________________
જપ કરો, દેહને દમન કરો વિ. વિ. આની સામે દાદાશ્રીએ અક્રમ માર્ગમાં તપનો નવો જ અભિગમ આપ્યો છે. એમણે કહ્યું, ‘પ્રાપ્ત તપને ભોગવ’. કળિયુગમાં તપ ઊભાં કરીને કરવાની જરૂર નથી. ઘેર બેઠાં જ ઢગલેબંધ તપ આવવાના. ઘરમાં, ઑફિસમાં, બધે કકળાટ, આખો દહાડો તપ જ હોય છે. કોઈ અપમાન કરી ગયું કે ખીસું કાપી ગયું ત્યાં હૃદય લાલ લાલ થઈ જાય, ભયંકર અકળામણ થઈ જાય, તેને પોતે શાંતભાવે નિકાલ કરી નાખે, કોઈને મનથી પણ સામો એટેક કર્યા વગર, એ ખરું તપ કહેવાય. અને કદાચ મનથી એટેક થઈ જાય તો તેનું હૃદયપૂર્વક પસ્તાવો કરી પ્રતિક્રમણ કરી નાખવાનું ! આર્તધ્યાન-રૌદ્રધ્યાન થવાના પ્રસંગોમાં પણ પોતે સમતામાં રહે ને તેને ના થવા દે, તે ખરું તપ. આને અંતરતપ કહ્યું. તપ બે પ્રકારના - એક બાહ્યતા અને બીજું આંતરતા. જ્યાં જુઓ ત્યાં બાહ્યતપ કરવાનું શીખવાડે ને તે જ કરે. આંતરતપનું મહત્ત્વ દાદાશ્રીએ જ ખૂબ આપ્યું છે. આંતરતપથી મોક્ષ મળે. સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ - એ મોક્ષના ચાર પાયા છે. ‘હું શુદ્ધાત્મા છું' એ સમ્યક્ દર્શન. એનો અનુભવ થાય એ સમ્યક્ જ્ઞાન કહેવાય. અને અનુભવ જેટલા પ્રમાણમાં થાય એટલા પ્રમાણમાં વીતરાગતા રહે એટલું જ સમ્યક્ ચારિત્રમાં ગણાય. અને ચોથા તપનો પાયો. હૃદય લાલ લાલ તપે તેને જુદા રહીને “જોયા’ કરે, તે મોક્ષ અપાવનારું સમ્યક્ તપ કહ્યું. આખું અંતઃકરણ બળવો પોકારતું હોય તોય તેને જુદાં રહીને ‘જોયા’ કરવું, “જાણ્યા’ કરવું એ અંતરતપ, અદીઠ તપ. મોક્ષનું તપ દેખાય એવું ના હોય. આ તપથી કષાયની નિર્જરા થાય. પૂજ્યશ્રી પોતાના વિશે તપની જુદી જુદી વેળાએ જુદી જુદી વાત કરતાં જણાય છે. ક્યારેક અમને નિરંતર તપ હોય તો ક્યારેક અમને તપ જેવું હોય જ નહીં. ત્યાં સુજ્ઞ વાચકને વિરોધાભાસ ભાસિત થાય એમ છે. પણ જુદી જુદી જગ્યાએ, જુદા જુદા નિમિત્તાધીન નીકળેલી વાણી છે. તેથી તેને સમજીને અર્થ કરવી. ‘અમને તપ જ ના હોય’ ત્યાં કહેવાનો અંતરઆશય એ છે કે ગમે તે આજે પણ તેમને હવે માનસિક ભોગવટારૂપી તપ ક્યારેય ના હોય. એ પૂરું થઈ ગયું છે. અને “અમને નિરંતર તપ હોય ત્યાં કહેવાનો આશય એ છે કે જ્ઞાન અને અજ્ઞાનના સાંધાને ક્યારેય એક ના થવા દે, તન્મયાકાર ના થાય, એ સાંધા પર સદા જાગૃત જ રહે. એ અંતિમ
