________________
એકાવતારી મોક્ષ, ‘આ’ જ્ઞાનથી !
૪૧૩
પ્રશ્નકર્તા : અવળું એટલે કેવું ?
દાદાશ્રી : કોઈક અવળું બોલે એટલે આ તમારી વાત નીકળે એટલે આવડી આવડી ચોપડે. એવા ના હોય લોકો ?
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનની વિરાધના કરે એ ?
દાદાશ્રી : જ્ઞાનની અને જ્ઞાનીની અને જ્ઞાનીના ફોલોઅર્સની ને બધાંની વિરાધના કરે. પુસ્તકો ને બધાંની. ‘આ ચોપડી મારા હાથમાં આવે તો ફેંકી દઉં' કહે. પછી તો એના પુસ્તકોની વિરાધના કરે. પુસ્તકો ફેંકે આમ. ‘ચાલ હટ, આ ચોપડીઓ લાવ્યો, તો દરિયામાં નાખી દઈશ, નહીં તો સળગાવી દઈશ.' ફોટાઓની વિરાધના કરી મેલે, બાળી મેલે ફોટા. પ્રશ્નકર્તા : જેણે જ્ઞાન લીધું છે એની વાત છે ?
દાદાશ્રી : હા, તે બધું ફરી જાયને !
પ્રશ્નકર્તા ઃ જ્ઞાનીના મહાત્મા હોય, એની પણ વિરાધના ના થાય ? દાદાશ્રી : જ્ઞાનીના મહાત્માઓ એટલે જ્ઞાની જ કહેવાયને ! આ મહાત્માઓ એટલે શું વાત કરો છો ? કે જેણે પોતાના હથિયાર નીચે મૂક્યા છે. કોઈને મારવાનો ભાવ નથી. કોઈને લૂંટી લેવાની ઇચ્છા નથી. કોઈ પાસેથી પડાવી લેવાની ઇચ્છા નથી. એવાં જેણે હથિયાર બધાં નીચે મૂકી દીધા, ક્રોધ-માન-માયા-લોભનાં !
અનંત અવતારની ખોટો છેને, તે એક અવતારમાં ખોટ વાળવાની હોય તો શું કરવું પડે ? દાદાની પાછળ પડવું જોઈએ. દાદા ના હોય તો દાદાના કહેલા શબ્દોની પાછળ પડવું જોઈએ. એની પાછળ પડીને, અનંત અવતારની ખોટ એક અવતારમાં વાળી દેવાની. કેટલા અવતારની ખોટ ? આપણે અત્યાર સુધી અનંત અવતાર લીધા, એ બધી ખોટ તો ખરીને ? એ ખોટ કાઢવી પડે કે ના કાઢવી જોઈએ ?
હવે તો ભેખ માંડવાનો છે કે આ એક જ, બીજું નહીં. ના હોય તો મોક્ષનું નિયાણું કરી નાખવાનું એટલે લાંબા અવતાર ના થાય. બેત્રણ અવતાર થતા હોય તેય ના થાય !
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
અમુક તારીખે મુંબઈ જવું છે તે આપણા લક્ષમાં રહે, એવી રીતે આપણે મોક્ષમાં જવું છે એ લક્ષમાં રહેવું જોઈએ. ક્યાં જવું છે એ લક્ષમાં ના રહે તો કામનું શું ? મુંબઈ જવું છે એ લક્ષમાં રહેને ? ભૂલી જવાય ? પ્રશ્નકર્તા : ના ભૂલાય.
૪૧૪
દાદાશ્રી : એવું આ લક્ષમાં રહેવું જોઈએ. આપણે તો હવે એ બાજુ જવા નીકળ્યા. વહેલું આવે, મોડું આવે, પણ એ બાજુ જવા નીકળ્યા, જેટલું જોર કરીએ એટલું આપણું. આ જાતે રૂબરૂ ભેગા થાય તો પ્લેનની માફક ચાલે, ને નહીં તો સૂક્ષ્મ દાદા હોય તોય પેલું ટ્રેઈનની માફક ચાલે. તે જેટલું પ્લેનથી જવાય એટલું સાચું. છતાં બહુ ઉકેલ આવી જશે. એક અવતાર જ ફક્ત બાકી રહેવો જોઈએ, તેય પુણ્ય ભોગવવામાં. અમારી આજ્ઞા પાળીને, તેની જબરજસ્ત પુણ્ય ભેગી થાય.
મૃત્યુ સમયની જાગૃતિ !
આ નિઃશંક થયા, હવે આજ્ઞામાં રહો. ધૈડપણ કાઢી નાખો. આ દેહ જતો રહે તો ભલે જતો રહે, કાન કાપી લે તો કાપી લે, પુદ્ગલ નાખી દેવાનું જ છે. પુદ્ગલ પારકું છે. પારકી વસ્તુ આપણી પાસે રહેવાની નથી. એ તો એનો ટાઈમ હશે, વ્યવસ્થિતનો ટાઈમ હશે, તે દહાડે જ્યારે હો ત્યારે લઈ લે. ભય રાખવાનો નહીં. આપણે કહીએ લઈ લો. તેથી કોઈ લેનારું નવરું નથી. પણ તે આપણામાં નિર્ભયતા રાખે. જે થવું હોય તે થાવ, કહીએ.
એવું છે, આ ચંદુભાઈ નામનો દેહ, આપણને મહામિત્ર સમાન થઈ પડ્યો છે કે આ દેહે આપણે અક્રમ જ્ઞાનીને ઓળખ્યા અને અક્રમ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું અને તે અનુભવમાં સિદ્ધ થયું. માટે હવે આ દેહને કહીએ કે, ‘હે મિત્ર, તારે જે દવા કરવી હશે તે હું કરીશ. અગર તો હિંસક દવા હશે તો તેય કરીને પણ તું રહે.’ એવી આપણી ભાવના હોવી જોઈએ. આ દેહ નહીં એવા બધા બહુ દેહ ગયા-બળ્યા, બધાય દેહ
નકામા ગયાને ! અનંત અવતાર દેહ નકામા ગયા. પણ આ દેહે તો આપણને યથાર્થ ફળ દેખાડ્યુંને ! અને ચંદુભાઈના નામ પર દેખાડ્યુંને !! માટે આ દેહ સાચવજો અને હવે કામ કાઢી લો.