________________
પુદ્ગલ સુખ – આત્મસુખ
૩૪૯
૩૫૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : સત્સંગમાં એક વાત થયેલી કે પહેલો દુ:ખનો અભાવ થતો જાય અને પછી સુખનો સદ્ભાવ લાગે. તો એ જે દુઃખના અભાવની પ્રક્રિયા પૂરી ના થાય, ત્યાં સુધી પેલો સુખનો સદ્ભાવ આવે જ નહીં ?
દાદાશ્રી : જગતમાં દુ:ખનો અભાવ એને જ સુખ કહે છે. કારણ કે સુખ બીજું હોય નહીંને ! પેલું તો પરમાનંદ ઉત્પન્ન હોય, સ્વાભાવિક આનંદ હોય.
પ્રશ્નકર્તા : પણ એ આનાથી જુદો હોય ને ? આ દુઃખના અભાવને લીધે જે સુખ લાગે, એનાથી જે સુખનો સદ્ભાવ હોય, એ તદન જુદી જ પ્રક્રિયા હોયને એ ?
દાદાશ્રી : એ સુખ જ નહીં. એ તો સ્વાભાવિક આનંદ, બધા પ્રકારનો આનંદ રહ્યા કરે છે.
પ્રશ્નકર્તા : એ અત્યારે જે દુઃખના અભાવને લીધે સુખ લાગે, એટલે પેલા આનંદની પ્રક્રિયા અત્યારે સમજમાં ના આવે.
દાદાશ્રી : એવું છેને, સોનું શુદ્ધ થયેલું હોય છતાં ભઠ્ઠીમાં હોઈ શકે. છતાંય શુદ્ધ થયેલા સોનાને કશું અસર ના થાય ભઠ્ઠીમાં. પણ પછી બહાર નીકળીને લગડી થાય ત્યારે કેવી હોય ? ભઠ્ઠી છૂટી જાયને ? એવું આ ભઠ્ઠી છે ખરી. ભઠ્ઠીનું દુ:ખ નથી. દેહ હોય પણ દેહનું દુઃખ ના હોય.
જગત આખું દુ:ખનો અભાવ ખોળે છે. દુઃખના અભાવને સુખ કહે છે. એ ખરી રીતે સુખ મળતું નથી. બે દુઃખ થાય તેની વચ્ચેની જગ્યાને આપણા લોકો સુખ કહે છે. હમણે દુઃખ ઉત્પન્ન થયું ને પૂરું થઈ ગયું અને બીજું ઉત્પન્ન થયું નથી, ત્યાં સુધી એટલામાં સુખ લાગ્યા કરે. ખરેખર સુખ હોતું નથી. પણ દુ:ખ નહીં, દુ:ખનો અભાવ એ જ સુખ. એવું સુખ ખોળે છે લોકો. અને આત્મા સ્વભાવિક રીતે જ સુખિયો છે. પણ ભઠ્ઠીમાંથી નીકળેલો અને ભઠ્ઠીમાં મહીં હોય તે બેમાં જેવો ફેરફાર, એટલો ફેરફાર આમાં. સુખનો સદ્ભાવ ઉત્પન્ન ના થાય.
પ્રશ્નકર્તા : ભઠ્ઠીમાંથી નીકળેલો એ પેલો સુખનો સદ્ભાવ, દાદા.
દાદાશ્રી: એ આનંદ જ રહે. અને ભઠ્ઠીમાં હોય ત્યાં સુખનો સદ્ભાવ શરૂઆત થઈ જાય, પણ સંપૂર્ણ આનંદ તો જ્યારે છૂટો થાય ત્યારે આવે.
જેટલો છે તે સંસારમાં મહીં ઊતરતો ગયો, એટલું દુઃખ એને વધ્યું. ઊતરે નહીં એટલે દુઃખ નહીં. જ્ઞાન નહોતું ત્યારે તો ધંધો જ એ હતો. આ જ હું ને આ જ મારું. જ્ઞાન લીધા પછી આ હું એ હોય અને આ મારું હોય !
પ્રશ્નકર્તા : એટલે સંસારમાં એટલો ઊંડો ઊતરતો બંધ થઈ ગયો, એના લીધે એને સુખ વર્તાવા માંડ્યું.
દાદાશ્રી : ત્યાંથી જ સુખ વર્તાવાની શરૂઆત. અને પાપો અમે ભસ્મીભૂત કરી નાખ્યાંને ! પાપો ભસ્મીભૂત કર્યો. એટલે બધું હલકું લાગે અને જાગૃતિ રહે, નહીં તો જાગૃતિ જ ના હોય ! જગત આખું ઊંધે છે, એમ કહેલું શાસ્ત્રકારોએ. એ ક્રમિકમાર્ગમાં ઠેઠ સુધી દુઃખ ૨હે, છેલ્લા અવતાર સુધી અને આપણે અહીં આ દુઃખનો અભાવ જ થઈ જાય છે. કારણ કે આખો આત્મા પ્રાપ્ત થયો છે, પેલો તો ક્રમે ક્રમે આત્મા જેટલો બાકી હોય એટલું એને દુ:ખ હોય. અહીં તો અક્રમ એટલે આખોય આત્મા પ્રાપ્ત થાય.
પ્રશ્નકર્તા : પૌગલિક દુઃખનો અભાવ એ દાદાનું જ્ઞાન લીધા પછીથી જ્ઞાન પરિણામ પામે, એટલે તાત્કાલિક એ તો થાય છે જ.
દાદાશ્રી : થઈ જાય છે.
પ્રશ્નકર્તા: હા, પછી હવે જે પોતાના સુખનો જે સદ્ભાવ થવો જોઈએ, એ તે જેમ જેમ આપણે જ્ઞાનની અંદર વિશેષ આજ્ઞાઓ પાળીએ તેમ..
દાદાશ્રી : પાછલો માલ ભરી લાવ્યા છો તે જેમ જેમ ખપતો જાય, તેમ તેમ સદ્ભાવ થતો જાય, ઊઘડતું જાય એ સુખ.
પ્રશ્નકર્તા : હવે પેલું સુખ જે છે એ અને આ સુખ, પેલામાં સાંસારિક દુઃખોનો અભાવ એ સુખ અને આ સદ્ભાવ, એ બે સુખની અંદર કોઈ ફેર હશે ખરો, દાદા ?