________________
ગમે તેવી ચીકણી ફાઈલ હોય પણ આપણે તો ઠેઠ સુધી ભાવને પકડી રાખવો કે મારે એનો સમભાવે નિકાલ કરવો છે. એ ભાવને છોડવો નહીં. પછી જે બન્યું તે વ્યવસ્થિત. પછી ગુનેગાર ‘વ્યવસ્થિત', આપણે નહીં. મહીં આત્માની અનંત શક્તિઓ છે. માત્ર નક્કી રાખવાનું કે મારે ચીકણી ફાઈલનો સમભાવે નિકાલ કરવો જ છે. તે થશે જ. ચીકણી ફાઈલ બહુ ત્યારે બે-ચાર જ હોય ! જેમ ડુંગળીના પડોના પડ હોય તેમ ચીકણી ફાઈલનું હોય. દરેક ફેર સમભાવે નિકાલ કરતાં કરતાં એક એક પડ ખસતું જાય ને અંતે મુક્ત થવાય ! ચીકણી ફાઈલ તો આપણને મોક્ષના માર્ગે ચઢાવે ! દાદાશ્રી એમના ભાભીને કાયમ એમની ચીકણી ફાઈલ કહેતાં કે ‘તમે છો તો આ હું પામ્યો છું'. જ્ઞાન પછી બધાંયને ચીકણી ફાઈલ ઉપકારી છે. ગુંદર ચીકણો કે ચોપડનારા ચીકણા કે પટ્ટી ચીકણી ? જે શુદ્ધ છે, એને ચીકાશ કેમની અડે ? ચીકણાં કર્મો કઈ રીતે ખપે ? શુદ્ધાત્મામાં રહીએ, જ્ઞાતા-દ્રા રહીએ તો જલદી ખપી જાય ! ચીકણી ફાઈલ આવવાની હોય તો તેના આવ્યા પહેલાંથી શુદ્ધાત્મા જોવાના ચાલુ કરી દેવાના. પછી મનમાં નક્કી કરી રાખવું કે એનો સમભાવે નિકાલ કરવો જ છે. પ્રતિક્રમણ કર્યા કરવાનાં. એનાથી સમભાવે નિકાલ થઈ જ જાય. આ ફાઈલોએ જ આંતર્યા છે. સમભાવે નિકાલ થાય કે છૂટી જવાય ! જ્ઞાન મળ્યા પછી નિશ્ચયથી રાગ-દ્વેષ છૂટે છે પણ વ્યવહારથી રહે છે. તો તેને જોયા કરવાનાં, રાગ-દ્વેષ થાય ત્યારે. એનાથી રાગ-દ્વેષ ખલાસ થઈ જશે. સમભાવે નિકાલમાં આપણને અસર ના થાય તે ખાસ જોવું. તેના માટે જ આજ્ઞા પાળવાની છે. આપણો સમભાવ રહ્યો કે એનો નિકાલ થઈ ગયો. ફાઈલ પાછી ભેગી થાય, તે બીજું પડ આવ્યું તેથી. પણ આગળનું તો ગયું જ ! કુટુંબમાં બધાં જ આપણા વિરુદ્ધ હોય ને ગમે તેમ બોલે તો ત્યાં મૌન રહેવું. કાળ ઠંડા પાડશે. સમભાવે નિકાલ કરવા જતાં એકને સારું ને એકને ખરાબ લાગે તો ત્યાં શું કરવું ? આપણે સમભાવે નિકાલ કરવો છે એમ નક્કી રાખવું. પછી જે ડિલીંગ થાય તે સાચું. પછી જવાબદારી ના રહી.
જ્યાં અથડામણ થઈ હોય ત્યાં, છેવટે ગાંડા કાઢીનેય છૂટી જવું. અરે, છોકરા આગળેય ભૂલ થઈ હોય તો સ્વીકારી છૂટી જવું, નહીં તો તે મનમાં ડંખ રાખે ! બાપ ભૂલ સ્વીકારે છોકરા આગળ તો છોકરો કંઈ બાપ થઈ જવાનો છે ! સમભાવે નિકાલ કરતાં ભવિષ્યમાં નુકસાન થશે એવું અંદર ભય લાગે, તેનું શું કરવું ? આપણે નફો-નુકસાન કરવો છે કે મોક્ષે જવું છે ? આ દ્રષ્ટિ તો દુ:ખી કર્યા વગર નહીં રહે. આપણે તો સમભાવે નિકાલની આજ્ઞા પાળવાની છે. પછી જે બન્યું તે કરેક્ટ ! કોર્ટમાં કેસ લડવાનો વખત આવે તો ત્યાં પ્રકૃતિ પ્રકૃતિ જોડે લઢે છે, એમાં આપણે શું ? અને કશું બન્યું જ નથી એમ રહેવું. કોર્ટમાં રાગ-દ્વેષ ના થવા જોઈએ તો વાંધો નહીં. કોર્ટમાં વિવેકપૂર્વક વર્તન કરવું. વિવેકપૂર્વક એટલે સાચું-ખોટું કર્યા વગર વકીલ કહે તેમ કરવું, રાગ-દ્વેષ વગર. પોતે મશીન બનાવ્યું હોય છતાં આંગળી એમાં આવી જાય તો તે છોડે? મિલકત માટેય ભય રાખ્યા વગર સમભાવે નિકાલ કરો. પછી કોર્ટે જવું પડે તોય વાંધો નહીં. વૈષ ના થવો જોઈએ. આપણે પૈસા માગતા હોઈએ પણ તેની પાસે પૈસા ના હોય તો છોડી દેવું. કોર્ટે જાવ, વકીલો કરો, તે ઊલટો ખર્ચો માથે પડે ! સમભાવે નિકાલ કરતાં કરતાં ફાઈલો માટે આપણને અવળા વિચારો આવે તો તેનું તરત પ્રતિક્રમણ કરી નાખવું. એનો પડઘો એના પર પડશે. પ્રતિક્રમણથી આપણો અભિપ્રાય બદલાય છે. એના માટેનો. કુદરતનો એ અજાયબ નિયમ દાદાશ્રીએ આપ્યો કે, છતું કરવાનું ના હોય, ‘કરવાથી’ તો ઊંધું જ થાય હંમેશાં. અને છતું એની મેળે થાય એવો નિયમ છે ! પતિ-પત્ની વચ્ચે જોરદાર વૈમનસ્ય(વર) હોય ત્યાં આ ફાઈલનો સમભાવે નિકાલ કઈ રીતે કરવો ? એકપક્ષી જ જ્ઞાનમાં રહેવું ? કોઈ રીતે સામી વ્યક્તિ સમજતી જ ના હોય તો ? છૂટા થઈ જવાનું ? છૂટા થઈનેય શું સુખી થવાનું ? નક્કી રાખવું કે સમભાવે નિકાલ કરવો જ છે. પછી વ્યવસ્થિત પર છોડી દેવાનું. અને આપણે છૂટવું છે, માટે સામાનું જોવાનું નહીં. એના માટેના અભિપ્રાયો તોડતા જઈએ તો ઉકેલ સરળ થઈ જશે. સમભાવે નિકાલ કરવાની કળા જોઈએ ? કળા નહીં પણ નિશ્ચય જોઈએ.
29