________________
છેને ?” અને કોને કહે છે ? જેને કહે છે તે તો પોતે છો જ નહીં. ‘હું તો શુદ્ધાત્મા છું', શુદ્ધાત્માપદ ના ચૂકે તો તપ થયું કહેવાય, નહીં તો તપ ચૂક્યા !
કોઈ પારકો ચંદુને ઠપકો આપી જાય, તેના કરતાં આપણે જાતે જ ચંદુને ઠપકો ના આપીએ ? કોઈ મારે, ગાળો દે ને સમતા રહે તો જાણવું કે માનકષાય બંધ થઈ ગયો. હવે લોભકષાયને તપાસવો. કોઈને ઉછીના પચાસ હજાર આપ્યા ને પછી એ અવળું બોલે તો ? ત્યાં હું શુદ્ધાત્મા છું' ને ગાળો દે છે તેય શુદ્ધાત્મા છે એમ રહેવું જોઈએ. ઉપરથી ચંદુભાઈને કહેવું કે આમ શા માટે કરો છો ? જરા પાંસરા રહોને ! આ થયું તેમાં ભોગવે એની ભૂલ ! મોટી રકમ લેવાની હોય ને તે પાછી ના આપે તોય આપણું મોટું બગડવું ના જોઈએ તો સારું. દેવું મોટું હોય તોય મનમાં નિશ્ચય રાખવો કે ચૂકવવા જ છે, તો તે અપાશે. જેના હોય, એને મળ્યા વગર ના રહે ! મોક્ષે જવું હોય તો માન ને લોભ બિલકુલ ના હોવા જોઈએ.
જ્યાં પ્રતિક્રમણને ય ચંદુ ના ગાંઠે, તો તેને એકાંતમાં બેસાડી ઠપકારવા. ચંદુભાઈને જરા સફોકેશન જેવું થાય તો તેને કહેવાનું, “અમે છીએને ! હવે આપણે એકના બે થયા ! પહેલાં કોઈ તમારો આધાર ન હતો. હવે અમે છીએને !' હવે પાડોશીનું બધી રીતે ધ્યાન રાખવાનું. ચંદુભાઈ દર્શન કરે, વ્રત-જપ કરે તો તેને કરવા દો અને ના કરે તોય વાંધો નહીં. ‘ચંદુભાઈ, જે આવે તેનો સમભાવે નિકાલ કરો.” ચંદુભાઈ જોડે વાતચીતનો વ્યવહાર કાયમ માટે કરી નાખવો. ગમે તેવા આચાર હશે પણ અક્રમ વિજ્ઞાનથી તેનો મોક્ષ છે. આચારને ને મોક્ષને લેવાદેવા નથી ! જ્ઞાનથી બધું ખપી જાય ! અહંકાર જબરજસ્ત રીતે ભગ્ન થઈ જાય ત્યાં શું કરવું ? ‘અનંત શક્તિવાળો છું' એ બોલ્યા કરો અને અંદરખાને તપ કરવાનું ! પછી બહારનાં બધાં જ વાદળાં વીખરાઈ જાય. તમામ આગ્રહોથી મુક્ત રહેવાનું છે. પુરુષ અને પ્રકૃતિ ભેદજ્ઞાનથી છૂટાં પડ્યા પછી ખરો પુરુષાર્થ શરૂ થયો ! અને હવે પુરુષાર્થમાં જ રહેવું છે એમ નક્કી રાખવું.
[૧૪] તન્મયાકાર કોણ ? જાણે કોણ ? જ્ઞાન મળ્યા પછીય ઘણીવાર તન્મયાકાર થઈ જવાય છે એવી ફરિયાદ મહાત્માઓને વારંવાર થતી હોય છે, દાદાશ્રી પાસે. તેનો ફોડ પાડતાં પૂજ્યશ્રી કહે છે કે, ‘તન્મયાકાર તું નથી થતો, ચંદુભાઈ થાય છે. જે તન્મયાકાર થાય, તેને શી રીતે ખબર પડે કે હું તન્મયાકાર થયો ?! માટે જાણનારો એનાથી જુદો જ છે ! તન્મયાકાર કયો ભાગ થાય છે ? પુદ્ગલમાં અમુક બળ હોય છે તેમાં મુખ્ય બુદ્ધિ, તો ક્યારેક અહંકાર તન્મયાકાર થાય. પણ શુદ્ધાત્મા ક્યારેય તન્મયાકાર ના થાય.. તન્મયાકાર શાથી થવાય છે ? જાગૃતિ ઓછી થાય છે ? ના. એવું નથી. પણ આ તો કર્મનો ફોર્સ ઘણો બધો હોય છે તેથી જાગૃતિ ખસી ગઈ એવું ભાસે છે ! તન્મયાકાર થઈ જાવ તોય હવે જ્ઞાન મળ્યા પછી નવું કર્મ ચાર્જ થતું નથી ! કપડાં બરાબર ના ધોવાયાં તો ફરી ધોઈ નાખવાં ! સહેલો ને સટ રસ્તો છે ને ! કોઈ ક્રિયામાં એકાકાર થયા પછી પાછું શુદ્ધાત્માના લક્ષમાં લાવે છે કોણ ? લાવવાની જરૂર જ ક્યાં હોય ? તે ઘડીએ આત્મા તો પ્રકાશરૂપે હતો જ. આ તો વૃત્તિઓ તન્મયાકાર થાય છે ને વૃત્તિઓ જ સ્વયં ક્ષણમાં નિજઘર ભણી પાછી વળી જાય છે ! તે પાછું લક્ષ આવી ગયું એમ લાગે ! એટલે તન્મયાકાર થવાય છે એય ભ્રમણા જ છે ! રાગ-દ્વેષ કર્યા ત્યાં જ હવે વીતરાગ થવાનું છે. ઘણીવાર એમ લાગે કે જુદી જુદી ડીગ્રીમાં તન્મયાકાર થવાય છે. અરે, થર્મોમિટરને કોઈ દહાડો તાવ ચઢે ? ડૉક્ટરને ચઢે પણ કંઈ થર્મોમિટરને તાવ ચઢે ? આત્મા પોતે થર્મોમિટર જેવો છે ! બધું દેખાડે છતાં નિર્લેપ જ રહે. ગમે તેટલી માપણી કરે પણ ફૂટપટ્ટી કંઈ લાંબી-ટૂંકી થાય ? જગ્યા લાંબીટૂંકી મપાય. પણ ફૂટપટ્ટી તો વીતરાગ જ છેને ! આ તો ખાલી ભ્રાંતિ જ થાય છે કે ફૂટપટ્ટી લાંબી થઈ ને ટૂંકી થઈ ! બે તત્ત્વો કોઈ દહાડો એકાકાર થઈ જાય ? આત્મા દ્રષ્ટા ને ચંદુભાઈ દ્રશ્ય. તે દ્રશ્ય ને દ્રષ્ટા ક્યારેય એકાકાર થઈ જ ના શકે ! તન્મયાકાર થવાય છે એ ભાયમાન પરિણામો છે એમ જાણવું. વળી ભાસ્યમાન પરિણામ તે મારું નથી. આટલું રહે તો જાગૃતિ રહે.