________________
[૫]
ચારિત્રમોહ
વ્યાખ્યા દર્શનમોહ તણી ! પ્રશ્નકર્તા : દર્શનમોહ શેને કહેવાય ?
દાદાશ્રી : દર્શનમોહ તો એને કહેવાય કે જે સાચું નથી છતાં એને સાચું મનાવડાવે છે. જગત શું કહે છે, નથી તેને છે મનાવડાવે. ના, પણ ત્યારે મૂઆ, નથી એવું કેમ કહેવાય, દેખાય છે ઊઘાડું ? પણ તમે ચંદુભાઈ સાચા નથી, ખરેખર તમે નથી છતાંય તમને મનાવડાવે, કે ના, તમે ચંદુભાઈ જ છો, એ દર્શનમોહ. પછી તમે પોતે દેહ નથી, છતાં આ દેહ તે હું જ છું, કહેશે.
પ્રશ્નકર્તા : એનું માલિકીપણું ધરાવે.
દાદાશ્રી : ‘હું છું” આવ્યું એટલે માલિકી હોય જ. આનું નામ દર્શનમોહ. ‘હું છું” છૂટે એટલે માલિકીપણું છૂટે. આ દર્શનમોહ છૂટે તો આ જગતમાં માણસ છૂટે, નહીં તો કોઈ દા'ડોય મુક્તિ થાય નહીં. અમને ભેગા થાય, એને કહીએ કે ચંદુભાઈ, તમે જોય. ત્યારે કહે, ‘હું જ ચંદુભાઈ. આવું કેવું બોલો છો ?’ ‘અરે ભઈ, હોય તમે ચંદુભાઈ. ચંદુભાઈ તો તમારું નામ છે આ.’ ‘ત્યારે એને શંકા પડે. વાત તો સાચી છે. નામ તો મારું ચંદુભાઈ, ત્યારે હું કોણ ?” એ ત્યાર પછી દાદા દેખાડે.
૩૦૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) ત્યારે પહેલો દર્શનમોહ છૂટે. આંધળા પાટા લઈને ફરતો હતો, તે હવે દેખતો થાય. તે દર્શનમોહ તુટ્યો. પછી દેખાવા માંડ્યું. ત્યારે લોક કહે છે, ‘કેમ આટલું બધું પહેર્યું છે તમે ? આટલો બધો મોહ ?” એ તમને નહીં ખબર પડે કે આ મોહ છે, પણ તે આ ચારિત્રમોહ છે. એટલે પહેલાં જે મોહ ભાવ કરેલા, તેનું આ ફળ આવ્યું. આ ઈફેક્ટ છે, નોટ કૉઝ. કૉઝીઝ બંધ થઈ ગયા. જેના કૉઝ બંધ થઈ ગયા, એનો મોક્ષ થયો.
પ્રશ્નકર્તા : દાદા, પણ કઈ રીતે દર્શનમોહ છૂટે ?
દાદાશ્રી : બીજો કોઈ રસ્તો નહીં, જ્ઞાની પુરુષ છોડાવી આપે ત્યારે. દર્શનમોહ એટલે શું ? આમ બધું જુએ છે, તેને બદલે પાછલી બાજુ જુએ. એ દ્રષ્ટિ ફેરવી આપે, જ્ઞાની પુરુષ. પોતાની મેળે ફરે નહીં. આ સંસાર દ્રષ્ટિ છે અને પાછળ આત્મદ્રષ્ટિ છે. તે આત્મા ભણી દ્રષ્ટિ કરી આપે. પછી છે તે એને સમજાઈ જાય કે આ હું છું.
વ્યાખ્યા ચારિત્રમોહ તણી ! અને ચારિત્રમોહ એટલે શું કે દર્શનમોહને લઈને જે જે બીજ નાખેલાં, ખેતરામાં વાવી આવેલા, એ હવે છે તે દર્શનમોહ ગયો છતાં પેલું આનું લણવાનું રહ્યું. તે ગમે નહીં કે, આ સાલું નહતું આમાં સુખ ! તે આપણે ક્યાં આ બધું આવ્યું ? એનું નામ ચારિત્રમોહ.
ખેતરમાં બીજ નાખે તે જ દર્શનમોહ અને છોડવો ઊગે, ફળ આવતાં સુધી એ બધો ચારિત્રમોહ. આ જગત આખું દર્શનમોહથી ફસાયેલું છે. દર્શનમોહ જાય તો ક્ષાયક સમતિ થાય, પણ ચારિત્રમોહ રહે.
ક્ષાયક સમક્તિની વ્યાખ્યા ! શાસ્ત્રો કહે છે કે અત્યારે આ કાળમાં ક્ષાયક સમકિત ન થાય. તો દર્શનમોહ જાય ખરો ? કેટલા પ્રમાણમાં ? ત્યારે કહે, ચાર અનંતાનુબંધી અને એક મિથ્યાત્વમોહનીય ને એક મિશ્રમોહનીય. અને સાતમી સમ્યકત્વમોહનીય ખપે, ત્યારે તે ક્ષાયક સમકિત થાય. સમ્યત્વમોહનીય આ કાળમાં ન ખપે.