________________
ખાવા-પીવામાંથી સુખ ના લે વિ. ઉપાયો કરતાં. કારણ એમને લક્ષમાં જ હોય કે બધું બાહ્યસુખ ઊછીનું છે. રીપે (ચૂક્ત) કરવું જ પડશે. મનથી ભોગવેલું સુખ એટલે ખાય-પીવે ને મહીં મજા પડે, ટેસ્ટ પડે તે. વાણીનું સુખ એટલે ધણી ટૈડકાવે ને પછી થોડીક જ વારમાં મીઠું મીઠું બોલતો આવે તો તે કેવું સરસ લાગે એ વાણીનું સુખ.. પુદ્ગલમાંથી રસ ચાખે, તેનાથી કેવળજ્ઞાન અટકે. મહાત્માઓને એની ખબર જ પડતી નથી. આ ઊંઘમાંથી, ખોરાકમાંથી, માનમાંથી, સગવડોમાંથી, વિષયમાંથી કેટલો બધો રસ હજુ લેવાય છે ? આ ખોટું છે એવી પ્રથમ પ્રતીતિ બેસે પછી એમાંથી રસ લેવાનું ઓછું થતાં થતાં ખલાસ થાય. મહાત્માઓને જ્ઞાન મળે એટલે સંસારના તમામ દુઃખોનો અભાવ વર્તાવા માંડે છે. એ પહેલા સ્ટેજનો મોક્ષ. પછી દેહ પણ ન રહે. કેવળ આત્માનું જ સુખ વર્તવા માંડે, તેને સ્વભાવિક સુખનો સદ્દભાવ જ હોય, તે બીજા સ્ટેજનો, સિદ્ધક્ષેત્રનો મોક્ષ કહેવાય.
[૧૦] સમજ, ધ્યેય સ્વરૂપની ! વાસ્તવિકતામાં હેતુ શબ્દ સંસાર માટે વપરાય અને ધ્યેય શબ્દ આત્મા માટે. આત્મા એ જ ધ્યેય છે. ધ્યેય એક જ હોવો જોઈએ કે મારે શુદ્ધ જ થવું છે. એ સિવાય બીજું કંઈ જ ના હોવું જોઈએ. ‘મારે દાદા જેવા થવું છે, તીર્થંકર થવું છે” એ બધાંથી પણ ઊંચો ધ્યેય એટલે મારે આત્માસ્વરૂપે જ રહેવું છે, મોક્ષ સ્વરૂપમાં જ રહેવું છે એ. અને એના માટે દાદાની પાંચ આજ્ઞામાં રહે તો પૂર્ણાહૂતિ થાય. જ્ઞાન મળે એટલે આત્માનો ધ્યેય પ્રાપ્ત થયો અને આત્મા જ્ઞાતા થયો. હવે એટલે ધ્યેયપૂર્વક ચાલવાનું. ધ્યાતા ધ્યેયનું ધ્યાન કરે તો ધ્યેય સ્વરૂપ થઈ જવાય. ભયંકર ઠંડી-ગરમીના કે બીજા પરિષહ આવે, તેમાંથી બચવાના ઉપાય કરવાને બદલે આત્મામાં જ ઘૂસી જાય તો મોટો ઊઘાડ થઈ જાય. ધ્યેય અને નિશ્ચયમાં બહુ ફેર. નિશ્ચય નાની વસ્તુ છે, જ્યારે બેય એટલે આત્મા પ્રાપ્ત કરી મોક્ષે જ જવું તે.
[૧૧] સત્સંગનું માહાભ્ય ! જ્ઞાનવિધિ પછી આત્મામાં વિશેષ રહેવા સત્સંગમાં આવવાની ખૂબ જરૂર
છે. જેમ ધંધા પર ધ્યાન ના આપીએ તો ? તેમ આત્મા માટે સત્સંગમાં જવું પડે. ઘણાં કહે છે કે હું ઘેર સત્સંગ કરી લઉં છું, ચોપડીઓ વાંચી લઉં છું. તો પછી સ્કૂલમાં જવાની કોઈનેય શું જરૂર ? નિશ્ચય સ્ટ્રોંગ રાખવો કે સત્સંગમાં જવું જ છે, તો અનુકૂળતા થઈ જ જાય. અને દાદાશ્રીની તો ગેરન્ટી હતી કે અહીં સત્સંગમાં આવો તો ધંધામાં ખોટ નહીં જાય. આત્માનો સત્સંગ અહીં છેલ્લામાં છેલ્લા સ્ટેશનનો છે. આનાથી આગળ કશું જ રહેતું નથી. અહીં ખાલી બેસવાથી જ સ્થળ-સુક્ષ્મ ફેરફાર થઈ જાય. સત્સંગમાં માર પડે, ગાળો મળે તોય સત્સંગ ના છોડાય. આ સત્સંગ આત્માનો છે, જે કરવાથી આત્માના જ એકાઉન્ટમાં જાય. આ સત્સંગ તો એવો છે કે દેવો પણ સાંભળવા આવે ! ભયંકર કર્મોનો ઉદય આવે ત્યારે સત્સંગ કરી લેવો, કર્મો ટાઢા પડી જશે. મહાત્માઓએ પૂર્ણપદની પ્રાપ્તિ માટે શું કરવું ? દાદાની પાસે જીવન કાઢવું એટલું જ. દાદાની વિસીનીટીમાં(દ્રષ્ટિમાં આવીએ એવું) રાત-દહાડો પાસેને પાસે રહેવું. આત્માની વિશેષ જાગૃતિ માટે શું ઉપાય ? સત્સંગમાં પડ્યા રહેવું તે ! કુસંગનો ક્યારેય ભરોસો ના કરાય. સાયનાઈડના પારખાં કરાય ? ઓબેરોય હોટલમાં એક કપ ચા પીવા જાવ. પછી જુઓ, એની અસર ! અરે, એના પગથિયાં ચઢો ત્યાંથી જ અસર થવા માંડે. એક કળી લસણને ઘીમાં ગરમ કરે તો બહાર શું અસર થાય ? કુસંગમાંથી સત્સંગ ભણી લઈ જાય છે પુણ્ય ! ત્યાં આત્મા કે પ્રજ્ઞા નહીં. મૂળ આત્મા તો કોઈ પણ સંગનો સંગી થતો નથી. સ્વભાવથી જ તે અસંગ છે. તેને લોક અસંગ કરવા દોડધામ કરે છે, બધું છોડીને જતા રહે છે. સત્સંગ એ વ્યવહારમાં જરૂરી છે. સત્સંગમાં પડેલાનો નિવેડો છે, કુસંગમાં પડેલાનો નિવેડો ક્યાંથી આવે ? ઘણાં મહાત્માઓને પ્રશ્ન થાય છે કે અમારી પાછલી જિંદગીમાં જ્ઞાનની પ્રગતિ માટે શું કરવું ? દાદાશ્રી કહે છે કે આખો વખત આજ્ઞામાં કઈ રીતે રહેવાય ? ઘરમાં, બહાર, ધર્મસ્થાનોમાં ડગલે ને પગલે આ કાળમાં કુસંગ પેસી જાય. તેથી એકાવતારી પદની પ્રાપ્તિની તૈયારીમાં જેમણે જિંદગી હોમી છે, એણે તો પાછલી જિંદગી મહાત્માઓના વાસમાં જ વીતાવવી જોઈએ.
48