________________
૩૭૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
[૧૨] નિર્ભયતા, જ્ઞાનદશામાં !
છૂટે જ્ઞાતીના સંગથી તમામ ભયો ! પ્રશ્નકર્તા : દાદા, ભયની ગાંઠ કેવી રીતે ઓગાળાય ? દાદાશ્રી : આપણું જ્ઞાન મળ્યા પછી ભય બધા ઓછા થઈ જાય. પ્રશ્નકર્તા : કાલ્પનિક રીતે કોઈને આમ ભય રહેતા હોયને ?
દાદાશ્રી : ના. ઘણાખરા ભય, એટલે જે મોટા હાઉ, ભય લાગતા હતા, એ બધા ઊડી જાય.
પ્રશ્નકર્તા : પણ આમ બિલકુલ નિર્ભય ક્યારે થાય ?
દાદાશ્રી : નિર્ભય તો, જ્ઞાની પુરુષની જોડે રહેવું પડે. બે મહિનાચાર મહિના ભેગા રહેવું પડે. જોડે ને જોડે રહેને એટલે પેલો ભય પછી ઊડી જાય બધો. ભય એ પોતે કંઈ ‘વસ્તુ નથી, સમજફેરથી છે. પણ તે જ્ઞાની પાસે રહેવાથી માલૂમ પડી જાય કે આ સમજફેર થઈ અને પેલું એકલા રહેવાથી સમજફેરનું ત્યાં ગૂંચાઈ જાય.
પ્રશ્નકર્તા : જે ભરેલો માલ હોયને, એ ભરેલો માલ નીકળતો... દાદાશ્રી : આ નવો માલ નથી, ભરેલો માલ છે એટલે નીકળી
જવાનું એ બધું. આપણે અહીં માર્ગ જ એવો છેને કે બધું નીકળતું જ જાય. એક પછી એક નીકળતું જાય. નીકળ્યા જ કરે બધો !
નિર્ભય બધું સંપૂર્ણપદ આપ્યું. માર્ગ જ એવો સુંદર ને સ્વતંત્ર, ઇન્ડિપેન્ડન્ટ માર્ગ. એક તો કેટલા બધા ભય કાઢવા માટે તો ‘વ્યવસ્થિત’ આપી દીધું. કેટલા બધા ભય દૂર કરી દીધા ! કોઈ ભય રાખવાનું કારણ નથી.
પ્રશ્નકર્તા : કેટલા બધા ભય કાઢવા માટે વ્યવસ્થિત આપ્યું. પણ બધા જ ભય કાઢવા માટે વ્યવસ્થિત છેને ?
દાદાશ્રી : હા. પણ તે વ્યવસ્થિત જેટલું સમજાતું જાય તેમ બીજા ભયો જતા જાય અને વ્યવસ્થિત સંપૂર્ણ સમજાય એટલે કેવળજ્ઞાન થઈ જાય.
પ્રશ્નકર્તા : હા. એટલે સંપૂર્ણ વ્યવસ્થિત સમજાય, એટલે બધા પ્રકારનો ભય જતો રહેને ?
દાદાશ્રી : જવા જ જોઈએ. વ્યવસ્થિતને જેમ છે તેમ જાણવું, તેથી બધા ભય જતા રહે. આટલે સુધી તો જાણ્યું આપણે. હવે જોડે બેસવાથી જાણતા જઈશું. કોઈ વખત પંદર દહાડા ભેગું રહેવાનું થાય તો ઘણું બધું જાણી લેવાય. તૈયારી કરી રાખી હોય તો પછી પંદર દહાડા ભેગું રહેવાનું થાય. જોડે બેસવાનું, જોડે ખાવાનું, જોડે પીવાનું, જોડે સૂઈ જવાનું, જોડે વાતો કરવાની. એક જ મકાનમાં હોઈએ.
ચકલાં ફફડે એમ તરફડાટ-તરફડાટ. ઘણા ખરાં તરફડાટ ઊડી ગયા છેને ? આ જ્ઞાનથી ઊડી ગયાને બધા ? પ્રશ્નકર્તા : હા, ઊડી ગયા બધા.
ભયતી સાથે રક્ષણ હોય જ ! દાદાશ્રી : હવે જ્ઞાન વધે છે કે નહીં, તે બધું કહોને. એવી વર્ધમાન સ્થિતિ કહોને !
પ્રશ્નકર્તા : જ્ઞાનની તો વર્ધમાન સ્થિતિ છે. પણ જેટલી જાગૃત અવસ્થા થાય, તો એનો ભય એય વધારે પેદા થાયને ?