________________
ભરેલો માલ
૨૧૫
૨૧૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : દાદા, સૂક્ષ્મ હાજરી એટલે કેવી રીતે રાખવાની ?
દાદાશ્રી : આંખ મીંચીએ ને દેખાય. જ્યાં જુઓ ત્યાં દાદા દેખાય. દાદા દેખાય એટલે તમારે જોખમદારી નહીં. આ તો આજ્ઞામાં રહો એટલે જેની આજ્ઞા પાળોને તેની જોખમદારી.
પ્રશ્નકર્તા: આજ્ઞા પાલન કરનાર મહાત્માથી કોઈ પરોપકાર થઈ જતો હોય તો તેનું શું ?
દાદાશ્રી : પરોપકાર થઈ જતો હોય અને પર-અપકાર થઈ જતો હોય તો ય તેનો નિકાલ થઈ ગયો. જે નિકાલી બાબત હોય, એને સંભારવાની જ ના હોય ને ? પર-ઉપકાર કર્યો કે પર-અપકાર કર્યો એ બધું ડિસ્ચાર્જ ! જ્ઞાન ના હોય તો પારકાં ઉપર ઉપકાર કરવો, પરોપકાર કરવો એ તો પુણ્યને માટે છે. પણ જ્ઞાન લીધા પછી કંઈ પણ કોઈને અપકાર કરવો ને કો'કને પરોપકાર કરવો બે ય સામસામી શબ્દો છે. એને ને આજ્ઞા પાળવા જોડે લેવા-દેવા નથી. આજ્ઞા પાળવાની જોડે તો કોઈ વસ્તુ અડે નહીં. આખા શાસ્ત્રમાં કોઈ વસ્તુ એવી નથી કે જે આજ્ઞાની જોડે અડે. પણ આજ્ઞા આપનાર એક્ઝક્ટ હોવો જોઈએ.
કામ કાઢી લેવાનું છે. પછી ભલે આપણું મન જાડું હોય તો આપણે વધારે બેસી રહેવું. પણ ઉકેલ લાવોને ! કળિયુગનો માલ છેને, તે બહુ માલ ભરેલો હોય. આપણે તો આ જ્ઞાન પામ્યા તે જ મોટી પુણ્ય કહેવાય, જબરજસ્ત પુણ્ય કહેવાય.
ભરેલો માલ દેખાડે દાદાનો ય દોષ ! પ્રશ્નકર્તા : દાદાની ઉપર બહુ ભાવ છે, છતાં મને કોઈ વખત દાદા માટે જરાક અવળા ભાવ થઈ જાય છે પછી બહુ આંસુડાં પડે.
દાદાશ્રી : તે એનો વાંધો નથી. આ વિજ્ઞાન જ એવું છે કે જે થતું હોય એ જોયા કરવાનું. એટલે આ વિજ્ઞાન જ તમને છોડાવશે. આ વિજ્ઞાન જ એટલું બધું સુંદર છે કે ઠેઠ સુધીનું કામ કાઢી નાખશે. આ જ્ઞાન આપ્યા પછી મેં હિંસકભાવ તમારામાં ઉત્પન્ન થયેલો જોયો જ નથી.
પ્રશ્નકર્તા : છતાં આપ એવી કોઈ કૃપા કરો કે આનાથી હવે છૂટાય.
દાદાશ્રી : એવું છે, તમને તો શું નહીં થતું હોય એ હું બધું ય જાણું. તમને તો મારા માટે ભાવ બગડ્યા કરે તે ય હું જાણું પણ છતાંય હું જાણું કે તમે છૂટશો. કારણ કે તમને ખબર પડે છે કે આ ખોટું થયું છે. એ ભાવ જે મારા માટે ઉત્પન્ન થાય છે, એનું શું કારણ ? એ પૂર્વભવની નિર્જરા છે. એ નિર્જરા તમને ખબર પડી જાય કે આ ખોટું થયું, આમ ના થવું જોઈએ.
પ્રશ્નકર્તા: હા, એ તો તાબડતોબ ખબર પડી જાય છે.
દાદાશ્રી : એટલે હું તમને ઓળખું, હું તો સારી રીતે જાણું કે તમને મારા પર આવો ભાવ જ થાય. હવે એનું શું કારણ ? મારામાં કશું ખરાબ દેખાતું નથી પણ એ પૂર્વભવનો અહંકાર છે. આ બધો જે માલ નીકળે છે એ પૂર્વભવનો કચરો માલ નીકળે છે અને આપણું જ્ઞાન દેખાડે છે કે આ ખોટું છે, આમ ના હોવું જોઈએ. આ અવળા ભાવ દેખાય છે છતાં એમાં હિંસકભાવ નથી, એ તમને કહી દઉં. એટલે તમે કામ કાઢી નાખવાના એ તો મને ખાતરી જ છે. આ વિજ્ઞાન જે આપેલું છે એ જ્ઞાન જ ક્રિયાકારી છે. તે આ જ્ઞાન જ એની મેળે બધું કામ કર્યા કરે છે. નહીં તો લાખો અવતારે ય ના છૂટાય એવું છે ત્યાં હવે એક જ અવતાર બાકી રહે, એવું આ એક અવતારી વિજ્ઞાન છે.
ડખોડખલ નહીં, ત્યાં “ખરી પડે' !
આ વિજ્ઞાન કેવું છે, એની મેળે ખરી પડશે, કાઢવાનું નથી. કારણ કે જીવતું નથી. આ સંસારની ટેવો છેને, જેને જ્ઞાન નથી મળ્યું તેને એ જીવતી છે અને આની ટેવો મડદાલ છે એટલે જ્યારે ત્યારે એની મેળે, જેમ ગીલોડી(ગરોળી)ને એની પૂંછડી કપાઈ ગયેલી હોય તો ય હાલ્યા કરે, પણ આમ તે કાયમ હાલ્યા કરશે ? ક્યાં સુધી ? એમાં જીવન નથી, એમાં બીજા તત્ત્વો છે, એ તત્ત્વો નીકળવા માંડ્યા, એટલે પછી બંધ પડશે. એવું અહીં છોડવાનું નથી. બિલકુલ કશું છોડવાનું નથી, એની મેળે છૂટી જાય છે.