________________
અજ્ઞાન દશામાં વૃત્તિઓ બહાર ભટકતી હતી, તે નિજ સ્વભાવનો અનુભવલક્ષ-પ્રતીતિ વર્યા પછી તરત જ પાછી એની મેળે અંદર વળી જાય છે. આને પરમાર્થ સમકિત એટલે છેલ્લું, ક્ષાયક સમકિત કહ્યું. જેનો અનુભવ મહાત્માઓને વર્તે છે. અરે, દાદાનું મોટું યાદ આવી જાય તોય વૃત્તિઓ પાછી વળી ગઈ કહેવાય. વૃત્તિઓ બહાર શા માટે ભટકે છે ? સુખ ખોળવો. પહેલું પ્રતીતિમાં આવે, પછી એ ધીમે ધીમે અનુભવમાં આવતું જાય એટલે પછી વર્તનમાં એની મેળે આવે. અક્રમ માર્ગે જ્ઞાનવિધિ પામ્યા પછી કેટલાંક કર્મો ભસ્મીભૂત થઈ જાય છે. તેનાથી આત્માનો અનુભવ અને લક્ષ રહ્યા કરે છે. ઉપાદાન વિશેષ જાગૃત હોય તો નિરંતર આત્માનું લક્ષ રહ્યા કરે. અક્રમમાં ‘હું શુદ્ધાત્મા છું' એ ખ્યાલમાં રહે અને ક્રમિકમાં લક્ષ રહ્યા કરે, એ બેમાં શું ફેર ? લક્ષ એટલે અમુક જગ્યાએ ખીલે બાંધેલું હોય અને ખ્યાલ એટલે એની ઠેર (ગમે ત્યાં) હોય ! ક્રમિકમાં ક્ષયોપશમ સમકિત હોય ને અક્રમમાં ક્ષાયક સમતિ હોય. માટે આત્મા નિરંતર ખ્યાલમાં જ રહે. એટલે કેટલાંકને વાતો કરતાંય ‘હું શુદ્ધાત્મા છું' એ ખ્યાલમાં રહે. એને શુક્લધ્યાન કહ્યું. “હું શુદ્ધાત્મા છું' ઊંઘમાંથી જાગો તો એની મેળે હાજર થઈ જાય, એ નિરંતરની પ્રતીતિ બેઠેલાનું ફળ છે. ‘હું શુદ્ધાત્મા છું' એ રટણ નથી. રટણ તો શબ્દ સ્વરૂપ કહેવાય. સમકિતીને સહેજે લક્ષમાં હોય. સ્મરણનું વિસ્મરણ થાય. અક્રમના મહાત્માઓને શુદ્ધાત્માનું રટણ કરવાનું નથી. અહીં તો પરમાત્મા થાય છે પણ તે પ્રતીતિએ કરીને ! રટણ તો મંત્રોનું હોય. આ તો સ્વરૂપ છે, મંત્ર નથી. માત્ર રાત્રે સૂતી વખતે જ “હું શુદ્ધાત્મા છું' એમ બોલતાં બોલતાં સૂઈ જવાનું. પછી કંઈ બોલવાની જરૂર નથી. આત્માનું લક્ષ સહજભાવે રહે તે સાચું. આત્માનું રટણ કરવા જાય તો સહજભાવે આવતું બંધ થઈ જાય. જગતના જ્ઞાનનું લક્ષ બેસે, પણ આત્માનું લક્ષ ક્યારેય બેસે એવું નથી. તેથી
સ્તો એને અલખ નિરંજન કહ્યો ! જ્ઞાની પુરુષ એનું લક્ષ બેસાડી આપે. પગ ભાંગી ગયો હોય તે એકવાર જ પણ એનું કેવું લક્ષ રહ્યા કરે ! ઊભા થતાં
