________________
આપ્તવાણી-૧૧
૧૫૩
દેખાય છે બધી. પડેલી ફિલમ એટલે ચારિત્ર મોહનીય. એટલે આપણા
અક્રમ માર્ગમાં જૂનું કાઢવા જેવું નથી અને નવું કરવા જેવું નથી. જે જૂનું છે એ ‘જોવાનું’ છે. બોધરેશન જ ના હોયને !
દર્શનમોહ ગયો તો એ કર્તાપણું છોડાવડાવે, ભોક્તાપણું રાખે અને ચારિત્રમોહ એટલે ભોક્તાપણું. એ ભોક્તાપણું નિકાલ કરી નાખે, એ ચારિત્રમોહ જીત્યા. હવે આવા બધા ફોડ પડેલા નહીં ને ! કર્તાપણું છૂટી જાય એનું નામ દર્શનમોહ ગયો. પછી રહ્યું શું ? ચારિત્રમોહ, તે સમભાવે નિકાલ કરવો, એ ચારિત્રમોહ, એમાં એન્ડ આવી ગયો. કોઈ ખરાબ વ્યક્તિ જોડે ચિઢાવું નહીં, સારા જોડે ખુશ થવાનું નહીં. સારું-ખોટું કચરો ભર્યો જ હોયને બધો.
પ્રશ્નકર્તા : વારે વારે પછીથી આ આના ઉપર જ આવીને ઊભું રહેવું પડે છે કે બધું જે થાય છે તે ‘જોયા’ કર.
દાદાશ્રી : ‘જોયા’ કરવાથી છૂટે પછી અને બીજું ‘કરવાથી’ બંધાય. આપણા અક્રમમાં બંધાય તો નહીં, પણ જે જૂનું બંધાયેલું ત્યાંથી છૂટે. અને ત્યાં ક્રમિકમાં જુદું છે આ, દર્શનમોહ છેલ્લા અવતાર સુધી જાય
નહીં.
પ્રશ્નકર્તા : આપણે ત્યાં તો અહીંયા વિધિ કરી, અમે જે જ્ઞાન લીધું તે જ વખતે આખો દર્શનમોહ જતો રહે છે.
દાદાશ્રી : હા, અક્રમ છે એટલે.
આ જ્ઞાન આપ્યું છેને મેં તમને, એટલે દર્શનમોહ છૂટી જાય. આ જ્ઞાન જ કેવળજ્ઞાન છે. પણ અમને પચ્યું નહીં એટલે પછી તમને ય પચશે નહીં. પણ દર્શનમોહ પૂરો ગયો.
પ્રશ્નકર્તા : તે આ પચ્યું નહીં એટલે ?
દાદાશ્રી : અનુભવમાં પૂરેપૂરું ના આવ્યું અને પેલું ચારિત્રમોહ ખડો રહ્યો.
પ્રશ્નકર્તા : પહેલે ઝટકે દર્શનમોહ આખો કાઢી નાખ્યો.
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : હા, બધું જ ખલાસ. આપેલું કેવળજ્ઞાન છે એટલે કેવળ અજ્ઞાન ઉડી ગયું અને કેવળજ્ઞાન થયું નહીં પૂરેપૂરું. અને ક્રમિક માર્ગમાં અહંકાર ઘટતો જાય. દર્શન વધતું જાય એમ અહંકાર ઘટતો જાય.
૧૫૪
પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓને દર્શનમોહ કાઢી આપ્યો, અને ચારિત્રમોહ રહ્યો, હવે ચારિત્રમોહ, આખા દિવસમાં બધું બને, તે બધું ચારિત્રમોહ જ ગણાય. એમ કહેને ઊઠ્યો એ ય ચારિત્રમોહ, ચા પીધી એ ય ચારિત્રમોહ, એ બધું ચારિત્રમોહમાં જ જાય, તો એક્ઝેક્ટ ચારિત્રમોહને ‘જુએ’ એવી જાગૃતિ કઈ હોય ?
દાદાશ્રી : એટલે કહ્યું ને કે વ્યવસ્થિત છે, ‘જોયા’ કરજો. એ આજ્ઞામાં રહેવાનું. ગમે તેવું કાર્ય કરતો હોય તો તેને જોયા કરવાનું.
ક્રમિક માર્ગે એ ‘ખરેખર પોતે કરે છે’ એવું જાણે છે, તેથી એ મોહ છે, અને આપણે અહીં અક્રમમાં પોતે કર્તા નથી આના, એટલે આ ચારિત્રમોહ છે. પેલો ય છે તો જો કદી એનો કર્તા ના થાય, તો ચારિત્રમોહ. સિનેમા જોવા ગયા હોય, એને મોહ તો કહેવાયને ! હવે દાઢી કરે એ ય મોહ છે. પણ પોતે કર્તા નથી, વ્યવસ્થિત કર્તા છે. એટલે એને અડે નહીં. તમારે વ્યવસ્થિત કર્તા રાખ્યું છે ને !
અહીં સ્થપાયો પુરુષ કર્તાપદે !
પ્રશ્નકર્તા : એટલે જે સમકિતી હોય એમને માટે એવું કહેવાય કે વ્યવસ્થિત છે ?
દાદાશ્રી : એ દ્રષ્ટિ થઈ ત્યાંથી જ વ્યવસ્થિતમાં આવી ગયો. પણ ક્રમિક માર્ગમાં એમને આપણા તરફથી વ્યવસ્થિત છે, એવું ના કહેવાય. આપણી મારફત ના કહેવાય. વ્યવસ્થિત ત્યાં ક્રમિક માર્ગમાં હોય જ નહીં, શબ્દ જ ના હોય. આપણે અહીં વ્યવસ્થિત કહી શકીએ, બીજી કોઈ જગ્યાએ વ્યવસ્થિત શબ્દ જ બોલાય નહીં એમને.
પ્રશ્નકર્તા : પણ એ ક્રમિક માર્ગે અહંકારનું શુદ્ધ થવું એ વ્યવસ્થિતના આધીન ને ?