________________
આપ્તવાણી-૧૧
૩૦૫
એમણે એના....
દાદાશ્રી : તલના છોડને સમતિ પામવાની જરૂર જ નથી. આ વસ્તુ શું છે. આપણે આ દાખલો લો ને કે ભઈ આ ભગવાન બધું જોઈ શકતા હોય આ બધા મનુષ્યોને, તો પછી નિશ્ચિત થઈ ગયું જગત. ભૂતકાળ ભવિષ્ય બધા મનુષ્યોનું નિશ્ચિત. એટલે નિયતિ થઈ ગઈ. તો પુરુષાર્થ કરવાની જરૂર અત્યારે ? પછી આ દેરાસર ને મંદિરની બધાની જરૂર જ નહીંને ! એટલે આ વસ્તુ વાત સમજવાની. બહુ ઝીણી વાત છે. આ લોકોનું કામ નહીં આમાં. આમાં હાથ ઘાલે છે તે ય કામ નહીં લોકોનું, બહુ જ ઝીણી વાત છે.
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન જે છે એની શક્તિ અનંત છે. બધું જોઈ શકે છે. દા.ત. તરીકે એક જ્યોતિષ છે તો આયુષ્યનું એમ કહે કે આનું છે તો ત્રીસ વર્ષનું છે. પણ કેવળજ્ઞાનના...
દાદાશ્રી : કેવળ જ્ઞાનની શક્તિ અનંત છે. બધું જોઈ શકે છે પણ શેને જોઈ શકે છે ? જે થવાની વસ્તુ છે તેને જોઈ શકે છે નહીં થશે તે જોઈ શકશે કે થવાની વસ્તુ તે જોઈ શકશે ? જો જગત બધું આખું જોઈ શકતા હોય તો નિયતિ ભગવાને કહેવાની જરૂર હતી, કે નિયતિ જ છે આ બધું. તમારે કશું મહીં ડખલ કરવાની જરૂર નથી.
પ્રશ્નકર્તા : સમકિત નથી થયું ત્યાં સુધી પોતે પુરુષાર્થ કરવો જ જોઈએ. એવી ભગવાનની જે વાત છે એ તદન બરાબર છે.
દાદાશ્રી : પુરુષાર્થ શેને માટે, હવે જ્યારે જે બનવાનું છે એ બનવાનું છે. પછી હવે જરૂર જ ક્યાં રહી ! ભગવાને જોયું કે ભઈ આ આનું ઓ થવાનું છે. ચંદુભાઈ જન્મતાંથી આવા થશે, આમ થઈ જશે પછી આપણે કરવાનું કશું રહ્યું જ નહીં ને ?
એટલે એ ફક્ત ભગવાને સમકિતિ જીવોનું બહાર પાડ્યું છે. ભગવાને જેટલું ખુલ્લું કર્યું છેને એ સમકિતિ જીવોનું બહાર પાડ્યું છે. સમકિતિ જીવો એટલે હદમાં આવી ગયો. અહંકાર એનો ખલાસ થયો. અહંકારવાળાને તો કોઈ કહી શકે જ નહીં. કારણ કે અંધારું એ તો,
૩૦૬
આપ્તવાણી-૧૧ ઈગોઈઝમવાળું બિલકુલ અંધારું. અને તેને લઈને આ ભગવાનને આ કહેવું પડ્યું કે આ પુરુષાર્થ ને પ્રારબ્ધને બધું કહેવું પડ્યું. નહીં તો પછી બનવાનું હોય તે બની જાત તો પછી વાંધો જ શો હતો ?!
પ્રશ્નકર્તા : તો તો પછી પાંચ સમવાય કારણો છે એ ના હોય.
દાદાશ્રી : હા, ના હોય ને. એટલે આ ભગવાને બહુ સરસ કહી છે વાત. કે સમકિતિ જીવનું બધું એ કહી શકે. અને આમાં જો નિયતિ નથી ? એમ પૂછયું લોકોએ ભગવાનને, સાહેબ નિયતિ જ છે આ બધું જગત ? ત્યારે કે ના, નિયતિ નથી. કાળ, સ્વભાવ, નિયતિ, પ્રારબ્ધ અને પુરુષાર્થ, આ બધું છે અને તો જ કોઈ કાર્ય થાય. નહીં તો કાર્ય નહીં થાય, કહે છે.
પ્રશ્નકર્તા : એવો આપણો અહીં આ મનુષ્યજીવનમાં એવો આત્મા હોય જેને ખાલી નિયતિ જ હોય બસ, બીજું બધું ખલાસ થઈ ગયું હોય તે નિયતિ જ એને મોક્ષે લઈ જતી હોય, નિયતિવાળો.
દાદાશ્રી : પછી કરવાનું જ રહ્યું નહીં ને ! પ્રશ્નકર્તા : કંઈ નહીં. પણ એવો પુરુષ હોય ખરો સંસારમાં ?
દાદાશ્રી : કોઈ ના હોય, એક પણ ના હોય. આ હિન્દુસ્તાનમાં જન્મ્યો એટલે અથડાયા જ કરવાનો.
પ્રશ્નકર્તા : તો એ કયાં બીજા ક્ષેત્રમાં હોય ?
દાદાશ્રી : બધા ક્ષેત્રોમાં આવું અથડામણ, અથડામણ, અથડામણ કરતો ઉપર ચઢવાનો. કારણ કે જ્યાં સુધી ‘પોતે કર્તા છે' એવું ભાન છે ત્યાં સુધી અથડાયા જ કરવાનો.
પ્રશ્નકર્તા ઃ દરેક જીવને માટે નક્કી જ હશે ને કે આટલા ભવ કરશે. કરોડ ભવ કરશે કે બે કરોડ કરશે કે ફલાણી સાલમાં અને ફલાણી તરીકે જ હશે, એવું ડિસાઈડડ ખરું કે નહીં ?
દાદાશ્રી : એ ડિસાઈડેડ જો જાણે તો ભવ લાંબા થાય.