________________
રિયલ-રિલેટિવની ભેદરેખા !
૭૩
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : હા, શુદ્ધ જ છે. માન્યતા અવળી હતી, તે હવે સવળી થઈ. તે ફરી પાછી માન્યતા અવળી ન પેસે, એટલા માટે તું શુદ્ધ છું એ છોડીશ નહીં. કારણ કે આત્માનો સ્વભાવ કેવો છે ? ભગવાન મહાવીરે કહ્યું કે “શુદ્ધાત્મા સમજણ પાડજો. જે સાધક સાધ્યપણું પ્રાપ્ત કરે, તેને સાધ્યપણામાં શુદ્ધાત્મા જ છે એવું સમજાવજો.” ત્યારે કહે, ‘શુદ્ધાત્મા કહીએ છીએ એને બદલે બીજું કંઈક, આત્મા એકલો કહે તો ના ચાલે ત્યારે કહે, “ના ચાલે. કારણ કે કંઈક એવો કર્મનો ઉદય આવશે, તે ઘડીએ એને પોતાને જ એમ લાગશે કે મેં આવું કર્યું, મેં આવું કર્યું’ એમ કહેતાંની સાથે જ એ લટક્યો. કારણ કે કર્તા કોણ છે ? વ્યવસ્થિત. કોનું કર્યું ? તો કહે, રિલેટિવનું. હું રિયલ છું. હવે આત્માનો ગુણ શો ? ત્યારે કહે, જેવું ચિંતવે તેવો થઈ જાય. એટલે જો શુદ્ધાત્મા ચિંતવન થયું તો શુદ્ધાત્મા રહ્યો અને નહીં તો થઈ જાય પેલો.
આત્મા જેવો ચિંતવે તેવો થાય ! એક આત્મા એકલો જ એવો છે, કારણ કે પોતે જેવી કલ્પના કરેને તેવો થઈ જાય. ‘હું લેફટનન્ટ છું', કહે તો એવો થઈ જાય. ‘હું અજ્ઞાની છું' કહે તો એવો થઈ જાય, ‘હું ક્રોધી છું” કહે તો તેવો થઈ જાય. જેવું કલ્પના કરે તેવો થઈ જાય. તેથી આપણે એમને શું કરાવીએ છીએ ? ‘હું શુદ્ધાત્મા છું’ એ, તો તેવો થતો જાય. આપણે જે દેખાડ્યું છે એ તેવો થતો જાય છે. પાંચ વાક્યો આપ્યાં છે. બધાં પાપ તો છે તે આ ચંદુનાં, તારે શું લેવાદેવા ? એટલે પારકી વસ્તુ આપણે માથે લઈએ તો આપણે પાછાં, તે રૂપ થઈ જઈએ. આ વિજ્ઞાન છે. આત્મા એકલાનો જ સ્વભાવ એવો છે કે જેવો ચિંતવે તેવો થઈ જાય. તરત પાછો, વારેય નહીં. અત્યારે ચંદુલાલ કહે, ‘સાહેબ, હું તો બહુ માંદો થઈ ગયો છું, હું બહુ માંદો.” હું કહું કે “ના, તું ના બોલીશ આવું. આપણે તો એવું કહેવાનું ચંદુલાલ માંદો છે.” આપણે ‘હું માંદો’ કહીએ એટલે આપણે માંદા જ થઈ જઈએ, તે ઘડીએ બોલતાંની સાથે જ. થઈ જાય કે ના થઈ જાય ? ‘અને હું અનંત શક્તિવાળો છુંબોલ જોઈએ, તે ઘડીએ શું થઈ જાય ? અનંત શક્તિવાળો થઈ જાય.
અવળું-સવળું એ પ્રકૃતિ માત્ર ! ‘હું શુદ્ધાત્મા છું' બોલ્યો, ત્યારથી નિર્વિકલ્પ થવા માંડે અને તે સિવાય બીજું કંઈ બોલ્યો, હું આમ છું, તેમ છું” એ બધું વિકલ્પ. એનાથી બધો સંસાર ઊભો થાય. અને પેલો નિર્વિકલ્પ પદમાં જાય. હવે તેમ છતાંય છે તે આ ચંદુભાઈને તો બેઉ કાર્યો ચાલુ રહેવાનાં. સારાં ને ખોટાં બેઉ ચાલુ રહેવાનાં કે નહીં રહેવાનો ? અવળું-સવળું બેઉ કર્યા વગર રહે નહીં, પ્રકૃતિનો સ્વભાવ. કોઈ એકલું સવળું કરી શકે નહીં. કોઈ થોડું અવળું કરે, કોઈ વધારે અવળું કરે. ના કરવું હોય તોય થઈ જવાનું એટલે એ શું કહે છે કે “તું શુદ્ધાત્મા છું’ એ નક્કી કરીને આ બધું અવળું-સવળું ‘જો’. કારણ કે તેને અવળું થયું એટલે તારા મનમાં એમ કલ્પના નહીં કરવાની કે મારે અવળું થયું. શુદ્ધાત્મા મારો બગડ્યો. શુદ્ધાત્મા એટલે મૂળ તારું સ્વરૂપ જ છે. આ તો અવળું-સવળું થાય છે, એ તો પરિણામ આવેલાં છે. પહેલાં ભૂલ કરી’તી તેનાં પરિણામ છે. એ પરિણામને જોયા કરો, સમભાવે નિકાલ કરો અને અવળું-સવળું તો અહીં આગળ લોકોની ભાષામાં છે. ભગવાનની ભાષામાં અવળું-સવળું કશું છે નહીં.
તો ય શુદ્ધાત્મા શુદ્ધ જ ! પ્રશ્નકર્તા : કાયમ ‘શુદ્ધાત્મા છું” એવું ભાન રહેવું જોઈએ.
દાદાશ્રી : “શુદ્ધ જ છે' એ ભાવ છૂટે નહીં. અને સામો આપણને ગાળ ભાંડતો હોય ને માર મારતો હોય તોય એ ‘શુદ્ધ જ છે” એવો ભાવ ના છોડવો જોઈએ.
પોતે શુદ્ધ જ છે. ચંદુભાઈના હાથે કંઈ જીવ મરી ગયો તો પણ પોતાની શુદ્ધતા ન ચૂકે, એનું નામ જ્ઞાન કહેવાય. પોતાને ભ્રાંતિ ઉત્પન્ન ના થાય કે આ મેં માર્યો. કારણ કે મારનાર આપણે છીએ જ નહીં. શુદ્ધ સ્વરૂપ છીએ આપણે. કર્તા-ભોક્તા આપણે છીએ જ નહીં. કર્તા-ભોક્તા છે તેનો આ ગુનો છે. એટલે તમારે તો ચંદુભાઈ શું કરે છે એ જોયા કરવાનું. અને જીવ તેમના હાથે મરી જાય તો આપણે જરા સલાહ