________________
આશાની મહત્વતા
૫૧
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
આમને આપી હોય તો આ લોકો શું કરે? મેં તો સહેલી આપી છે, જરાય અઘરી નથી, ઊલટું પાન ખાવાની છૂટ આપી.
જ્ઞાની પાસેથી આજ્ઞા લેવી નહીં અને લેવી તો પાળવી પૂરેપૂરી. જ્ઞાનીની આજ્ઞા એ તો સચોટ વસ્તુ કહેવાય, ભેળસેળ વગરની. નિર્ભેળ વસ્તુ કહેવાય. પાળી તો કામે ય કાઢી નાખે અને જો મહીં બગાડ કર્યો હોય તો બગડી ય જાય.
તમે ગોળ લો ખરા ? શ્રીખંડમાં ગોળ ? હવે એમાં શ્રીખંડ ના ખાધો, દાળ-ભાત-શાક બધું ખાઈ લે તો શું વાંધો ? પછી બે-ચાર જણને પાછું કહ્યું કે કોઈ આવુંતેવું કરશો નહીં. કોઈ ખાંડની બાધા લેશો નહીં. હું તો બહુ હેરાન હેરાન થઈ ગયો. આવું ના બોલાય. આજ્ઞા લીધી હોયને, તે એવું કશું બોલાય નહીં.
આવું મન બગડી જાય, એના કરતાં આજ્ઞા ના લેવી સારી. અને લે તો ચોખ્ખી રાખવી, કરેક્ટ, સાચી જોઈએ.
જ્ઞાની પુરુષ પોતે કરેક્ટ કહેવાય. કરેક્ટ એટલે તીર્થકર જેવા કરેક્ટ કહેવાય. ફક્ત એક-બે-ચાર માર્કે નાપાસ થયા, માટે કંઈ ગુનો નથી. બીજી બધી રીતે તીર્થંકર જેવા કરેક્ટ. નાપાસ થયા માટે કંઈ ગુનો છે ? તમારે બધાંને કામ લાગ્યા. નાપાસ ના થયા હોત તો અહીં તમારે ભાગે ય ક્યાંથી આવત ?
આ આજ્ઞા છે દાદા ભગવાનની ! અને દાદાની આજ્ઞા પાળવી એટલે આ ‘એ. એમ. પટેલ ની આજ્ઞા નથી. ખુદ દાદા ભગવાનની, જે ચૌદ લોકનો નાથ છે એમની આજ્ઞા છે. એની ગેરન્ટી આપું છું. આ તો મારી મારફત બધી વાત નીકળે છે આ. એટલે તમારે એ આજ્ઞા પાળવાની. આ પાંચ વાક્યો મહાવીરના ય નહીં, દાદાના નહીં, એ તો વીતરાગોના વખતથી ચાલ્યાં આવે છે. દાદા તો નિમિત્ત છે.
અમારી હાજરીમાં આ અમારી પાંચ આજ્ઞા પાળને, અગર તો અમારો બીજો કોઈ શબ્દ, એકાદ શબ્દ લઈ જશેને તો મોક્ષ થઈ જશે. એક જ
શબ્દ, આ અક્રમ વિજ્ઞાનનો કોઈ પણ એક શબ્દ ઝાલી પાડે અને એની મહીં વિચારણામાં પડ્યો, આરાધનામાં પડ્યો તો એ મોક્ષે લઈ જશે. કારણ કે અક્રમ વિજ્ઞાન એ સજીવન જ્ઞાન છે, સ્વયં ક્રિયાકારી વિજ્ઞાન છે. અને આ તો આખો સિદ્ધાંત છે. આમાં કોઈ પુસ્તકનું વાક્ય જ નથી. એટલે આ વાતનો એક અક્ષરેય જો સમજેને, તો એ બધા અક્ષર સમજી ગયો તે !
આજ્ઞા પાળે કોણ ? પ્રશ્નકર્તા : પુરુષે પુરુષાર્થ શું કરવાનો હોય છે ?
દાદાશ્રી : આ આજ્ઞારૂપી, બીજો કયો ? તમારે આજ્ઞારૂપી, મારે આજ્ઞા વગર. એની એ જ વસ્તુ. મારે આજ્ઞા વગર થાય, તમારે આજ્ઞાથી થાય. છેવટે પછી આજ્ઞા જતી રહેશે ધીમે ધીમે અને તેનું મૂળ રહી જશે, જેમ જેમ પ્રેક્ટિસ પડશે તેમ તેમ !
પ્રશ્નકર્તા : દાદા, આપે અજ્ઞાન દૂર કરીને પુરુષ બનાવ્યા, તે પુરુષ કયો ભાગ કહેવાય ?
દાદાશ્રી : જ્ઞાન એ જ પુરુષ અને અજ્ઞાન એ છે તે પ્રકૃતિ. જ્ઞાનઅજ્ઞાનનું ભેગું સ્વરૂપ એ પ્રકૃતિ અને જ્ઞાન એ જ પરમાત્મા, એ જ પુરુષ.
પ્રશ્નકર્તા : પરમાત્માનો જ્ઞાતા-દ્રષ્ટાનો સ્વભાવ ખરો કે ?
દાદાશ્રી : મૂળ એનો સ્વભાવ જ જ્ઞાતા-દ્રષ્ટાનો. પણ પુરુષ એટલે શું? હજુ પુરુષોત્તમ થયો નથી. પુરુષોત્તમ થાય એ પરમાત્મા કહેવાય. આ પુરુષ થયા પછી એ પુરુષોત્તમ થઈ રહ્યો છે.
પ્રશ્નકર્તા : આત્મા તો શુદ્ધ જ છે, પછી એને પુરુષોત્તમ થવાનું ક્યાં રહ્યું ?
દાદાશ્રી : આત્મા શુદ્ધ છે તે તો તમારી પ્રતિતીમાં છે, નહીં કે તમે થઈ ગયા છો. તમારે થવાનું છે એવું. શી રીતે થવાનું? ત્યારે કહે, આજ્ઞા પાળીને.
પ્રશ્નકર્તા ઃ આજ્ઞા કોણ પાળે છે ? પ્રતિષ્ઠિત આત્મા પાળે છે ?