પહેલાં લાકડી એની મેળે જ યાદ આવી જાયને ! ભર્તુહરિ રાજાનું નાટક ભજવતાં રાજાને અંદરખાને સતત ખ્યાલ જ હોય કે હું ખરેખર રાજા નથી પણ લક્ષ્મીચંદ છું. તેમ આ અંદર જાણતા જ હોય કે “હું શુદ્ધાત્મા છું'. અક્રમમાં સંપૂર્ણ અનુભવ અને સંપૂર્ણ જ્ઞાન નિરંતર નથી રહેતું પણ સંપૂર્ણ પ્રતીતિ નિરંતર રહે છે. અંતરાત્મા પદ મળ્યું છે. હજી ફાઈલોનો નિકાલ કરવાનો બાકી છે. ફાઈલો પૂરી થયે પરમાત્મા પદ. આત્માનુભવની કક્ષાના લક્ષણો શું ? સંસારની કોઈ બાબત આપણને અસર જ ના કરે ત્યાં પૂર્ણાહૂતિ. ત્યાં સુધી આમતેમ થયા કરે. આનું થર્મોમીટર તો આત્મા પોતે જ છે. માર મારે, લૂંટી લે તોય રાગ-દ્વેષ ના થાય એ એનું થર્મોમિટર. વખતે કોઈ સુંવાળો હોય તો તેનો દેહ રડે અને કઠણ હોય તો હસે, એ જોવાનું નથી પણ એના રાગ-દ્વેષ ગયા કે નહીં એ જોવાનું છે ! પછી ધીમે ધીમે મોંઢા પરેય અસર ના રહે, જ્ઞાન પૂરેપૂરું પાકું થઈ જાય એટલે ! મોઢું બગડી જાય છે ત્યાં સુધી હજી કચાશ છે, એમ સમજી લેવાનું. અનુભવ જ્ઞાન ક્યારે પ્રગટ થાય ? પાછલાં બીજાં કડવાં-મીઠાં ફળ આવે તેમાં સમતા રહે, વીતરાગતા રહે, તેમ તેમ અનુભવ પ્રગટ થાય. પછી વર્તનમાં આવે ત્યારે સંપૂર્ણ શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થાય. આત્માનુભવ થાય ત્યાર પછી મહીં ચેતવનારો જાગૃત થઈ જાય છે. તે ક્ષણે ક્ષણે પોતાની ભૂલો દેખાડે, પ્રતિક્રમણો કરાવડાવે. જ્ઞાન પહેલાં મહીંથી કોઈ ચેતવે નહીં. ઉપરથી આખો દહાડો બીજાનાં જ દોષો જો જો કરે ! આ ચૈતન્ય વિજ્ઞાન છે, તે નિરંતર મહીં ચેતવે. જે વૃત્તિઓ અવળે રસ્તે ચઢેલી, તેને પ્રજ્ઞાશક્તિ (જે જ્ઞાન મળ્યા પછી જ પ્રગટ થાય છે) ચેતવે. અને સામો રિસ્પોન્સ મળે છે. ચેતનારો ચેતી જાય છે ! રિસ્પોન્સ આપે છે ત્યારથી ચેતનારો થયો અને રિસ્પોન્સ એટલે પ્રજ્ઞા કહે કે કોઈને દુઃખ અપાય તે ખોટું છે. તે મહીં બધી વૃત્તિઓ બુદ્ધિ-મન-ચિત્ત-અહંકાર બધા જ સ્વીકારે કે બરોબર છે, ને એ પ્રમાણે ફેરફાર થઈ જાય એ રિસ્પોન્સ મળ્યો કહેવાય. આમાં મૂળ આત્માને કંઈ જ કરવાનું હોતું નથી. આ તો બધું પ્રજ્ઞા જ કરી લે છે, જે મૂળ આત્માની ડિરેક્ટ શક્તિ છે. કામ પૂરું થાય કે પ્રજ્ઞા પાછી મૂળ આત્મામાં તન્મયાકાર થઈ જાય ! ચેતનારું કોણ ? મહીં જે જુદી પડી છે તે વૃત્તિઓ. વૃત્તિઓ એ પુદ્ગલ નથી પણ બિલિફ સ્વરૂપે છે. એ બિલિફથી પુદ્ગલ ઊભું થાય છે.
36