________________
સમભાવે નિકાલ, ફાઈલોનો !
૧૬૯
૧૭૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
નક્કી કરે તો એને ઉપર ચડાવ્યો કહેવાય, નહીં તો અધોગતિ કરે છે. આ તો બાપને બાપ થતાં આવડતું નથી. મારે લખવું પડ્યું કે અનક્વોલિફાઇડ ફાધર્સ એન્ડ અનક્વોલિફાઇડ મધર્સ. હે હિન્દુસ્તાનના જીવો ! આવું લખવું પડે, સારું લાગે ? - પહેલું તો આપણે પૂછવું પડે, તું જાણી જોઈને કરું છું કે થઈ જાય છે ? ત્યારે કહે, મારે નથી કરવું. બે-ત્રણ વખત ન'તું કરવું તોય ત્યાં જવાઈ ગયું. એટલે છોકરો એ સમજે કે આ મારે નથી કરવું છતાંય થઈ જાય. માટે ત્રીજું કો'ક ભૂત છે. એ કર્મના ઉદયનું ભૂત છે. એટલે નથી કરવું એમ છતાં થઈ જાય એવું કહેને ત્યારથી આપણે જાણીએ કે ફર્યો આ. એની સમજણ ફરી ત્યાર પછી આપણે એને શું કહેવું જોઈએ કે હવે પ્રતિક્રમણ કરજે, જ્યારે જ્યારે ભૂલ થઈ જાય. ત્યારે ‘હે ભગવાન, આજે મારાથી આ થયું, એની માફી માગું છું. ફરી નહીં કરું હવે.’ પ્રતિક્રમણ શીખવાડીએ, બસ. બીજું કશું નહીં.
ફાઈલ છે, સગો નહીં ! એને તેથી જ ફાઈલ કહેવાય. અજુગતો ગોદો મારે, એનું નામ ફાઈલ. તેથી અમે ફાઈલનું નામ અમથું નથી પાડેલું. એક છોકરો નવદશ વર્ષનો હતો, તે દર્શન ન્હોતો કરતો. તે એના બાપે ઊંચકીને માથું અડાડી દેવડાવ્યું. પછી એ છોકરાએ બાપને માર્યો છે, માર્યો છે, તે ખુબ માર્યો ! ફાઈલને સમભાવે નિકાલ કરી નાખો. આ ફાઈલો છે, સગાઈ હોય. આમચા-તુમચા કરવા રહ્યાને, તે માર ખાઈને મરી ગયા, મૂઆ.
સુવાવડ કરવી એટલી ફરજ આપણી. પછી એને ધવડાવવો અને ના ધવડાવવો હોય તો દૂધ લાવીનેય પણ પાઈને મોટો કરવો, એ બધું કરવું, એ બધી આપણી ફરજ. પછી સ્કૂલમાં ભણાવવાનો, પૈસા આપવા એ બધી આપણી ફરજ. એ સારી રીતે પાસ થઈ ગયો, નોકરી મળી, એ કહેશે, ‘હવે મને પગાર મળે છે.’ તો આપણે એ બાજુ દિશા બંધ. એ આઈટમ પૂરી થઈ ગઈ, આપણી હવે. આઈટમ કમ્પ્લિટેડ !
પ્રશ્નકર્તા: એ ફાઈલ પૂરી થઈ ગઈ.
દાદાશ્રી : હા, ફાઈલ પૂરી થઈ ગઈ. હવે એ ફાઈલમાં પાછા લીસરડા માર માર કરે ત્યારે શું થાય ?
આપણે સમભાવે નિકાલ કરવો એનો અર્થ જ બધો જુદો છે. એવું કંઈક બન્યું તો સમભાવે નિકાલ કરો અને આપણે શુદ્ધાત્મા તરીકે તો કોઈ જાતની સગાઈ જ નથી. આ તો હિસાબ જ છે સામસામી લેવા-દેવાના. તે ય રૂપિયાના લેવા-દેવા નહીં. શાતા વેદનીય ને અશાતા વેદનીય એ જ છે, તે ચૂકવવાનું છે. છોકરો જરા સારાં કપડાં પહેરીને ફર્સ્ટ ક્લાસ પાસ થઈને આવ્યો હોય, તે દહાડે આપણને શાતા વેદનીય વર્યા કરે. અને પછી કોઈ દહાડો છોકરો ગર્લફ્રેન્ડને લઈને આવ્યો હોય એટલે પાછું અશાતા વેદનીય ચાલુ થાય. આપણે કહીએ કોણ છે આ ? ત્યારે કહે, મારી ફ્રેન્ડ છે, બોલશો નહીં.’ ત્યારે અશાતા વેદનીય વર્તે. બસ વેદનીય ચૂકવાય છે. દુઃખ દેવા આવ્યો છે કે સુખ દેવા આવ્યો છે, માલુમ પડે. તેના પરથી માપ કાઢી જોવું કે લેણાનો છે કે અલેણાનો છે. લોક નથી કહેતા, અમારો છોકરો લેણે પડ્યો છે ? લેણે એટલે વધારે શાતા આપે છે. કંઈક તો સમજવું પડશેને છેવટે ?
કારકુન મોટો કે ફાઈલો ? પ્રશ્નકર્તા : અમારે તો બહુ નિકાલ કરવાનો છે હજુ.
દાદાશ્રી : હા, પણ ફાઈલોનો નિકાલ કરવાનો છેને ? કારકુન મોટો કે ફાઈલો મોટી ?
પ્રશ્નકર્તા : કારકુન મોટો.
દાદાશ્રી : હા, કારકુન તો કહે કે હવે એક રૂમની ફાઈલોનો શો હિસાબ છે, બીજી પાંચ લાવો. કારકુન કંઈ કંટાળી જાય ? તારે ચાહે એટલી લાવને !
પ્રશ્નકર્તા : હું ફાઈલોને છોડવા માગું છું તો ફાઈલો વધે છે, કરવું શું?
દાદાશ્રી : ફાઈલોને છોડવી છે અને છોડવાનો પ્રયત્ન ના કરીએ તો ?