________________
કૌશલ્ય જ્ઞાનીને હોય. જ્ઞાનીનું કૌશલ્ય કેવું હોય ? એવી જગ્યા હોય કે એક માણસ બોલે ને સાતને દુઃખ થાય ત્યાં જ્ઞાની એવું કૌશલ્ય વાપરીને એવો શબ્દ બોલે કે બોલનારને દુઃખ ના થાય ને પેલા સાત સાંભળનારાનુંય દુઃખ ઊડી જાય ! કૌશલ્ય એ બુદ્ધિકળામાં જાય. શરૂઆત સમભાવે નિકાલથી કરવાની, તે ધીમે ધીમે વીતરાગતા પરિણમે. વીતરાગોએ આમ જ કરેલું ! સમાધાન વૃત્તિ અને સમભાવે નિકાલમાં શું ફેર ? આપણી વૃત્તિ કેવી હોય કે જ્યાં ને ત્યાં સમાધાન જ ખોળે, ન્યાય જ ખોળે. અને સમભાવે નિકાલ
કરવામાં તો સમાધાન થાય કે ના થાય તોય સમભાવે નિકાલ જ કરવાનો. આપણે કોઈને પાંચસો રૂપિયા ઉછીના આપ્યા હોય ને તે પાછા માંગવા જઈએ તો સામો ઊલ્ટો ગળે વળગે કે ‘તમે ક્યાં આપ્યા છે ? ઊલટા મારા પાંચસો રૂપિયા તમારે મને પાછા આપવાના છે !' હવે આવું હોય ત્યાં જેને છૂટવું છે તેણે ન્યાય ના જોવો ને તરત જ આપી દેવા, તો છૂટાશે. કોઈ દહાડો સમાધાન થાય એમ નથી.
આત્મજ્ઞાન હોય તે જ સમભાવે નિકાલ કરી શકે અને દાદાશ્રીને તે સંપૂર્ણ જ્ઞાનથી નિકાલ થાય.
જ્ઞાની તો આખા બ્રહ્માંડના રાજા હોય એવા દેખાય !
કોઈ થપ્પડ મારે ત્યારે શું કરવું ? ત્યારે ખુશ થવું કે આજે ઈનામ મળ્યું ! અથવા તો એ કોણ છે ? આપણે કોણ છીએ ? કોણ કોને મારે છે ? અને આ બધાયને ‘જોવાનું’. પૂજ્યશ્રીએ તો એક ફેરો ઈનામ કાઢેલું કે ‘કોઈ મને એક ધોલ મારશે, તેને પાંચસો રૂપિયા આપીશું' પણ કોઈ ધોલ મારવા આવ્યું નહીં. આખા જગતના લોકોને લીધે નહીં પણ બસો-પાંચસો ફાઈલોને લીધે મોક્ષ અટક્યો છે. આટલાં જોડે જ સમભાવે નિકાલ કરો કે મોક્ષ મળી જાય ! અક્રમ માર્ગમાં જ્ઞાનવિધિ પછી શુદ્ધાત્મા ગ્રહણ થાય છે ને અહંકાર ને મમતાનો ત્યાગ થાય છે. એટલે પછી આખો સંસાર ત્યજાઈ ગયો. પછી ગ્રહણ-ત્યાગની કડાકૂટ ન રહે !
ક્રમિકમાં પદો-ભજનો ગાય તે ગ્રહણીય ને અક્રમમાં પદો ગાય તે નિકાલી. અક્રમમાં તો બધું જ નિકાલી હોય છે. એ કેવી રીતે ખબર પડે ? ક્રમિકમાં પદ ગાતો હોય તેને અટકાવે તો ગાનારો ગુસ્સે થઈ જાય, જ્યારે અક્રમમાં કંઈ જ ફેર ના પડે !
25
સંસારની બધી ક્રિયાઓ નિકાલી ને ‘આ' સત્સંગ એ ગ્રહણીય બાબત. અક્રમમાં કર્તાભાવે કશું થતું નથી. સાડીઓ પહેરે, દાગીના પહેરે પણ ના મળે તો કશું નહીં. આત્મામાં જ રહે ને પેલામાં તો ના મળે તો રીસાય. જગત વેરથી ખડું છે. સમભાવે નિકાલ કરવાથી પાછલું વેર છૂટે ને નવું ના
બંધાય.
એક માણસને દુકાન ખાલી કરી છૂટી જવું હોય, તે કેવી રીતે કરે ? માંગતાવાળાને આપી દે ને લેવાનું છેવટે જતુંય કરીને છૂટી જાય ! વેર બંધાયું હોય, એની જોડે સમાધાન કરી નાખવું પ્રતિક્રમણ કરીને, માફી માંગીને. પુદ્ગલના આનંદથી વેર વધે ને આત્માના આનંદથી વેર છૂટે.
ગમતી કે ના ગમતી વ્યક્તિઓ બધી ફાઈલો જ છે. સરખું જ છે. બન્નેથી છૂટવાનું છે. ના ગમતા જોડેય ડ્રામેટિક પ્રેમ રાખવો. માફી માંગીને વેરથી છૂટી જવું ! સામાનો અહંકાર પોષીનેય વેરમાંથી છૂટી જાવ !
કોઈ માણસ ખૂન કરવા આવ્યો હોય પણ આ ફાઈલનો સમભાવે નિકાલ કરવો છે એમ જ ભાવ મહીં જેના રહ્યા તો ખૂનીના પણ ભાવ ફરી જાય ને છરી, ગન(બંદૂક) મૂકીને જતો રહેશે. ફાઈલ પ્રત્યેનો પૂર્વગ્રહ છોડી દેવાય તો ફાઈલ આપણા કહ્યા પ્રમાણે ચાલશે.
ફાઈલોને છોડીને સાધુ થઈ જવાથી છૂટાતું નથી. અંદરવાળા દાવા માંડે. બહારના દાવા તો એક ભવમાં છૂટે, અંદરના તો ભવોભવ રખડાવે ! આ જગત વેરથી ખડું છે, પ્રેમથી નથી. સમભાવે નિકાલ કરવાથી છૂટી જવાય. એક જણ દાદાશ્રીને કહે કે મારે બધી ફાઈલોથી જલ્દી છૂટી જવું છે. પૂજ્યશ્રી તેને કહે કે, આ તો જ્યાં સુધી બાવડામાં તાકાત છે ત્યાં સુધી બધી ફાઈલોને કહો કે આવો ને વસૂલ કરી જાવ. ઘડપણમાં ક્યાંથી ચૂકવાય ? આપણો જ હિસાબ છે તે ચૂકતે કરી દોને !
સમભાવે નિકાલ કઈ રીતે કરાય ? સામો હસતો આવે કે ચિઢાયેલો આવે, બન્નેની જોડે આપણે સરખો જ ભાવ, સમભાવ.
ફાઈલોને ખુશ કરવા જવાનું નથી, એ આપણાથી નાખુશ ના થાય તો બહુ થઈ ગયું ! ત્યાં સમભાવે રહેશે. સામો ક્લેઈમ છોડીને ગયો તોય આપણે છૂટ્યા. પછી જેટલાથી કે જેનાથી એ માની ગયો તો છૂટ્યા. જગતના સત્યાસત્યમાં પડાય નહીં. સામાને સમાધાન થયું કે છૂટ્યા.
26