________________
(૭)
વ્યવસ્થિતતા જ્ઞાનનો દુરુપયોગ !
આમ થાય ‘એતો' દુરુપયોગ !
જગતનું કલ્યાણ કરવું જેમ તેમ કરીને. પણ એ ય એનો કાળ પાકશે ને ? એ કંઈ ઉતાવળથી હમણે દોડધામ કરીએ આપણે, હે ય લીફટમાં ચઢીએ ને ઊતરીએ તો થઈ જાય ?
પ્રશ્નકર્તા : એ વ્યવસ્થિત છે ને !
દાદાશ્રી : ના, વ્યવસ્થિત છે અને વ્યવસ્થિત નથી. નથી ય ખરું. કારણકે વ્યવસ્થિત છે એવું જો અવલંબન લે ને, તો એવું અવલંબન લેવા માટે નથી કહેલું. એ લક્ષમાં રાખવા માટે કહેલું છે કે બધાં પ્રયત્ન પૂરા થાય અને કાર્ય થઈ જાય ને ઊંધું વળે તો બોલવું કે વ્યવસ્થિત છે. વ્યવસ્થિત બોલે, તેથી નુકસાન તો કંઈ થાય એવું નથી. પણ વ્યવસ્થિત બોલવું એ ગુનો કહેવાય છે. બીજા માણસો દુરુપયોગ કરશે. દુરુપયોગ એટલે સમજ્યા વગર પાણી પી જશે. આ પાણી સમજીને પીવાનું છે. સમજ્યા વગર પાણી પી જાય તો આનું ઝેર ચઢી જાય. એટલે વ્યવસ્થિત લક્ષમાં રાખવાનું આપણે.
આપ્તવાણી-૧૧
૧૬૩
ગજવું કપાય એટલે તરત જ આપણે કહેવું કે ‘વ્યવસ્થિત છે’. કો’કને જોવાં ગયાં દવાખાનામાં અને પક્ષાઘાત કોઈને થઈ ગયો આપણાં ફ્રેન્ડને, તો આપણને મહીં વિચાર આવે કે મને પક્ષાઘાત થશે તો શું થાય ? ત્યારે આપણે કહેવું, વ્યવસ્થિત છે. એનો વિચાર તમે કરશો નહીં.’ એ વ્યવસ્થિત હેતુસર વાપરવા માટે છે. ગમે તેમ વાપરવાની ચીજ ન હોય આ. હેતુસર વાપરવાની ચીજ છે.
તમને ઘેર એમ કહ્યું હોય કે ‘આઠ વાગે આવી જજો.' અને અહીંથી કહે કે “હવે, હજી થોડીવાર પછી આપણે આરતી કરીએ છીએ, ને આરતી કર્યા પછી જજો'. તો તમારે એકબાજુ, ઘેર બોલાવવાની ઉતાવળ કરે છે અને અહીંથી આ મોડું જવાનું કહે છે. તે ઘડીએ મહીં ચેન્જ થાય. તો કહી દેવું કે ‘ચેન્જ ના કરશો, વ્યવસ્થિત છે’. વ્યવસ્થિતનો સદ્ઉપયોગ કરવાનો છે. છે એક્ઝેક્ટ વ્યવસ્થિત, જ્ઞાની પુરુષે જોયેલું તેવું જ છે. પણ એ શબ્દને ગમે તેવો વટાવી ખાવાનો નથી. બજારું કિંમત નહીં કરવાની. બહુ કિંમતી શબ્દ છે.
વ્યવસ્થિત કોને બોલવાનો અધિકાર છે ? કે જે આ પ્રકૃતિનાં ગુણોમાં કંઈ પણ ડખલ ના કરે, એને વ્યવસ્થિત બોલવાનો અધિકાર છે.
આળસુ માણસને વ્યવસ્થિત શબ્દ બહુ ગમે. એટલે નુકસાન કરે એ બધું. એટલે આ વ્યવસ્થિત છે તે, પ્રયત્ન પૂરો થયાં પછી એ અવળું પડે, તો વ્યવસ્થિત કહી દેવું. એટલે આ વ્યવસ્થિત, એક્ઝેક્ટ વ્યવસ્થિત છે. પણ આ વાપરતાં નથી આવડતું લોકોને. ઠંડક રહે એનાથી. એક બાજુ ઠંડક રહ્યાં કરે. વ્યવસ્થિત સમજવું જોઈએ ને ?
અહીં તમારે આવવું હોય સત્સંગમાં અને જબરજસ્ત તમન્ના હોય. અને રસ્તામાં કોઈ એવો ફ્રેન્ડ મળ્યો કે “ના, મારે ઘેર આવવાનું છે'. તે વખતે તમને અહીં તમન્ના વધારે હોવાથી, એ ફ્રેન્ડ ઉપર મહીં દુર્ધ્યાન થાય, રૌદ્રધ્યાન થાય મહીં અંદર, કે ‘ક્યાંથી આવી પડ્યો ? આ શા માટે આવ્યો ? આવું, ના આવતા હોય તો શું ખોટું છે ?” ત્યાં આપણે કહ્યું ‘વ્યવસ્થિત છે.’ આપણે આવવું છે, પણ પેલો લઈ જાય છે. ત્યારે આપણે એને કહી છૂટવું કે ભઈ, તને સાંજે હું નવ વાગે આવું તો ચાલે