________________
આપ્તવાણી-૧૧
૨૩૯
આજ્ઞા આપવી તે પાળવી બેઉ પુરુષાર્થ !
પ્રશ્નકર્તા : પુરુષ થયા પછી ફેરફાર થાય ખરું ? આ રીતે જ્ઞાની પુરુષની આજ્ઞા મળે અને પેલો પાળે, પુરુષાર્થ કરે, તો વ્યવસ્થિતમાં ફેરફાર થાય ?
દાદાશ્રી : ‘આજ્ઞા આપવી એ પુરુષાર્થ છે અને આજ્ઞા પાળવી એ પુરુષાર્થ છે', બે પુરુષાર્થ છે. એ સિવાય બીજું બધું વ્યવસ્થિતને તાબે.
એ તો પછી લોકો દુરુપયોગ કરે ઠેઠ સુધી. કહેશે, ‘આજ્ઞા પાળી, તે ય વ્યવસ્થિત છે. આજ્ઞા ના પાળી, તે ય પણ વ્યવસ્થિત છે.’ એવું કરી નાખે.
પ્રશ્નકર્તા : આજ્ઞા જે છે એ પુરુષાર્થ કેવી રીતે, જરા સમજાવોને.
દાદાશ્રી : આજ્ઞા પાળવી એ પુરુષાર્થ છે, પુરુષ થયા પછી પાળી શકાય, નહીં તો પળાય નહીં અને આજ્ઞા મળે ક્યારે ? કે પુરુષાર્થનો એ કરનારો હોય ત્યારે. તે આ બેઉ વસ્તુ પુરુષાર્થ છે. એ વ્યવસ્થિતમાં ના લઈ જવાય પણ આજ્ઞા મળે ક્યારે ? કે એની ઉપર બહુ રાજીપો થાય ત્યારે મળે. એમની કંઈ એવી ઈચ્છાપૂર્વકની વસ્તુ નથી એ. આજ્ઞા પાળવી એ છે તે પુરુષાર્થ છે અને આજ્ઞા આપવી તે ય પુરુષાર્થ છે. જ્ઞાની તો પુરુષાર્થમાં જ હોય હંમેશાં. જ્ઞાનીને તો એવું તેવું ના હોય ને ! તે આજ્ઞા મળે તો, ફેરફાર થઈ જાય. એ પુરુષાર્થ સંસારમાં જતાં ‘વોલ’
છે એ.
પ્રશ્નકર્તા : ખરી વાત છે.
દાદાશ્રી : સંસારમાં ઢળી પડતાં ‘વોલ’ છે આ. ‘વોલીંગ પ્રોટેકશન’ છે. જેમ ઝીણવટથી વિચાર કરો ત્યારે સમજાશે. બહુ એકદમ નહીં. બેઉ પુરુષાર્થમય છે. થોડું ઘણું તમને સમજાયું.
પ્રશ્નકર્તા : હા. મને હવે આમાં બધું સમજાય છે, નથી સમજાતું, એમ નહીં.
૨૪૦
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : એ વ્યવસ્થિતને તોડનારી વસ્તુ છે આ. પ્રશ્નકર્તા : હા. મારે એ જ જાણવું હતું.
દાદાશ્રી : બે વસ્તુ છે, બે પુરુષાર્થ છે આ. પુરુષ થયા પછી એ વ્યવસ્થિતને તોડી શકે. હા. પણ તે આટલું આજ્ઞાપૂર્વક, બીજું નહીં. તો વ્યવસ્થિતને તોડી શકાય. ખુશીથી તોડી શકાય.
પ્રશ્નકર્તા : હા. એ પોઈન્ટ છે આ.
દાદાશ્રી : એ મુખ્ય વસ્તુ જ આ છે આજ્ઞા અને કૃપા !
પ્રશ્નકર્તા : હા. તો બસ આ એક બહુ મોટી વાત મને જાણવા મળી. આ બહુ ઘણા વખતથી મારા મનમાં રમ્યા કરતું હતું.
દાદાશ્રી : ના. એ તો સમજવું જ પડે ને ? સમજે ત્યારે ઊકેલ આવે. તેથી શાસ્ત્રકારોએ કહ્યું, જ્ઞાની પુરુષની આજ્ઞા એ સંસારમાં
જવાનો પ્રતિબંધક છે.
પ્રશ્નકર્તા : આ એક્ઝેક્ટ વાત છે.
દાદાશ્રી : જ્ઞાની પુરુષની આજ્ઞાથી જ આ થઈ શકે. ‘અમે આજ્ઞા
કરી એ વ્યવસ્થિતના તાબામાં નહીં અને આજ્ઞા પાળવી તે ય વ્યવસ્થિતના તાબામાં નહીં.' બન્ને પુરુષાર્થ કહેવાય.
પ્રશ્નકર્તા : હા. બન્ને પુરુષાર્થ છે, પણ વ્યવસ્થિતમાં ના હોય તો આજ્ઞા કેવી રીતે પાળી શકાય ?
દાદાશ્રી : ના એવું નહિ. એ તેનું નામ જ પુરુષાર્થ. પુરુષ થયો માટે પુરુષાર્થ તેનું નામ કે આજ્ઞા પાળે.
પ્રશ્નકર્તા : પુરુષાર્થ વ્યવસ્થિતથી અલગ છે.
દાદાશ્રી : અલગ છે, વ્યવસ્થિત ‘ડીસ્ચાર્જ’ છે. પુરુષાર્થ ચાર્જ છે. પુરુષ થયા પછી જ પુરુષાર્થ ઉત્પન્ન થાય. પુરુષાર્થ થાય જ નહીં ત્યાં સુધી તો ! એ વ્યવસ્થિતનો પુરુષાર્થ ગણાય છે. તે ભ્રાંતિનો પુરુષાર્થ.