________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૧૧
૧૧૨
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
કરવાનું, ડ્રામેટિક ! એ જાણે કે ઓહોહો, મારા પર બહુ ભાવ દર્શાવે છે. એ ખુશ થઈ જાય અને વેર બધું ભૂલી જાય. વેર છૂટી જાય એટલે ‘સમભાવે નિકાલ’ થઈ જાય. એ ઊઠે ત્યારે આપણે કહીએ કે, ‘જો જો ભઈ, અમારો કંઈ દોષ થયો હોય તો...' ત્યારે એ જ કહેશે કે ‘નહીં, નહીં, તમે તો બહુ સારા માણસ છો.” એટલે ચૂકતે થઈ ગયું. આ લોકોને કશું જોઈતું નથી. અહંકાર પોષાયો એટલે બહુ થઈ ગયું.
કોઈ માણસ મારવા આવ્યો હોય, ખૂન કરવા આવ્યો હોય, પણ ‘ફાઈલનો નિકાલ’ કરવો છે એવાં તમારા મનમાં ભાવ ઉત્પન્ન થયા કે તરત એના ભાવ ફરી જશે અને તલવાર કે છરી હશે, તે નીચે મૂકીને જતો રહેશે.
ફાઈલ પ્રત્યે પ્રિયુડીસ છોડી દો એટલે એ ફાઈલ તમારા કહ્યા પ્રમાણે કરે એવું છે. અમારા કહેલા શબ્દમાં રહેને તો સંસાર સરસ ચાલે એવો છે અને મોક્ષે પણ જવાય. એટલું સુંદર વિજ્ઞાન છે આ ! અને ક્ષણે ક્ષણે વિજ્ઞાનનો ઉપયોગ થાય એવું છે, પણ વિજ્ઞાન વાપરતાં આવડવું જોઈએ. મોક્ષતા વિઝા હાથમાં પણ બાકી ક્લિયરન્સ સર્ટિફિકેટ !
સુષમકાળ તો સારો પણ આ તો દુષમકાળ. એટલે કે દુ:ખ મુખ્યતા. નવ્વાણું ટકા દુ:ખ ને એક ટકો સુખ. એટલા હારુ ક્યાં સુધી બેસી રહેવું ? રાજ હોય તોય આખો દહાડો મન કોચ કોચ કર્યા કરે, એમાં શી રીતે જીવવાનું ?
બાકી ચોર્યાસી હજાર વર્ષ ગયા પછી અજવાળું થશે, ત્યાં સુધી અંધારા ઘરમાં ક્યાં સુધી ભટકવાનું ? એના કરતાં પોતપોતાના સ્થાનમાં બેસી જવું. દાદા મળ્યા છે ને ટિકિટ કાઢી આપી છે, વિઝા કાઢી આપ્યા છે તે જવાય, નહીં તો જવાય શી રીતે ? નહીં તો આશા જ ના રખાયને ! એ બધી ફાઈલોનો નિકાલ થાય ત્યારે જવાય. સાધુ થાય તોય ફાઈલોનો નિકાલ ના થાય. તે સાધુ થઈને ફાઈલોનો શી રીતે નિકાલ કરે ? અને આ તો ઘરમાં રહીને ફાઈલોનો બધો નિકાલ થાય. કંઈ નાસી જવાથી નિકાલ
થતો હશે ? અત્યારે એ નાસી જાય, તો શું બધો નિકાલ થઈ જાય ?
પ્રશ્નકર્તા : ફાઈલો તો પાછળ પડે, દાદા.
દાદાશ્રી : ફાઈલો તો પાછળ ના પડે પણ મહીં અંદરથી દાવા તો મંડાઈ જાયને ! બહારના ના મંડાય પણ અંદરના દાવા છોડે નહીંને ! બહારના દાવા સારા, તે આ ભવમાં છૂટાય પણ અંદરના દાવા સારા નહીં.
વેથી ખડો સંસાર ! માટે વેર છોડો. પ્રેમથી ઊભું રહ્યું નથી આ જગત. લોકો સમજે છે કે પ્રેમથી ઊભું રહ્યું છે. પણ ના, ફાઉન્ડેશન જ વેરનાં છે આ. એટલે તો અમે વેરનો નિકાલ કરવાનો કહીએ છીએ. સમભાવે નિકાલ કરવાનું કારણ જ એ છે. પ્રેમ કરશોને, તો એની મેળે જ વેર થઈને ઊભું રહેશે. કારણ કે આસક્તિનું શું થાય ? વેર લાવે ! અને સમભાવે નિકાલ કરવાનું એટલાં જ માટે કે વેરથી જગત ઊભું રહ્યું છે. રાગ તો, ‘હું ચંદુભાઈ છું' એ જ રાગ છે. તે ‘હું ચંદુભાઈ છું’ એ તો છૂટી ગયું, એટલે રાગ ગયો. હવે વેર કેમ છોડવાં આ લોકો જોડે ? ત્યારે કહે, સમભાવે નિકાલ. હા, એ ગાળો ભાંડતો હોયને, તોય આપણે ઊલટું તમારે એમ કહેવું કે ‘ચંદુભાઈ, કંઈક તમારી ભૂલ હશે, ત્યારે જ ગાળો ભાંડેને બહાર ?” હા, નહીં તો કોઈ મૂરખ માણસે ય નવરો નથી.
એક દહાડો તમારા ગામમાં જઈને બધાંને તમે જાહેરાત કરી દો કે, ભઈ, મને ગાળ ભાંડી જાય તેને સો રૂપિયા આપું. પણ કોઈ ગરીબમાં ગરીબ માણસેય ના આવે. ના બાપા, એના કરતાં અમે મજૂરી કરીને પાંચ રૂપિયા લાવીશું, પણ આવું ના કરે કોઈ. જે કરે છે એ તમારો પૂર્વનો હિસાબ છે એટલા પૂરતી લેણ-દેણ છે. આ બે ગાળો આપી હોય, એટલે બે તમને પાછી જમે કરાવી જાય. ત્યારે તમે જાણો કે આ મને બે ગાળો શેની આપી ? અલ્યા મુઆ, આ ચોપડાનો નહીં તો આગલા ચોપડાનો હિસાબ હશે, સરભર ખાતું કરી દેને અહીંથી. હિસાબ વગર તો કશું છે જ નહીં. માટે આ બધી ફાઈલોનો નિકાલ કરવાનો, ખાતાં સરભર કરી દેવાનાં. આ તો આવડેને, ખાતું સરભર કરવાનું !