________________
એકાવતારી મોક્ષ, ‘આ’ જ્ઞાનથી !
૪૦૭
૪૦૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
કરવાનો. આ ઇચ્છા હોય કે નાય ઇચ્છા હોય. અને જે સ્વભાવ છે એ સ્વભાવમાં જ થયા કરવાનું. એ સંસારમાં આપણે આ આવો જોઈએ કે તેવો જોઈએ, એ ચાલે નહીં ત્યાં આગળ. માટે આટલું સાચવજો ઠેઠ સુધી !
પ્રશ્નકર્તા: જ્યારે હું નિજભાવમાં રહેતો હોઉં, પછી છેલ્લે મને જે ખોટ પૂરી થવાની હોય ત્યારે મને શું એવો ભાસ થાય કે હવે કંઈક પૂરું થયું છે મારું ?
દાદાશ્રી : એ તો તમને આ સંસારી દુ:ખો કે બોજો ઓછો થતો જાય અને તમે મુક્ત છો એ ભાન વધારે થતું જાય. તમે મુક્ત સુખ ભોગવી રહ્યા છો એ ભાન વધારે પ્રગટ થાય. હું કહું છુંને કે મારે ભઈ, સત્યાવીશ વર્ષથી તો હું મુક્ત જ છું અને વિધાઉટ ટેન્શન. એટલે ટેન્શન થતું'તું ‘એ.એમ. પટેલ'ને. કંઈ મને ન'તું થતું. પણ ‘એ. એમ. પટેલને ય ટેન્શન થાય છે ત્યાં સુધી આપણે બોજો જ છે ને ! એ પૂરું થાય ત્યારે આપણે જાણવું કે આપણે છૂટયા અને તોય દેહ છે ત્યાં સુધી બંધન. અને તે તો અમને વાંધો નથી હવે. બે અવતાર થાય તોય વાંધો નથી. અમારો તો હેતુ શું છે કે, ‘આ જે સુખને હું પામ્યો છું એ સુખને આખું જગત પામો” અને તમારે શેમાં ઉતાવળ છે એ કહો. તમને ત્યાં પહોંચવાની ઉતાવળ છે ?
જીવતાં મોક્ષ થયાની પારાશીશી ! અમારો મોક્ષ થઈ ગયેલો છે, અમારે મોક્ષ કરીને શું કામ છે તે? તૈયાર થઈ ગયેલો હોય, તેને શું કાઢવાનું !?
પ્રશ્નકર્તા : મોક્ષ થઈ ગયો એવી ખબર કેવી રીતે પડે ?
દાદાશ્રી : મોક્ષ થઈ ગયો હોય એની ખબર ક્યારે પડે કે આ દુનિયામાં કોઈ ચીજની ઇચ્છા ના હોય. એવી કોઈ ચીજ નથી કે જેની ઇચ્છા થાય અગર તેનો સંકલ્પ હોય કે એનો વિકલ્પ હોય. એટલે પોતે જાણે કે નિર્વિકલ્પી, પોતે નિરીચ્છક થઈ ગયો, એટલે મુક્ત જ કહેવાય. કંઈ પણ ઇચ્છા છે ત્યાં સુધી ભિખારી, ઇચ્છાવાન ભિખારી કહેવાય.
કોઈ માણસને એક થાંભલા જોડે આમ દોરડા વીંટીને બાંધ્યો હોય પગથી માથા સુધી ને આંખે પાટા બાંધ્યા હોય. હવે એને આપણે કોઈ પણ માણસ પાછળથી દોરડું આમ ધીમે રહીને ચપ્પાથી કાપી નાખે અને અહીં આગળ એક આંટો છૂટે ત્યારે પોતાને ખબર પડે ખરી ? એક આંટો મહીં ઢીલો થયો હોય, તે બંધાયેલાને ખબર પડે ખરી ?
પ્રશ્નકર્તા : ઢીલું થાય તો ખ્યાલ આવે.
દાદાશ્રી : શું લાગે એને કે આ જગ્યાએ ઢીલું થયું. આ આંટો ખૂલ્યો. આંટો ખૂલેલો આપણને અનુભવમાં આવે ત્યારે જાણવું કે આંટા ખૂલવા માંડ્યા. અમે તમને અનુભવ લાવી આપીએ. મોક્ષનો અનુભવ, મોક્ષમાં બેઠો છે એવો અનુભવ થાય અને ઉપાધિની મહીં અનુભવ થાય. સમાધિમાં તો, સમાધિ કૂતરાંય રાખે, બળ્યા ! બે પુરીઓ આપીએને, તે આખી રાત સમાધિ રાખે. પણ ઉપાધિમાં સમાધિમાં રાખે એ વિજ્ઞાન કહેવાય.
પ્રશ્નકર્તા: તો પછી દાદાનું જ્ઞાન લીધા પછીથી જે મુક્તતા વર્તે છે, અંદરથી જાણે મુક્ત થતા હોય એવા અનુભવ થયા કરે તો એ શું?
દાદાશ્રી : એ મુક્ત છો જ. એ તો ‘હું બંધાયેલો છું’ એવી જે તમારી બિલિફો હતી એ તૂટી ગઈ અને હું મુક્ત છું’ એવી તમને બિલિફ બેસતી ગઈ.
મોક્ષની ગાડીમાં બેઠા પછી ઉતાવળ ? પ્રશ્નકર્તા : કોઈ વખત મોક્ષે જવાની ઉતાવળ બહુ થાય છે !
દાદાશ્રી : ઉતાવળ કરશો તો ઠોકર ખાશો. મોક્ષ મળી ગયા પછી મોક્ષની ઉતાવળ શી ? ઉતાવળ શેને માટે ? કોઈ તમારું રિઝર્વેશન લઈ લેવાનું છે ? રિઝર્વેશન કોઈથી અડાય નહીં ! જે ગામ જવાનું હોય તેનો નિશ્ચય, તેની ટિકિટ, બધું થઈ ગયું ! કો'કને પુછી લેવાનું. ગાડી કેવી છે ? ત્યારે કહે, સ્પીડી. બેસીને પછી સૂઈ જવાનું !
કોઈ માણસ ગાડીમાં બેઠો મુંબઈ જવા માટે વડોદરાથી અને