________________
આશાની મહત્વતા
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પાંચ આજ્ઞા પાળે, એનું નામ જ્ઞાન પામ્યો કહેવાય અને પાંચ આજ્ઞા ના પાળે એ કશું જ્ઞાન પામ્યો જ નથી. જ્ઞાન તો બધું હિસાબ વગરનું હોય પણ આજ્ઞા ના પાળે તો કશુંય નહીં.
ખપે લક્ષ આજ્ઞા પાળવાતું ! આપણે તો દાદા પાસે જ્ઞાન જાણ્યું છે ને, એટલું જ જાણવાનું. આ તો મનમાં એમ થાય કે હજુ તો આપણે જાણવાનું બધું બહુ બાકી છે. ના, કશું જાણવાનું બાકી નથી. આ જેટલું કહ્યું એટલું જ જાણો. આ તો બીજું કરવા જાય તો પેલી મૂળ વસ્તુ ભૂલી જાય.
આપણે તો પાંચ આજ્ઞા પાળે કે મોક્ષ. બીજો બધો તો ડખો કહેવાય. પછી આજ્ઞા ઓછી-વધતી પળાય તેનો વાંધો નહીં પણ પાંચ આજ્ઞાનું લક્ષ રહેવું જોઈએ. જેમ આ અહીં આગળ રોડ ઉપર ડ્રાઈવીંગ કરે છે, એના લક્ષમાં જ હોય કે ટ્રાફિકના કાયદા શું છે ! તે લક્ષમાં જ હોય, નહીં તો અથડાઈ પડે. અહીંનું અથડાયેલું દેખાય પણ ત્યાંનું અથડાયેલું દેખાય નહીંને ! ને કચ્ચરઘાણ વળી ગયો હોય. લોકોને ખબર ના પડે.
નિશ્ચય જ ખપે આજ્ઞા માટે ! આજ્ઞા ના પળાય તેનો વાંધો નથી પણ નથી પાળવી એવું મનમાં ના હોવું જોઈએ. પાળવાનો નિશ્ચય બસ કે મારે પાળવી જ છે. પછી ન પળાય તેનો ગુનો તમને લાગુ નથી થતો. તમે પાળવી છે એવું નક્કી કર્યું છે એને માટે જવાબદાર હું ! પછી ન પળાય એની જોખમદારી અમારે માથે આવે. તમે નક્કી કર્યું ને પછી નથી પળાતી, એમાં કોણ ગુનેગાર ?
હું એમ નથી કહેતો પાંચેય આજ્ઞા પાળો. પાંચ નહીં એક પળાય તોયે બહુ થઈ ગયું. અને તમારે ફક્ત ‘પાંચ આજ્ઞા પાળવી છે” એવું નક્કી રાખવાનું છે, એ દ્રઢતા તમારી એકુંય દહાડો તૂટવી ના જોઈએ. અને આના સામાવાળિયા થવું છે, એવું ના થવું જોઈએ.
સ્વમાં સતત રાખે પંચાજ્ઞા ! પ્રશ્નકર્તા : સ્વમાં સતત કેમ રહેવાય ?
દાદાશ્રી : પાંચ આજ્ઞા આપી છે એમાં રહે એટલે સ્વમાં સતત જ રહેને ! એ પાંચ આજ્ઞામાં જો સતત રહ્યો, એક દહાડો રહ્યો તો, એક દહાડો મારા જેવી સ્થિતિ થાય એની. હું ય પાંચ આજ્ઞામાં જ રહું છું અને તમેય પાંચ આજ્ઞામાં રહો છો. જો તમે એક દહાડો આજ્ઞામાં રહો તો તમે એક દહાડાના દાદા થઈ ગયા. બે દહાડા આજ્ઞામાં રહો તો બે દહાડાના દાદા. હું નિરંતર જે આજ્ઞામાં રહું છું, તે આજ્ઞામાં તમને રાખું છું. મારે આજ્ઞામાં રહેવું નથી પડતું. આજ્ઞા તો મારી છે પણ હું જે રસ્તે ચાલ્યો છું એ રસ્તા પર જ તમને ચલાવડાવું છું, બીજો રસ્તો નથી. એટલે શોર્ટકટ છે ને, નહીં તો બીજો શોર્ટકટ હોય ક્યાંથી ?
વીરલો પામે વિશેષ આજ્ઞા ! તમારા મનમાં એમ ના થવું જોઈએ કે આખો દહાડો રોજ સત્સંગ કર કર કરાવે છે. એટલો બધો મનમાં વિચાર કરવો કે ઓહોહો ! મારી ઉપર આજ્ઞા થઈ ! નહીં તો આજ્ઞા જ ક્યાંથી લાવે ! આજ આજ્ઞા થઈ આ દાદાની !
આપણે તો પ્રેમની ખાતર કરવું છે. આપણા પોતાના માટે કરવું છે. આજ્ઞા એ જ ધર્મ છે અને એનાથી જ મોક્ષ થાય. તમે એક બહારગામથી અહીં આવો અને એક જ કલાકમાં વિધિ કરીને પછી હું કહું કે જાવ પાછા, તો મનમાં એટલો બધો આનંદ થઈ જવો જોઈએ કે ઓહો, મને આજ્ઞા મળી ! એટલે પાળું જ, એવું નક્કી થવું જોઈએ. તે વખતે જે આનંદ થશે ! અહીં તો શું કરો તમે ?
પ્રશ્નકર્તા : દાદાએ કહ્યું એટલે કરેક્ટ, એમ કરીને જ જતા રહીએ. દાદાશ્રી : ના. પણ એનો અર્થ નહીં, એ લાભ ના થાય તે વખતે. પ્રશ્નકર્તા : હા, આ સમજ હોવી જોઈએ.
દાદાશ્રી : “મને આજ્ઞા મળી ! એ આજ્ઞા તો મને જીંદગીમાં મળે નહીં કોઈ દહાડો.” એટલી બધી આજ્ઞાની કિંમત છે. કોઈ જગ્યાએ મને ના પાડે નહીં. માટે આજ્ઞા મળી ! કેટલું મોટું ઉજળું મારું પુણ્ય હશે !