણું બાકી છે.
૧૮૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
જ્ઞાતખાણમાંથી ઊંચું રત્ન !
કોઈ વખત વાત નીકળી જાય, બહુ નોંધવા જેવી વાત હોય. આમ લાગે સહેલી સટ, પણ નોંધવા જેવી હોય એ વાત. એટલે અમેય કહીએ કે આ રત્નની ખાણમાં આ ઊંચું રત્ન નીકળ્યું.
પ્રશ્નકર્તા : હા, દાદા, બહુ સુંદર વાત કરી. બધો ગૂંચવાડો જ નીકળી ગયો. હમણાં આપની વાણી જે નીકળે છેને, તે એકદમ છૂટા પાડવાની જ વાત હોય છે અને છેલ્લા સાયન્સની વાત.
દાદાશ્રી : હા, છેલ્લું.
પ્રશ્નકર્તા ઃ અહંકારનું સ્થાન, ઉત્પતિ, કઈ રીતે છૂટું પાડવું, પ્રજ્ઞા શું કરે, હવે એથી આગળ દાદા ફોડ પાડતા જાય છે. દાદાશ્રી : સમજાઈ ગયું છેને ?
પ્રશ્નકર્તા : હા દાદા, તમે બહુ ચોખ્ખા ફોડ પાડી રહ્યા છો. દાદા હવે ના સમજીએ તો અમારા જેવા મૂર્ખ કોઈ જગતમાં ના કહેવાય.
દાદાશ્રી : નહીં. પછી જડશે જ નહીં આ...
પ્રશ્નકર્તા : ના જડે.
દાદાશ્રી : આવડા મોટા સમુદ્રમાં આ રત્ન ફરી જડશે નહીં, ખોવાઈ ગયું તો..
પ્રશ્નકર્તા : દાદા, મને તો આજે એવું થયા કરતું હતું કે અમે કેટલા મૂર્ખ છીએ ! અમને અમારું જ ચોખ્ખું કરવાની જરાય પડી નથી. દાદાને રાત-દહાડો અમારું ચોખ્ખું કરી આપવાની પડેલી છે.
દાદાશ્રી : ત્યારે બીજું શું ? અમારે ઇચ્છા એવી છેને કે અમારું કંઈ પણ કર્યું, અમને ચા પાઈ હોય એણે, એને લાભ થાઓ.
܀܀܀܀܀