________________
રિયલ-રિલેટિવની ભેદરેખા !
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
કે ચંદુલાલ હું છું નહીં. અને ચંદુલાલની મિલ્કત એ તો એની છે, મારે શું લેવાદેવા ? અને તે ય મિલકત બધી જોઈ આપણે. એ બધી વિનાશી મિલકત હતી. ખોવાઈ ગયા પછી જડે નહીં અને જડે તો ય પાછી ફરી ખોવાઈ જવાની છે અને આ મારી મિલકત તો વિનાશી નથી, અવિનાશી છે. એ મારી મિલકત જુદી છે. ‘હું શુદ્ધાત્મા થયો’ એ પહેલું ભાન થાય પછી એના પ્રમાણમાં આવતું જાય ને તે રૂપ થતો જાય. એટલે શાસ્ત્રકારોએ શું લખ્યું કે એક સેકન્ડ પણ આત્મા થા અને તું આત્મા થઈ, પછી બોલ કે હું આત્મા છું. થયા સિવાય બોલીશ નહીં. તો આત્મા થાય ક્યારે ? જ્ઞાની પુરુષ એને સ્થિત બેસાડે ત્યારે. એ થાય પછી એ કહે કે હું આત્મા થયો હવે. પછી આવું બોલ. ‘હું શુદ્ધાત્મા, શુદ્ધાત્મા' બોલ્યા કર, પણ થયા વગર ગા ગા કરીશ એમાં શું દહાડો વળવાનો છે ? આમ તો નગીનભાઈ છું, પણ આખી રાત ગા ગા કરે ‘હું શુદ્ધાત્મા છું' એમ. પણ નગીનભાઈને ગાળ ભાંડી કે પાછા હતા તેના તે !
ફક્ત આ છે તે આજ્ઞા પાળવાનો હેતુ શું કે નર્યો ખરાબ કાળ બધે, જયાં જુઓ ત્યાં લૂંટ, લૂંટ ને લૂંટ. એટલે એ કુસંગ જ છે બધો. સંગ જ કુસંગ થઈ પડ્યો છે. એટલે આપણે આ આજ્ઞા પ્રમાણે રહીએ તો પછી કુસંગ એડે નહીં અને તે ય આજ્ઞા પાછી સહેલી, એવી કંઈ ખાસ બહુ અઘરી નથી.
બંધ થયો અંતરદાહ.. પ્રશ્નકર્તા : જે પ્રાપ્ત થયું છે તેમાં આગળ વધવા જે મહીં ઇચ્છા થાય, તેને અંતરદાહ કહેવાય ?
દાદાશ્રી : તમને અંતરદાહ તો થાય જ નહીંને ! અંતરદાહ તો ફરી ઊભું જ ના થાય. જ્યાં સ્વરૂપસ્થિતિ થઈ ત્યાં અંતરદાહ બંધ થઈ જાય. હવે બીજા એક પ્રકારનો અંતરદાહ હોય છે કે જે જોડેના ઘરનું બળે છે, તેનું માથે લઈ લે તો બને. એ પાછો પેલો નિર્જીવ અહંકાર તો બળતો હોય છે, તેનું માથે લઈએ તો માથે આવે. એ આપણે જોયા જ કરવાનું કે બહાર ઘમસાણ ચાલી રહી છે. હવે અંતરદાહ ના થાય, સ્વરૂપસ્થિતિ થયા પછી અંતરદાહ ના હોય. નહીં તો આખા જગતને સ્વરૂપસ્થિતિ થયા
પહેલાં અંતરદાહ હોય જ. હવે જે અંતરદાહ દેખાય તે તો બહારના ભાગમાં આઉટર ફેસમાં થાય છે, તેને આપણે માથે લઈ લઈએ છીએ. આપણને તો કશું અડે નહીં ને નડે નહીં એવી વસ્તુ છે. એક ફેરો આત્માનો આનંદ થાય પછી એ જીવને અંતરદાહ ક્યારેય ના થાય.
અંતરદાહ એટલે શું ? મહીં બળતરા ખબર પડ્યા કરે. એક પરમાણુ પોતે જલે અને જલી રહેવા આવે ત્યારે બીજાને સળગાવે. તે બીજો જલી રહેવા આવે ત્યારે ત્રીજાને સળગાવે. એવું નિરંતર ક્રમ ચાલ્યા કરે. ઇલેક્ટ્રિસિટીની પેઠે જલે. અને તે આપણે વેદનાય ભોગવવી પડે. એને અંતરદાહ કહે ને પછી વિશેષ પરમાણુ સળગે ત્યારે લોકો કહે છે કે મારો જીવ બળે છે, મારો જીવ બળ્યા કરે છે. એ છે તે બધું પરમાણુ બળ્યા કરે, શી રીતે સહન થતું હશે ? જો કે મેં ય જોયેલું છે. સહન શી રીતે થાય ? અંતરદાહ ગયો અને કઢાપો-અજંપો બંધ થયો એટલે છૂટ્યા આપણે.
પ્રશ્નકર્તા : દાદા, અંતરદાહ ગયો ખરો, સાચી વાત છે. કેવળજ્ઞાન પ્રાપ્તિ કરવાનો અંતરદાહ જાગે છે, એનું કેમ કરવાનું ?
દાદાશ્રી : પેલો વેપાર બંધ થઈ ગયો. હવે નવો વેપાર શરૂ થયો. આ વેપારમાં નફો વધારે કેમ થાય ? એ તો ભાવના હોય ! જેટલો તમારો પુરુષાર્થ, એટલાં કેવળજ્ઞાનનાં અંશો બધાં જમા થઈ રહ્યાં છે.
પુરુષાર્થ શાને કહેવાય છે ? જેટલી જાગૃતિ રહે અને જેટલી અમારી આજ્ઞા પાળે તેને. અને પુરુષાર્થ થયો એટલે કેવળજ્ઞાનના અંશો મહીં ઉમેરાયા કરે. કેવળજ્ઞાનના અંશો વધતાં વધતાં ૩૬૦° થાય ત્યારે કેવળજ્ઞાન પૂરું થાય ! ત્યાં સુધી અંશ કેવળજ્ઞાન કહેવાય. અંશ કેવળજ્ઞાન છે એવું પોતાને ખબર પડે કે મને અંશ કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાનના અંશ શરૂઆત થવાના થાય તો જ અંતરદાહ મટે, નહીં તો અંતરદાહ ના મટે. અંતરદાહ એવો છે કે કોઈ દહાડો મટે નહીં. દશમા ગુંઠાણાં સુધી અંતરદાહ હોય. સૂક્ષ્મ પ્રમાણમાં, બહુ નાના પ્રમાણમાં ત્યાં એ હોય. જેટલા એના કષાય હોયને એટલા પ્રમાણમાં અંતરદાહ હોય, તે અલ્ય કષાય હોય છે. ત્યાં આગળ સૂક્ષ્મ કષાય હોય. દશમાં ગુંઠાણાંમાં છેલ્લામાં છેલ્લો લોભ, નાનામાં નાનો લોભ હોય એ દશમામાં. ત્યાં સુધી આ ડખો છે.