________________
૧%
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
સીટનું સિલેક્શન, સ્વ-પરનું !
પ્રશ્નકર્તા : એટલે જે જુએ છે એ તો કશું બોલતા જ નથી, ખાલી જુએ જ છે.
દાદાશ્રી : જુએ છે એનો ઉપરી કોઈ નથી. એને કોઈ વઢનાર ના હોય, કશું ના હોય. અનંત શક્તિઓ પડેલી છે. પણ ચંદુભાઈનું રક્ષણ કરો છો ને, એટલે બધી શક્તિઓ આવરણમાં બેસી રહે છે. રક્ષણ કરો છો ને ચંદુભાઈનું? ઉઘાડે છોગે કરો છો ને ? એટલે જ શક્તિઓ ખીલતી નથી ! આ આજ્ઞા પાળીને રહે છે, તો ય નિરંતર સમાધિ જાય નહીં. તમે તમારી ખુરશી ઉપર અને ચંદુભાઈ એમની ખુરશી ઉપર બેસ્યા કરે. ચંદુભાઈની ખુરશી ઉપર બેસવા જાવ છો, તેની આ ઉપાધિ છે. પહેલાંની ટેવ પડેલી છે તે !
તમારે તો બહારથી ખસી જઈને, પોતાની સીટ ઉપર બેસવાનું છે. હવે આપણી સીટ કઈ ? મહીં ચાર-પાંચ જાતની સીટો છે. તે આપણી કઈ સીટ કે જ્યાં એકદમ ઇઝી લાગે, એ આપણી સીટ, સહેજ ઘસારો લાગે તો જાણવું કે આ બીજી સીટ આવી. ખૂંચે તો જાણવું અગર શોક લાગે તો સમજી જવું કે આ શોક લાગ્યો. એ બધી સીટ ઉપર નહીં બેસતાં, આપણી સીટ ઉપર બેસવું.
કો'ક તો મસાલો ચોપડે, ‘ચંદુભાઈ સાહેબ, તમે તો બહુ લાયક માણસ છો, ઘણા સારા છો.” પણ એ ચોપડે તો આપણે ચોપડાવવું ? ચંદુભાઈ એ સીટ આપણી નથી. ત્યાંથી તો દાદાએ ખસેડ્યા. ‘હું ચંદુભાઈ છું એટલે તો માર ખાતા હતા.
કંઈ પણ ભોગવટો આવે, તો સમજાય કે આ હું બીજી સીટ પર બેઠો છું, આ સીટ મારી ન્હોય. તે ત્યાંથી ઊઠીને પાછું શુદ્ધાત્માની સીટ ઉપર બેસી જવું. આપણી સીટ ઉપર બેસી જવું પણ તું તો ત્યાં બેસી રહું છું, જાણે ડબલ ચાર્જ આપવાનો હોય એ રીતે ! કંઈ પણ મન અવળું વિચાર કરે કે તરત જ આપણે જાણવું કે આ બીજી ઊંધી સીટ ઉપર છું, આ મારી સીટ ઉપર નથી. પોતાની સીટ ઉપર જતા રહેવું તરત. બહુ વાર બેસી રહું છું, નહીં ?
પ્રશ્નકર્તા : હા, દાદા. એવું થાય છે.
દાદાશ્રી : તેથી તારું મોઢું બગડેલું દેખાય છે. મેં કહ્યું, ‘આ મોટું કેમ બગડેલું છે !” કોઈ પણ અડચણ આવે, તો આપણી પોતાની સીટ ઉપર જતું રહેવું તરત. જે દોષો થઈ ગયાં તેની પાછી માફી માંગવાની.
ગૂંચાયા કરવા જેવું જગત જોય. ગૂંચામણ થાય, કશું શરીરમાં ગૂંચાવા માંડ્યું કે તરત ઊઠીને આપણી ખુરશી પર બેસી જવું. એને ‘જોયા’ કરવું, ‘ચંદુભાઈ, કેમ ગૂંચાવ છો તમે ?’ કહીએ.
અંતે બિરાજો પરમાત્માની જ સીટ પર ! ‘હું આ છું, હું આ છું, હું ઉપદેશક છું, હું ફલાણો છું.’ એ બધું છૂટું અને ‘હું આત્મા છું'માં આવી ગયો. પેલા બધામાંથી ગાદી ઊઠી ગઈ. બીજી ગાદી ઉપર બેસે પછી આત્મા રહી જ જાયને ?!
જ્યાંથી બેઠા હતા ત્યાંથી પણ છેલ્લે પછી ઊઠી જવાનું. અમે બેસાડીએ પણ ખરાં કે હવે ચંદુભાઈ આમ કરી શકે તેમ કરી શકે અને પછી ગાદીમાં એ બેસી રહે એટલે ગોદો મારીએ. દરેક પદમાં બેસીને ઉઠી જવાનું છે. જરા મીઠું લાગે, થોડા દા'ડા બેસી રહેને, એટલે અમે ગોદો મારીએ. ઊઠીને અહીં આવવાનું છે પાછું છેવટે. પણ આ તો કાયદેસર એ પદમાં બેસી-બેસીને આવવાનું. એ બેસી જ રહે તો શું થાય ? મારે તો ઉપાધિ થાયને ! એ ગામ ના જાય ને ! પેલું રહી જાયને ! એટલે આ ચક્કર બહુ ઊંધું છે બધું. ચંદુભાઈને આજે બેસાડીએ અહીં આગળ. પાછા પરમ દિવસે ઉઠાડીએ. છેવટે આત્મામાં બેસવાનું છે. અને બહાર ‘મને કશું આવડતું નથી’ કહી દેવાનું છે. ત્યાં સુધી એ આવડતમાં રહેવાનું છે. ત્યાં સુધી ગાદી પર બેસવાનું છે. પછી ‘કશું આવડતું નથી’ કહી દેવાનું. નહીં તો એ આવડત ના હોય તો સ્ટેજ ઉપર બેસી શકે નહીં. ચંદુભાઈ મનમાં એમ સમજે કે હું સમજાઈ શકે એમ છું, તો એ બેસી શકે નહીં. અને બેઠા સિવાય નિવેડો આવે નહીં. એટલે અમે પહેલું પોષણ આપીએ. પછી પાછો ઉઠાડીએ ગોદો મારીને. એટલે તેમ કરતાં કરતાં મોક્ષે જવાશે. સહેલી વસ્તુ નથી. આ તો બધાં બહુ મોટા જોખમો પણ આ જ્ઞાન મળ્યા પછી વાંધો નહીં. દુઃખદાયી ન થઈ પડે.