________________
આપણી ફાઈલ નં. ૧ ખાય, તેને આપણે ‘જોયા’ કરવાનું. એની જોડે વાતચીત કરતાં કરતાં પતાવવાનું. ચા-નાસ્તો, જમવાનું જે માંગે તે આપી દઈને છૂટી જવાનું. ચામાં ખાંડ ના આવી તો પી લેવાનું. અક્રમમાં ઉદાસીનતા નહીં પણ ડાયરેક્ટ વીતરાગતા જ પામવાનું છે. જેટલો ફાઈલોનો સમભાવે નિકાલ થયો એટલો વીતરાગ થઈ ગયો.
જ્યારે ક્રમિકમાર્ગમાં વૈરાગ પછી ઉદાસીનતા ને પછી વીતરાગતા આવે ! હોમ ડિપાર્ટમેન્ટની ફાઈલોને ફોરેનમાં કે બીજે ના લઈ જવાય ને ફોરેનની ફાઈલોને હોમમાં ના લઈ જવાય. ઘેર ધંધો યાદ ના કરો, ધંધા પર ઘર યાદ ના કરો ! પાછું કોઈનેય આની ખબર ના પડે ! આત્મામાં રહ્યા તે હોમમાં ને વ્યવહારમાં તે ફોરેનમાં ગયા. ફોરેનમાં સુપરફલ્યુઅસ રહેવાનું છે. આવું જબરજસ્ત અક્રમ વિજ્ઞાન મળ્યું છે, છતાં મોક્ષે કેમ નથી જવાતું અત્યારે ? તો કહે કે પહેલાંના ગુનાઓ હતા, તેના કેસ ચાલવાના બાકી છે. આ બધી ગુનેગારીઓ પૂરી થાય પછી મોક્ષે જવાય ! પોતાના જ દોષો જોવાથી ગુનેગારીમાંથી છૂટાય છે ! તમામ ફાઈલોને એક જ શબ્દમાં મૂકાય અને તે છે સંયોગ ! સંયોગો પાછાં વિયોગી સ્વભાવનાં છે. માટે તેને ‘જોયા' જ કરવાનું. એની મેળે જ છૂટી જશે. જગતમાં શુદ્ધાત્મા ને સંયોગ બે જ છે. શુદ્ધાત્માના જ્ઞાનમાં રહ્યા એટલે બધું સ્વયં ક્રિયાકારી બને છે ! ગમતું કે ના ગમતું - બન્નેનો સમભાવે નિકાલ કરવાનો ! રસ્તામાં ગટરો ગંધાય તો સરકારને ગાળો દેવાય ? નાકે રૂમાલ મૂકી નીકળી જવું, એનું નામ સમભાવે નિકાલ. સળગતા કોલસા આપણા પર કોઈ નાખે તો તે શુદ્ધાત્મા છે ને કોલસા પડ્યા તે આપણા કર્મનો હિસાબ ! આજે એમાંથી એણે આપણને છોડાવ્યા ! ત્યારે આપણને એ વેરવી લાગે ને કોઈ પ્રેમી લાગે ! પ્રતિકૂળ વ્યવહાર આવે તે આપણી શક્તિઓ પ્રગટાવી જાય ! ડ્રામેટિક રહીએ તો ફાઈલોનો સમભાવે નિકાલ થાય. ડ્રામેટિક પાછું હાર્ટિલી હોવું જોઈએ. ફાઈલોનો નિકાલ કરવા આરોપિત ભાવે ‘હું છું” એવો ડ્રામેટિક ભાવ રાખવો ! વ્યવહારમાં કોઈને ઠપકો આપવો પડે તો તેના શુદ્ધાત્માને વિધિ કરી બહાર
બેસાડવા. પછી પુદ્ગલના ગુનાને ઠપકો આપવો કે શિક્ષા આપવી. એના માટે આપણને રાગ-દ્વેષ લગીરેય ન હોવા જોઈએ. પછી આપણને કંઈ જ અડે નહીં સામાનું ! કહોવાયેલાં પપૈયાનો ભાગ કાપીને કાઢી નાખવો, એનું નામ સમભાવે નિકાલ. આપણા ઘરમાં ભેંસ ઘૂસી ગઈ હોય તો તેને, ‘ભેંસબેન, જરા બહાર જતાં રહોને, બહાર જાવને !' એવું કહેવાથી કશું વળે ? ત્યાં તો ભેંસની ભાષામાં વાત કરવી પડે. એને એક ડફણું દેખાડવું કે પછી પગમાં જરાક મારવું તો ભેંસ તરત સમજી જશે ને બહાર નાસી જાય, આનું નામ સમભાવે નિકાલ. નાલાયક માણસ જોડે બહુ વ્યવહાર ના રાખવો. એ એને ઘેર આપણે આપણા ઘેર. આપણા સમભાવે નિકાલનો કોઈ દુરુપયોગ કરે તો ? ‘વ્યવસ્થિત'ની સત્તા કોઈ એકના હાથમાં છે ? કોઈની સ્વતંત્ર શક્તિ નથી. માટે ભડકવાની કોઈ જરૂર નથી. ફાઈલનો સમભાવે નિકાલ કરવો જ છે, છતાં ના થાય તો ત્યાં શું કરવું ? પછી આપણે લેવા-દેવા રહી નહીં. આપણે આજ્ઞા પાળી એટલે આપણે જવાબદાર ના રહ્યા ! સામો ના છોડે તો ? એકતરફી નિકાલ થઈ શકે ? હા, થઈ શકે. કઈ રીતે થાય ? વીતરાગતાથી થાય. ચીકણી ફાઈલ આવતાં પહેલાં જ ડગી જવાય કે આ આપણને નહીં છોડે, એવું ના હોવું જોઈએ. પરિણામ જોવાનું નથી આપણે, ફાઈલનો સમભાવે નિકાલ કરવો છે એમ નિશ્ચય પકડી રાખવાનો છે. પછી આપણી જવાબદારી રહેતી નથી એની ગેરન્ટી ! ચીકણી ફાઈલો હોય ત્યાં મૌન રહેવું ઉત્તમ. છતાંય ફાઈલ ખુશ ના થાય, તો આપણે છેતરાઈનેય ફાઈલમાંથી છૂટી જવું. પણ એક સત્સંગની બાબતમાં આપણે જવાની પકડ પકડી રાખવી. એની જે ખોટ આવશે, તે દેખ લેંગે ! રાગવાળી ફાઈલને કેવી રીતે ભેગી થાય આગળ ઉપર ? ના. એ ફાઈલ તો બીજાના ભાગે બીજા ભવે જતી રહેશે પણ મહીં રાગ રહ્યો તેનો નિવેડો લાવવાનો છે, તેનો નિકાલ કરવાનો હોય છે ! પછી ફાઈલને કંઈ લેવાદેવા ના રહે.
28