________________
પુદ્ગલ સુખ - આત્મસુખ
૩૫૧
ઉપર
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : ફેર ખરો. આ દુઃખનો અભાવ થયોને એ બહુ નિરાંત જેવું લાગે. અને પેલો સુખનો સદ્ભાવ થવો એ તો વાત જુદી જ છે. સ્વાભાવિક સુખમાં આવ્યો. દુ:ખનો અભાવ થવો એ સ્વાભાવિક સુખ નથી.
પ્રશ્નકર્તા : સુખનો સદ્ભાવ જે થવાનો, તે એના પુરુષાર્થ ઉપર રહ્યુંને ?
દાદાશ્રી : માલ અંદર ખલાસ થાય તો.
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષનો સહવાસ મળ્યા કરે તો એ બધો માલ ઑટોમેટિકલી ખાલી થયા જ કરે.
દાદાશ્રી : તો ખાલી થઈ જાય, એ જ રસ્તો. બીજો કોઈ રસ્તો નથી. એમનો જોગ મળે તો બહુ થઈ ગયું.
મોક્ષ, પ્રથમ સ્ટેજતો ! આ જ્ઞાન શું છે ? સંસારમાં મુક્તિ છે. આ મુક્તદશા સંસારમાં. સંસારમાં બેઠા મોક્ષ, વીતરાગતા. રાગ-દ્વેષ નહીં થાય હવે, હવે સંસારમાં મોક્ષ એટલે શું, એનો અર્થ સમજાવું તમને. તમે જે ખોળો છો, તે હમણે ખોળશો નહીં. એ તો એની મેળે આવી ઊભું રહેશે. સંસારમાં મોક્ષ થવો એટલે સંસારના દુઃખોથી મુક્તિ !
આ જગત આખું દુઃખથી જ પીડાઈ રહ્યું છે અને માગણી શું કરે છે, “હે ભગવાન, મને આ દુઃખથી મુક્ત કર.” આ સર્વ દુઃખોનો ક્ષય કરનારો વીતરાગ માર્ગ, એ સર્વ દુઃખોનો ક્ષય થઈ ગયો છે હવે. પણ પેલું ઉત્પાદન ચાલુ થયું નથી. શાથી ? પાછલાં ઓવરડ્રાફટ લઈને આવ્યા છો, તે બેંકમાં ભરવા પડે છે રોજેરોજ. પાંચ-દશ વર્ષમાં પૂરા થઈ જશે. આ ઓવરડ્રાફટ લાવ્યા છે, કોઈ વધારે ઓવરડ્રાફટ લાવ્યો હોય તો દશ-પંદર વર્ષમાં પણ પૂરું થઈ જશે. તે આ દુઃખોથી મુક્તિ, એનું નામ પહેલો મોક્ષ ! સંસારમાં બેઠા મોક્ષ અને પછી સ્થળ દેહથી મુક્તિ એ છેલ્લો મોક્ષ. એટલે એ ખોળશો નહીં, એની મેળે આવીને ઊભું રહેશે. આપણા ઓવરડ્રાફટ ભરાઈ જશે એટલે !
અનુભવ્યો આત્માનો આનંદ ! જ્ઞાન લેતાં પહેલાં જે આનંદ હતોને, તે તો વિનાશી આનંદ હતો. જ્ઞાન પછી હવે સાચો આનંદ ઉત્પન્ન થાય. પહેલાં અમારા સત્સંગથી અને વાતચીતથી આનંદ થાય, પણ એ કાયમ ટકે નહીં. હવે આ પોતાનો સ્વભાવિક આનંદ ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા ઃ આનંદ એટલે સુખ ના કહેવાય ?
દાદાશ્રી : ના. આનંદ અને સુખમાં તો બહુ ફેર. સુખ એ જોયેલું હોય, પડછાયો પણ ન્હોય, આ સુખ તો વેદના કહેવાય. જેને સુખ આપણા લોકો કહે છેને, તે વેદના કહેવાય. આ મીઠી વેદના અને કડવી વેદના પણ બેઉ વેદના છે.
પ્રશ્નકર્તા : આનંદ આવે છે તે ક્યાંથી આવતો હશે ?
દાદાશ્રી : આત્માનો સ્વભાવ જ આનંદ છે. એટલે બહારથી લાવવાનો નથી. જો આત્મરૂપ રહે તો આનંદ જ નિરંતર રહે. બહારથી કંઈ લાવવાનો નથી અને શાંતિ બહારથી લાવવી પડે. જલેબી ખાય ત્યારે એને શાંતિ થાય.
પ્રશ્નકર્તા : પછી એ આનંદ કેમ જતો રહે છે ?
દાદાશ્રી : જતો જ રહે ! બરોબર પૂરેપૂરું કરી લઈએ નહીં એટલે. નિરંતર આત્મસ્વરૂપ રહેવું, એવું કરી લેવું જોઈએ. એટલે એ પાકું કરી લે એટલે પછી પૂરું, તે કાયમ રહે. નિરંતર આત્મામાં જ રહેવું જોઈએ. રમણતા જ આત્માની હોવી જોઈએ.
પ્રશ્નકર્તા : તો પછી વ્યવહારમાં ગોટાળો થઈ જાયને ?
દાદાશ્રી : વ્યવહાર જેને ના જરૂર હોય તો જ એ આત્મામાં રહેને ! વ્યવહાર તો પૂરો કરવો પડશેને ! એટલે જ જરા ઓછું સુખ થાયને ? પછી એમ કરતાં કરતાં વ્યવહાર પૂરો થઈ જાય એટલે પછી સુખ આવે. નિરંતર આત્મરમણતા જોઈશે.