સૂક્ષ્મતમ તપ છે, જે કેવળજ્ઞાનના નજીકના જ્ઞાનીઓને જ નિરંતર હોય એવું દાદાનું સૂક્ષ્મતમ તપ હતું ! તપ શૂરાતનથી કરવાનું છે. મોક્ષનો મારગ છે શૂરાનો. અને આ મોક્ષનું અદીઠ તપ થાય એટલે કે મહીં મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર કૂદાકૂદ કરે, તેને સમતાભાવે ‘જોયા' જ કરી તન્મયાકાર ન થાય. ત્યારે આત્મઐશ્વર્ય જબરજસ્ત પ્રગટ થાય. ઐશ્વર્ય તો દરેક આત્મામાં છે જ પણ તે પ્રગટ થાય ત્યારે પૂર્ણાહુતિ થાય, મોક્ષ થાય !! દાદાશ્રી કહે છે કે અમને શારીરિક દુઃખમાં, સ્વાદમાં, અપમાન કે અગવડમાં જરાય અસર ના થાય. ભયંકર વેદના થતી હોય ત્યારે તેને ‘અમે’ ‘જાણીએ'. છતાંય તીર્થકરોને સંપૂર્ણ હોય ને અમને ચાર ડિગ્રી ઓછું હોય ! અંતરતમ પ્યૉરિટીથી કરવું તેથી વધારે પ્યૉર થવાય. તેથી કચરો બળી જાય બધો ! હવે તેમાં આપણે આપણી જાતનું રક્ષણ કરીએ, બચાવ કરીએ, સામા થઈ જઈએ, અરે બચાવનો ભાવ પણ થાય તો એ તપનો પૂરેપૂરો લાભ ના લીધો કહેવાય. લાંચ લીધી કહેવાય. સામા માટે મન પણ જરાક બગડે, ‘મારી જોડે આમ કેમ કર્યું ?' એમ થાય તો એ લાંચ લેવાઈ ગઈ કહેવાય. એટલું તપ કાચું પડ્યું, ફરી એ તપ કરીને નિકાલ કરવો પડશે. ચોખ્ખા થવું પડશે. તપ એટલે બળતરા. એટલે તપ વખતે મહીં બળતરા થાય, તપે. ત્યારે મનને ખોરાક જોઈએ. ઑફકોર્સ મીઠો જ ખોરાક જોઈએ. મહીં ચિંતા થતી હોય ત્યારે એને આત્મભાવે ‘જોવાને બદલે સિનેમા જોઈ આવે, ટીવી જુએ, મોજ કરે, તે સોની નોટના બે રૂપિયા કરી નાખ્યા ને તપ કરે તો સોના હજાર થઈ જાય ! આવા અકળામણના સમયે બધાના શુદ્ધાત્મા જોવા નીકળી પડીએ, ત્રણાનુબંધીઓના પ્રતિક્રમણ કરીએ તો અંદરની મોટી કમાણી થઈ જાય. ઘણીવાર મુશ્કેલીઓ આવે, શરીર માંદું પડે, તાવ આવે તો આપણે કોઈને વાત કરીએ ને આશ્વાસન મેળવીએ, તેનાથી તપ કરવાનું કાચું રહી જાય. દાદાશ્રી કહે છે કે “અમે આવું તપ સહેજેય જતું ના કરીએ. અમને તો તપ જેવું જ ના લાગે. ઉપરથી ઈનામ જેવું લાગે. આવું તપ તો અમે ખોળીએ.’ અને ખરેખર દાદાશ્રીએ આખી જિંદગીમાં ક્યારેય કોઈને શરીરની તકલીફો જાણવા નથી દીધી. ઊઘાડી દેખાય તોય “કંઈ જ નથી મને એમ કરી ઉડાડી દેતા. અને બધાંને શીખવાડતા કે તમેય ભાવના કરો તો તમનેય પ્રાપ્ત થશે. ‘મારાથી તપ નથી થતું બોલ્યા કે બગડ્યું. બહુ ત્યારે વિવેકપૂર્વક, જ્ઞાનપૂર્વક